આ તો એક વાત છે...

સરકારે બેન્ડવાજાં અને ડીજે સાથે જાહેરમાં 400 જણા સાથે વરઘોડો કાઢવાની છૂટ તો આપી છે…

… પણ લગ્નમાં માત્ર 50 જાનૈયાને જ લઈ જવાની છૂટ છે ! તો બાકીના 350 જાનૈયા લગનનું જમશે ક્યાં ? રોડ ઉપર ?

ના ના, આ તો એક વાત છે !

***

બધા મિડિયામાં સમાચાર આવી ગયા કે અક્ષય કુમારની મમ્મીનું નિધન થયું…

… પણ કોઈ એમ કેમ નથી કહેતું કે બિચારી ટ્વીંકલ ખન્નાની સાસુ મરી ગઈ !

ના ના, આ તો એક વાત છે !

***

કહે છે કે અફઘાનિસ્તાનની કોલેજોમાં ભણતા છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ક્લાસમાં પરદો રાખવામાં આવશે !

આખી પ્રથાનો આખરે હેતુ શું છે ? છોકરાઓએ ક્લાસમાં જ હાજરી પુરાવવાની કે ક્લાસની બહાર રાહ જોતા બેસી રહેવાનું ?

ના ના, આ તો એક વાત થાય છે !

***

સંવત્સરીના દિવસે સૌ એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને માફી તો માગે છે…

… પણ તપાસ એ કરવા જેવી છે કે માફી ‘આપે છે’ કેટલા ?

ના ના, આ તો એક વાત છે !

***

તાલિબાનના નવા શિક્ષણમંત્રી કહે છે કે ‘ડીગ્રીની કંઈ વેલ્યુ જ નથી. જુઓ, તાલિબાન સરકારના મંત્રીઓ ડિગ્રી લીધા વિના પણ કેટલા મહાન છે !’

સાચી વાત છે, ભારતના ડિગ્રી વગરના મંત્રીઓ તો વરસોથી આમ કહેતા આવ્યા છે ! પણ એમનું સાંભળે છે કોણ ?

ના ના, આ તો એક વાત છે !

***

સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 18 ટકાથી વધીને સીધું 25 ટકા થઈ ગયું !

તો હવે બિન-સરકારી કર્મચારીઓએ મોંઘવારીને પહોંચી વળવા માટે શું કરવાનું ? ભજન ?

ના ના, આ તો એક વાત છે…

***

અને બંગાળના મહિલા સાંસદ કહે છે કે મારા બાબાના પપ્પાને ખબર છે કે બાબાના પપ્પા કોણ છે !

- એક મિનિટ, આ વળી કેવી વાત છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments