ચાની લારીનું નામ કિટલી કોણે પાડ્યું એનો ઇતિહાસ મળતો નથી પણ આજના વડીલોને પૂછી જુઓ, એમણે જ્યાં જ્યાં પોતાની જુવાનીમાં બેસીને ચા પીધી છે તેનો આખો ઇતિહાસ મોઢે હશે !
એ ગુસ્સે ભરાયેલા સ્ટીમ એન્જિન જેવો અવાજ કાઢતો પ્રાયમસ, એ ઉકળતી ચાની ફેલાતી સુગંધ, એ સાણસીના ફંદામાં ફસાવીને ચાના કૂચાનો ‘મરણકસ’ કાઢતો કિટલીવાળો, એ પેલો હસતા મોઢે ગરમાગરમ ચાના પ્યાલા એલ્યુમિનિયમની સ્હેજ છલકાતી ટ્રેમાં આપણને આપી જતો ટેણિયો... એ નેતરની સોટીઓ અને સાયકલનાં ટાયર વડે બનેલા મુડ્ડા... અને પેલી હજી સુધી નહીં ચૂકવેલી થોડી ‘ઉધારી’ !
વરસો પછી અમે અમારી કોલેજની બહાર ઊભી રહેતી કિટલીએ જઈને અમારી જુની ઉધારી ચૂકવવા માટે સો રૂપિયાની નોટ ધરી ત્યારે કિટલીના માલિકે કહ્યું હતું ‘હોતું હશે સાહેબ ? આટલા વરસ પછી તમને મોટા સાહેબ બનેલા જોઈએ એમાં જ અમારો તો હિસાબ ચૂકતે છે !’
એમના મનમાં કદાચ એવું હશે કે જે રીતે દાદાજીને પોતાના પૌત્રનું મોં જોઈને પોતાનું ‘વ્યાજ’ આવ્યું એમ લાગે છે એ જ રીતે કોલેજની કેન્ટિનવાળાને જુના સ્ટુડન્ટો જોઈને એમનું વ્યાજ વસૂલ થતું દેખાતું હશે !
દરેક કિટલીની પોતાની એક ઓળખ હોય છે. કોઈ કિટલી ઉપર કોલેજનાં છોકરા છોકરીઓનાં ઝુમખે ઝુમખાં દેખાય છે તો કોઈ કિટલી આજકાલના ગળે કસોકસ ટાઈ પહેરેલા માર્કેટિંગવાળા કે આઈટી પ્રોફેશનલોને માટે નોકરીના જુલમોની ભડાસ કાઢવાની જગ્યા છે. કોઈ કિટલીઓ નાટક ટીવીના કલાકારોનો અડ્ડો હોય છે... અહીં હોલીવૂડથી લઈને ઢોલીવૂડની ફિલ્મોનાં છોતરાં ચાના બે સબડકામાં ઉડી જતાં હોય છે. અમુક કિટલીઓ ઉપર બુદ્ધિજીવીઓ બણબણતા હોય છે તો અમુક કિટલીઓની આસપાસ દા’ડી મજદૂરો પોતાની સાથે ઘરેથી લાવેલી ભાખરી ખાતા હોય છે.
ભારતમાં ‘કિટલી કલ્ચર’ એક આખી જીવતી જાગતી સંસ્કૃતિ છે. દેશની તમામ સમસ્યાઓ અહીં આવીને ‘અભિવ્યક્તિ’ પામે છે. (લોકશાહી છે, ભૈ !) અને દેશ શું, વિદેશોની સમસ્યાઓનો ઉકેલ પણ અહીં જ કાઢી આપવામાં આવે છે. (એ પણ માત્ર એક અડધી ચાની ‘ફી’ લઈને !)
આજકાલના યંગસ્ટર્સ CCDમાં જાય છે. ત્યાં કોઈ અવળચંડા ઉચ્ચારવાળા નામની કોફી ઓર્ડર કરે છે અને અડધી કલાક બેસવાના કંઈક સો-બસ્સો રૂપિયા ચૂકવી આવે છે. કિટલીમાં એવું નથી. અહીં તમે કલાકોના કલાકો સુધી બેસી રહો તો કોઈ એમ પૂછવા નથી આવતું કે ‘એનીથીંગ એલ્સ, સર ?’ (અર્થાત્ હવે અહીંથી ફૂટો, પ્લીઝ)
આ કિટલીઓ ઉપર માત્ર પાંચ-દસ રૂપિયામાં તમે ધારો તો ‘હાઉ ટુ ગેટ પ્રમોશન ઇન યોર કરિયર’ અથવા ‘દેશને ખતરનાક દેશદ્રોહીઓથી શી રીતે બચાવશો’ એવા વિષય ઉપર આખેઆખા મોટિવેશનલ સેમિનારો કરી શકો છો.
એક સમયે ચાની સાથે એલ્યુમિનિયમની ડીશમાં ‘ખારી’ મળતી, એ કડક ખારી હવે સાવ પોચી અને નાજુક બની ગઈ છે. પેલાં ‘સ્વીટ-કોર્ન’ મળતાં હતાં, જેને અમે ‘મીઠો મૂળો’ કહેતા હતા ! અમુક કિટલીઓ ચા સાથે ‘બન-મસ્કા’ માટે જાણીતી હતી તો અમુક કિટલીઓ બાજુમાં ઊભેલી વાસી ભજિયાંની લારી સાથે ‘પરાવલંબી’ જીવન જીવતી હતી !
આજકાલ ‘હાઇજિન’ના નામે પેલા નાનકડા કાચના ગ્લાસની જગ્યા પ્લાસ્ટિક અને કાગળના ‘થ્રો-અવે’ કપ આવી ગયા છે. સાલું, એમાં ચા પીધાનો જરા સંતોષ જ નથી થતો ! સાચું કહું તો એમાં આભ-જમીનનો નહીં પરંતુ આપણે પોતાની પ્રેમિકાને કિસ કરતા હોઈએ અને કોઈ ગલીનું કૂતરું આપણું મોં જબરદસ્તીથી સુંઘી જતું હોય એટલો મોટો ફરક છે !
શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Vah... Kya baat... 👍
ReplyDeleteવાઘબકરી છાપ મમરી + બારે માસ આદુ અને ત્રણ ચાર કીટલી,ઓફિસમાં સાહેબોને ચા માટે રાખતા..
ReplyDeleteસરકારી નોકરીનો અનુભવ બોલતો લાગે છે 😀😀
DeletePaper glass n glass no difference shu upma aapi che😀 cha sadabahar etle j modiji hit chay pe charcha
ReplyDeleteહા હા હા... 😀 થેન્ક યુ !!
Deleteઅને અહીં જ સચિનને ખોટી બેટીંગ આપી વગેરે ટીપ્પણી
ReplyDeleteઅરે, વિરાટ કોહલીની તો ફાંસીની સજા નક્કી જ છે ! 😀😀
Delete