જો મોબાઈલ બોલી શકતો હોત !

આપણે આખો દહાડો મોબાઈલમાં મોં ખોસીને આટલું બધું બોલ બોલ કરીએ છીએ પણ કદી વિચાર્યું છે ખરું, કે બિચારા મોબાઈલને પણ બોલવાનું મન થતું હોય કે નહીં ?

જ્યારે બહેનોના એક ફૂટ બાય દોઢ ફૂટની સાઈઝના મોટા પર્સમાં મુકેલા મોબાઈલમાં સતત રીંગ વાગતી હોય અને મેડમ સાંભળતાં પણ ના હોય ત્યારે મોબાઈલ શું બળાપા કાઢતો હશે ? એ જરૂર કહેતો હશે:

‘ઓ બહેન...આ જુની-નવી લિપસ્ટિકો, નાની મોટી ક્લીપો, ડૂચા વાળેલી નોટો અને અઢાર જાતના પરચૂરણ વચ્ચે મને ખોસી રાખ્યો છે પણ મારી રીંગ સાંભળવાની યે તને પરવા નથી ? નહિતર તો વળી મને પર્સમાં નાંખી દેતાં પહેલાં જ્યારે પોતે તૈયાર થાય છે ત્યારે તો સત્તર સત્તર સેલ્ફીઓ લઈ લઈને મારી સામું સ્માઈલો કરતાં થાકતી નથી ! હવે એ બધું વ્હાલ ક્યાં ગયું ?’

માત્ર બહેનોની વાત નથી. પુરુષોને પણ મોટી મોટી સાંભળવા મળતી હોત:

‘હાળા ગંધારા ! તારું આ તમાકુના માવા અને સિગારેટના ધૂમાડાથી ગંધાતું મોં જરા આઘું રાખીને વાત કરને ? પોતે તો મોટો બગલમાં પરફ્યુમ છાંટીને ઘરની બહાર નીકળે છે પણ હરામ છે કે મને એક વાર પણ સરખા સેનિટાઇઝર વડે સાફ કર્યો હોય !... અને કિસ કરવી હોય તો તારી ગર્લફ્રેન્ડના મોં પાસે જઈને કર ને ? અહીં મારો સ્ક્રીન શું કામ એંઠો કરે છે ?’

મોડી રાત સુધી ગેમ રમ્યા કરતા ટીન-એજર આગળ તો બિચારો મોબાઈલ બે હાથ જોડીને રીતસર રડી જ પડતો હોત :

‘ભૈશાબ, હવે તો છોડ ? હું થાકી ગયો છું… બાપલ્યા… જો, મારી બેટરી પતવા આવી ! અલ્યા, મારી બોડી કેટલી ગરમ થઈ ગઈ છે, એ તો જો ? ભઈલા, રાતના અઢી વાગવા આવ્યા.. તારે ના ઊંઘવું હોય તો કંઈ નહીં, મને તો જરીક ઊંઘવા દે ? જો… જો… હવે છેલ્લી વોર્નિંગ હોં ? નહિતર હું હવે હેંગ થઈ જઈશ ! એય… એય… એય… આ શું કર્યું ? ફરી પાછું ચાર્જર ખોસી દીધું મારી પીઠમાં ? સાલું, એકાદ દહાડો તારા હાથમાં બોમ્બની જેમ ફાટીશ ને, ત્યારે જ અક્કલ આવશે…’

આ તો ઠીક, પણ પેલી ‘ડર્ટી’ ટાઈપની ક્લિપો જોનારને તો મોબાઈલ કેવું કેવું કહેતો હશે ?

‘મૂઆં… મારાં જ કરમ ફૂટેલાં છે…! શી ખબર, આગલા જનમમાં હું કેવી ઇલેક્ટ્રોનિક આઈટમ બનીને જનમ્યો હતો કે આ જન્મે મારે સ્માર્ટફોન બનીને અવતરવા છતાં આવાં આવાં કામો કરવાં પડે છે ? અલ્યા ભઈ, હવે તો મને છોડ ? ક્યારનો બસ આ છેલ્લી ક્લિપ… છેલ્લી ક્લિપ… એમ કરી કરીને દોઢ કલાકથી મંડ્યો છે. તારા દિમાગમાં તો કચરો ભરાઈ જ જશે પણ મારી મેમરીની યે પથારી ફરી રહી છે !’

આની સામે અમુક લોકો એવા છે કે જે કલાકોના કલાકો સુધી મોબાઈલની સામું પણ જોતાં નથી. (હમણાં પર્યુષણ વખતે તો મોબાઈલથી દૂર રહેવાની એક કોમ્પિટીશન હતી.) આવા વખતે બિચારો સતત ‘ઇગ્નોર’ થઈ રહેલો ફોન શું બોલ્યા કરતો હશે ?

‘એ સાંભળ ! નવું નોટિફીકેશન આવ્યું ! ઉત્તરાંચલમાં ભૂકંપ થયો ! એના ફોટા નથી જોવા ? અરે, સાંભળને... તારી આન્ટીએ બે નવી જોક્સ મોકલાવી છે ! અચ્છા, તારા જુના ફોટાને નવી બાર લાઈક મળી છે ! એમાંથી ચાર તો છોકરીઓની છે ! હવે તો મારી સામું જો ? હેય ! આ જો ! તને નાઇજિરીયાની લોટરી લાગી ! યાર… સાવ આવું કરવાનું ? બોલ, ઓટો-પ્લે કરીને તને ગાયનો સંભળાવું ? અચ્છા, મુવી બતાડું, લેટેસ્ટ ? આ જો… ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર આવ્યું ! …. અચ્છા, કેન્ડી ક્રશ તો રમ, મારી જોડે ?

'હટ સાલા બોચિયા, તું તો નોકિયાના ડબલાંને જ લાયક છે… અરે, જો ! જો ! પેલી નાની બેબી આવી ! એની જોડે તો મને રમવા જવા દે ? સાલા, તું ગયા જનમમાં કોઈ સ્કૂલનો હેડ માસ્તર જ હશે…’

જોકે અમુક સ્માર્ટફોન ખરેખર સ્માર્ટ હોય છે. એ દૂર પડ્યા પડ્યા બોલવાને બદલે મનમાં જ ગણગણતા હોય છે :

‘જાનેમન... અગર તૂ મુઝ સે સચ્ચા પ્યાર કરતી હૈ તો અભી પલટ કે દેખેગી… એ, પલટ ! અરે, પલટ… પલટ ! દેખા ? પલટી ના !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Wah wah shu analysis karyu che sache mobile ne jaban hot to e manas pase aaram karva devani bhikh magto hot

    ReplyDelete

Post a Comment