નાના માણસો, મોટા માણસો...

દેશમાં ભલે લોકશાહી હોય, ભલે સમાનતાની વાતો થતી હોય, પણ નાના માણસ અને મોટા માણસ માટે વપરાતા શબ્દોમાં જ ફરક સમજાઈ જાય છે. જુઓ…


***

નાનો માણસ દેવું કરે તો ‘દેવાળિયો’…

અને મોટો માણસ દેવું કરે તો ‘ડિફોલ્ટર’ !

***

નાનો માણસ ધંધો ચાલુ કરે તો ‘ગલ્લાવાળો’…

અને મોટો માણસ બિઝનેસ ચાલુ કરે તો ‘એન્ટરપ્રોન્યોર’ !

***

નાના માણસો ટીકા કરે તો ‘પંચાતિયા’…

અને મોટા માણસો કોમેન્ટ કરે તો ‘ઓપિનિયન’ !

***

નાના માણસો ઉપવાસ કરે તો ‘ધાર્મિક અંધશ્રદ્ધા’…

અને મોટા માણસો ભૂખ્યા રહે તો ‘ડાયેટ કંટ્રોલ’ !

***

નાનો માણસ સલાહ આપે તો ‘દોઢ ડાહ્યો’…

અને મોટી સેલિબ્રિટી એકાદ બ્રાન્ડનું નામ પણ બોલે તો ‘ઇન્ફ્લુએન્સર’!

***

નાનો માણસ આચર-કુચર ખાય તો ‘ખાઉધરો’…

અને મોટો માણસ જાતજાતનું ખાધા કરે તો ‘ફૂડીઈઈ’!

***

નાનો માણસ પત્ની ઘરમાં મદદ કરે તો ‘બૈરીનો ગુલામ’…

અને મોટો માણસ વાઈફને કિચનમાં હેલ્પ કરે તો ‘જેન્ડર ઇક્વાલિટી’ !

***

નાનો માણસ ખાસ વાતો ના કરે તો ‘મુંજી’…

મોટો માણસ કોઈ સાથે ના ભળે તો ‘ફુલ ટાઈપ’ !

***

નાના માણસો વરઘોડામાં નાચે તો ‘સડકછાપ’…

અને મોટા માણસો ગમે ત્યારે જાહેર જગ્યામાં અચાનક નાચવા માંડે તો ‘ફ્લેશ-મોબ’ !

***

નાના માણસો મંદિરના ઓટલે માઇક ગોઠવીને ભજન કરે તો ‘ઘોંઘાટ’…

અને મોટા માણસો કાન ફાડી નાંખે એવા સ્પીકરો ગોઠવીને મોટા મેદાનમાં ફેમસ સિંગર પાસે રાગડા તણાવે તો એ ‘મ્યુઝિક કોન્સર્ટ’ !

***

અને હા, નાનો માણસ માસ્ક વિના ફરે તો 1000 રૂપિયા દંડ…

પણ મોટો માણસ માસ્ક વિના સભાઓ ભરે તો ‘પાર્ટી લીડર’ !

***

- મન્નુ શેખચલ્લી

Comments