આપણા ગુજરાતીઓ પણ ખરા છે ! એમનું વર્તન ઘરમાં અલગ હોય અને બહાર અલગ ! જુઓ નમૂના…
***
આપણે ગુજરાતમાં હોઈએ તો રેસ્ટોરન્ટમાં કાશ્મીરી પુલાવ મંગાવીશું….
… અને કાશ્મીરમાં જઈએ તો ત્યાં ગુજરાતી થાળી શોધતા હોઈશું !
- એવા આપણે ગુજરાતી !
***
આપણે ઘરમાં તો બરમૂડા અને ટી-શર્ટ પહેરીને ફરતા હોઈએ…
… પણ દીવ-દમણના દરિયા કિનારે જઈએ તો પેન્ટ શર્ટ પહેરીને સેલ્ફીઓ લઈશું !
- એવા આપણે ગુજરાતી !
***
આપણે ગુજરાતમાં તો મોબાઈલમાં ઈંગ્લીશ પિક્ચરો અને હોલીવૂડની વેબસિરિઝો રસથી જોયા કરીશું…
… પણ અમેરિકામાં ઠરીઠામ થયા હોઈએ તો ગુજરાતી કોમેડી નાટકો જોઈને ઘેલાઘેલા થઈ જઈએ !
- એવા આપણે ગુજરાતી !
***
અરે, અહીં દિવાળીમાં ઘરે તાળું મારીને મોંઘી હોટલોમાં વેકેશન કરવા જતા રહીએ…
… પણ જો વિદેશમાં હોઈએ તો વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસની સાથે દિવાળી ઉજવીએ અને હિન્દુ મંદિરમાં સમુહ ભોજન પહેલાં પૂજા, આરતી, થાળ, બધું જ કરીએ !
- એવા આપણે ગુજરાતી !
***
અહીં તો માંડ આબુ ગયા હોઈએ ત્યાં તો શેમ્પેઇન, વોડકા અને વ્હીસ્કીના સ્વાદ કાઢીએ.
… પણ લંડન ગયા હોઈએ તો પૂછીશું કે યાર, અહીં ‘છાશ’ મળશે ?
- એવા આપણે ગુજરાતી !
***
જ્યાં સુધી ગુજરાતમાં હોઈએ ત્યાં સુધી જ્યાં ને ત્યાં ઇંગ્લીશમાં ફાડીને રોલા પાડીએ…
…પણ જેવા NRI બન્યા કે તરત અઠવાડીયમાં એક વાર બબ્બે કલાકના વિડીયો કોલ ‘દેશી’ ગુજરાતીમાં કરવા જોઈએ !
- એવા આપણે ગુજરાતી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment