ચાર-ચાર આનાની ગાયનોની ચોપડીઓ... અને બીજું ફિલ્મી'સાહિત્ય' !

એ જમાનામાં ફિલ્મોનાં ગાયનોની ચોપડીઓ ચાર-ચાર આનામાં મળતી હતી. સસ્તા કાગળ ઉપર રંગીન શાહી વડે છપાયેલી એ ચાર ઇંચ બાય ચાર ઇંચની ચોપડીઓમાં ગાયનો લખવાની કંઇક ‘ભેદી’ લિપી હતી ! જેમ કે ‘ભીગી-2 રાતો મેં... મીઠી-2 બાતોં મેં...’ આમાં શું સમજવાનું ? બહુ મોડે મોડે અક્કલ આવી કે જે શબ્દ પાછળ બગડો લખ્યો છે તે શબ્દ બે વાર બોલવાનો છે !

એ તો ઠીક, પણ અમુક ઠેકાણે વચ્ચે ‘ડ ડ ડ ડ’ આવતું ! આ વળી શું ? જેમ કે ‘આડડ જાડડ રેડડ મેરે પ્યાર કે રાહી…’ આમાં પણ મોડે મોડે ટપ્પી પડી કે હિન્દી લિપીમાં આવું ડડડ લખ્યું હોય ત્યાં એ શબ્દને લંબાવવાનો છે !

એમાં વળી જો ભારેખમ ઉર્દુ શબ્દોવાળાં ગીતો હોય અને ચોપડીમાં ગુજરાતી હોય તો કંઈ ભળતું જ છપાયું હોય. જેમ કે ‘ચલો ઇક બાર ફિર સે અજનબી…’ વાળા ગાયનમાં વચ્ચે મહેન્દ્ર કપુર નિસાસા નાંખતા બોલે છે ને ‘મેરે હમરાહ ભી રુસવાઈયાં હૈ મેરે માંઝી કી…’ એમાં ‘રુસવાઈયા’ને બદલે ‘રૂ સવાઈ યા’ લખ્યું હોય ! અને 'માંઝી* ને બદલે 'માજી' હોય ! આમાં ને આમાં અમે ગુંચવાતા રહેતા હતા કે યાર આ ભાઈ ઘડીકમાં ‘રૂ’ સિવડાવવાની વાત કરે છે ? અને ઘડીકમાં પોતાને ‘માજી’ને કેમ યાદ કર્યા કરે છે ?

(આજકાલ આવા લોચા મોબાઈલમાં થાય છે. શબ્દોમાં અંગ્રેજી લખે છે ! એમાં chand હોય ત્યારે શું સમજ્વું ? ‘ચાંદ’ કે ‘ચંદ’ ? એ તો ઠીક, ‘છોડ દો આંચલ’માં બે ‘એચ’ અને બે ‘એ’ ના લખ્યા હોય તો ઇંગ્લીશ મિડીયમવાળા શું સમજતા હશે ?)

એવી જ રીતે – પિકચરોની ‘સ્ટોરી’ પણ નાનકડી પુસ્તિકામાં સમાઈ જતી હતી. એમાં સીધી સાદી રીતે વાર્તા લખવાને બદલે ‘ડાયલોગ’ લખ્યા હોય ! એ પણ સાવ ઢંગધડા વિનાના ! રાજ – ક્યા તુમ મુજ સે પ્યાર કરતી હો. રાધા – હાં બહોત, રાજ – ફિર તુમ રતન સે ક્યું મિલતી હો. રાધા – જુઠ જુઠ જુઠ… બસ આટલામાં દૃશ્ય પુરું !

જોવાની વાત એ હતી કે જે ફિલ્મના સુપરહિટ ડાયલોગો ઉપર તાળીઓ પડતી હોય તે તો આ ચોપડીમાં હોય જ નહીં ! જો ‘વક્ત’નો પેલો રાજકુમારનો ડાયલોગ ‘ચૂનાઈ સેઠ, યે ચાકુ હૈં, બચ્ચોં કે ખેલને કી ચીજ નહીં. અગર લગ જાયે તો ખૂન નિકલતા હૈ..’ આ ચોપડીમાં આપણને શોધ્યો ના જડે તો પુરા આઠ આનાનો ચૂનો ચોપડાઈ ગયો હોય એવું લાગે કે નહીં ? સાચું બોલજો.

જોકે  ’70ના દાયકામાં દસ-દસ રૂપિયામાં મળતી પોકેટ બુક્સમાં આખેઆખી ફિલ્મના તમામ સંવાદો સાથેની સ્ક્રીપ્ટ, રેલ્વે સ્ટેશનોનાં બુક સ્ટોલ ઉપર મળતી હતી. એ વખતે ‘આનંદ’ ‘શોલે’ ‘આશીર્વાદ’ ‘નયા જમાના’ વગેરે ફિલ્મો વાંચી વાંચીને વારંવાર આખેઆખી ‘જોતા’ હતા ! (‘શોલે’માં તો અમુક દૃશ્યો ફિલ્મમાં સામેલ ન કરાયા હોય તેવાં પણ હતાં. જોકે એન્ડ તો ફિલ્મવાળો જ હતો. સેન્સરમાં અટવાઈ પડેલો તે નહીં. પેલી કવ્વાલી પણ નહોતી.)

આ બધી યાદો  ’60 થી ’70ના દાયકાની છે. અગાઉ તો  ’40 કે  ’50ના દાયકામાં દરેક ફિલ્મની રિલીઝ સાથે તેની નાનકડી બુકલેટ પણ પ્રગટ થતી. જેમાં તમામ કલાકારો, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, નિર્માતા વગેરેની ક્રેડિટ સાથેની બીજી વિગતો છપાયેલી રહેતી.

આજે અનેક વડીલ રસિયાઓએ એવી બુકલેટો જાનથી પ્યારી હોય એવા જતનથી જાળવીને રાખી છે. અમુક લેખકો અને સંશોધકો માટે તો આ ‘ઐતિહાસિક દસ્તાવેજ’ હતો.

એ જમાનામાં ફિલ્મની ટિકીટો ઉપર પણ તેના નામ અને કલાકારોના ફોટાનો બ્લોક બનાવીને છાપતા હતા. મને યાદ છે, વડોદરામાં જ્યારે ‘પાકિઝા’ પહેલીવાર રિલીઝ થઈ ત્યારે તેની ટિકીટો ખરેખર લગભગ પોસ્ટકાર્ડ સાઈઝની અને મસ્ત મલ્ટીકલર હતી ! ત્યારે તો ‘પાકિઝા’ સાવ ફ્લોપ થઈને ઉતરી ગઈ હતી પણ અમને બેહદ પસંદ પડી હતી.

પછીથી જ્યારે મીનાકુમારીનું મૃત્યુ થયું ત્યારે ફરી  રિલીઝ થતાંની સાથે જ લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા. એ વખતે બીજી-ત્રીજી-ચોથી વાર જોઈને બહાર નીકળતી વખતે અમે જાણીજોઈને કોમેન્ટો કરતાં કે ‘શું ભંગાર પિક્ચર છે યાર !’ ‘શું પેલું બોરિંગ ગાયન હતું ? નિગોડી… નિગોડી… નિગોડી… ઊંઘ આવી ગઈ મને તો !’

આવે વખતે જ્યારે કોઈ વડીલ અમારી ઉપર ગુસ્સો કરી બેસે કે ‘તમને મીનાકુમારીની શું વેલ્યુ હોય ?’ ત્યારે અમે સામું ચોપડાવતા કે ‘વડીલ, અમે તો મીનાજી જીવતાં હતાં ત્યારે જ આ જોઈ લીધી હતી ! આજે તો આ ત્રીજીવાર જોઈ… તમે જ હવે આવ્યા, મોડા મોડા !’

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. સાચો શબ્દ माजी જ છે मांझी નહિ. मांझी એટલે નાવિક माजी એટલે ભૂતકાળ. (ગુજરાતી માં માજી પ્રધાન જેવો શબ્દ પ્રયોગ ઉર્દુ ના माजी શબ્દ પર થી જ આવ્યો છે. )

    ReplyDelete
    Replies
    1. ધ્યાન દોરવા બદલ આભાર મનોજ ભાઈ !

      Delete
  2. વધુ એકવાર નોસ્ટાલ્જીક લાગણીઓને પંપાળવાનો મોકો તમે આપ્યો, લલિતભાઈ ! અંગ્રેજીમાં એ વખતે Picture Post નામે એક સરસ સામયિક આવતું એમાં પણ બહુ રોચક સચિત્ર માહિતી આવતી.

    ReplyDelete
    Replies
    1. હા હા હા... એ પિક્ચર પોસ્ટ મેગેઝિન વાંચીને હું અંગ્રેજી શીખ્યો છું ! ફિલ્મોમાં એટલો બધો રસ કે બધું જાણવા માટે ફરજિયાત અંગ્રેજી વાંચવું પડતું. જોકે દર મહિને એ મેગેઝિન ખરીદવાના પૈસા નહોતા એટલે સેકન્ડ હેન્ડ પુસ્તકોની એક લાયબ્રેરીમાં કામ કરતા એક છોકરા સાથે દોસ્તી બનાવી હતી !

      Delete

Post a Comment