'ફિલ્મ-રત્ન' એવોર્ડોનું શું ?

ચાલો, ખેલ-રત્ન એવોર્ડમાંથી રાજીવ ગાંધીનું નામ હટાવીને ધ્યાનચંદજીનું નામ મુક્યું તે સારી વાત છે. ખરેખર તો આવા મોટા એવોર્ડોની આગળ કોઈનું પણ નામ મુકવું જોઈએ ખરું ? શું આપણે ‘ફલાણા ફલાણા પદ્‌મશ્રી’ એવોર્ડ કે ‘ઢીંકણા ઢીંકણા પદ્‌મભૂષણ’ એવોર્ડ આપીએ છીએ ખરા ?

જો એવોર્ડની આગળ નામ મુકવાં જ હોય તો પછી ફિલ્મી હસ્તિઓ શા માટે બાકી રહે ? અમારા થોડાં સુચનો છે…

***

દાખલા તરીકે ફિલ્મોમાં એક નિપોઝિટમ એવોર્ડ હોય તો તે આ રીતે એનાઉન્સ થવો જોઈએ : ‘કરણ જોહર ફિલ્મી ખાનદાન રત્ન’ એવોર્ડ ગોઝ ટુ ફલાણા ફલાણા કા બાબલા એન્ડ ફલાણી ફલાણીની બેબલી !’

***

એ જ રીતે આખું વરસ સોશિયલ મિડીયામાં ઘોંઘાટ મચાવનાર અભિનેત્રીને આપવો જોઈએ ‘કંગના રાણાવત કકળાટ-રત્ન’ એવોર્ડ ! (દાવેદારી માટે સ્વરા ભાસ્કર કે તાપસી પન્નુ તૈયાર જ છે.)

***

સોશિયલ મિડીયાની વાત નીકળી છે તો એક ‘રાનુ મંડલ પ્રતિભા-શોધ-રત્ન’ એવોર્ડ પણ હોવો જોઈએ, જે પેલા ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે’ ગાનારા છત્તીસગઢના બાળક સહદેવને આપવો જોઈએ !

***

જે રીતે હિમેશ રેશમિયાએ રેલ્વે પ્લેટફોર્મ ઉપર ગીત ગાતી રાનુ મંડલની ‘શોધ’ કરી નાંખી, એના માનમાં એક ‘હિમેશ રેશમિયા ઉઉઉઉ… શોધક-રત્ન’ એવોર્ડ હોવો જોઈએ ! કેમકે પેલા ‘બચપન કા પ્યાર’વાળા સહદેવના ઓરીજીનલ ‘શોધક’ને તો કોઈ પૂછતું પણ નથી !

***

નેહા કક્કડ કેવું ગાય છે એ તો શી ખબર, પણ ટીવીમાં એ જે રીતે વારંવાર રડી પડે છે એ જોતાં એક ‘નેહા કક્કડ-રૂદાલી-રત્ન’ એવોર્ડ પણ હોવો જોઈએ ! શું કહો છો ?

***

રોહિત શેટ્ટીના નામે એક ‘કાર ઉડ્ડયન રત્ન’ એવોર્ડ રાખો ! અને શિલ્પા શેટ્ટીના નામે એક ‘પિડીત ફિલ્મી પત્ની - રત્ન’ એવોર્ડ પણ રાખો ! યો યો હની સિંહની પત્ની તે લેવા જરૂર આવશે.

***

અને હા, જો ભૂલેચૂકે શ્રેષ્ઠ ફિલ્મી ‘સેક્યુલર રત્ન’ એવોર્ડ રાખવાનું વિચારશો તો તે કોના નામે ચડાવવો તેમાં જ મોટી ધક્કામુક્કી થઈ જશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments