માસ પ્રમોશનની વેતાલકથા !

રાજાએ ફરી ઝાડ ઉપર લટકતું મડદું ઉપાડ્યું, પોતાના ખભા ઉપર નાંખ્યું અને મુંગોમુંગો ચાલવા માંડ્યો. મડદામાં રહેલો વેતાલ તરત જ જાગૃત થયો. તે વારતા કહેવા લાગ્યો :


‘હે રાજન ! કોઈ એક શાળાના કોઈ એક ક્લાસમાં એક છોકરો અને એક છોકરી ભણતાં હતાં. છોકરો ભણવામાં બહુ હોંશિયાર હતો પરંતુ તે સ્વભાવે ટીખળી હતો. તે તેના શિક્ષકના શર્ટના કોલરમાં ક્યારેક દેડકો મુકી દેતો અથવા પેન્ટના ખિસ્સામાં ગરોળી સરકાવી દેતો. ક્લાસમાં, તથા ઓનલાઇનમાં પણ તે અચાનક એવા અટપટા સવાલો પૂછી નાંખતો કે શિક્ષક મુંઝાઈ જતા.

બીજી તરફ પેલી છોકરી ભણવામાં ખાસ નહોતી પરંતુ તે શિક્ષકને બહુ મસકા મારતી હતી. ટિચર્સ-ડે વખતે સરને સારી સારી ગિફ્ટો આપતી હતી અને ગુરુપૂર્ણિમાને દિવસે સરને પગે લાગવા તેમના ઘર સુધી જતી હતી. વારંવાર તે ‘થેન્ક્યુ સર !’ ‘યુ આર અ જિનિયસ સર !’ એવું કહ્યા કરતી હતી.

આના કારણે ઇન્ટરનલ પરીક્ષામાં છોકરીને હંમેશાં વધારે માર્કસ મળતા હતા. બીજી તરફ શિક્ષક છોકરાના માર્કસ વિના કારણે કાપી નાંખતા હતા. છતાં છોકરાને હતું કે ઇન્ટરનલમાં સર ભલે માર્ક્સ ના આપે પણ બોર્ડમાં સર શું કરી લેવાના હતા ?

દરમ્યાનમાં એ વરસે આખા દેશમાં કોરોના ફેલાયો. પરીક્ષાઓ લેવાઈ જ નહીં. રિઝલ્ટ ઇન્ટરનલ માર્ક્સને આધારે આપવામાં આવ્યું.

સરવાળે જે છોકરો મેડિકલને લાયક હતો તેણે ફાર્મસીમાં એડમિશન લેવું પડ્યું અને જે છોકરી કોમર્સને પણ લાયક નહોતી તેને મેડિકલમાં એડમિશન મળી ગયું.

તો હે રાજન ! મારો સવાલ એ છે કે શું આ બરોબર થયું ?'

રાજાએ પોતાનું મૌન તોડતાં કહ્યું, ‘છોકરાએ મુરખામી કરી. શાળામાં શિક્ષક સામે, નોકરીમાં બોસ સામે અને ઘરમાં પત્ની સામે લમણાં લેવામાં હંમેશા દુઃખી જ થવાનો વારો આવતો હોય છે. કોરોનાકાળનો આ સૌથી મોટો બોધપાઠ છે. ’

***

- મન્નુ શેખચલ્લી

Comments