આજકાલ સોશિયલ મિડિયામાં કોઈપણ વાતે દૂધમાંથી પોરા કાઢનારા કોમેન્ટશૂરાઓ હાજર જ હોય છે ! (ખાસ કરીને ટ્વિટરમાં)
એમને કઈ કઈ વાતે તકલીફ હોઈ શકે છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે ! જુઓ…
***
દાખલા તરીકે તમે ગોવાના દરિયા કિનારે આખા ફેમિલી સાથે પૂરેપૂરાં કપડાં પહેરીને ફોટો પડાવ્યો હોય અને નીચે લખ્યું હોય :
‘એન્જોયિંગ હોલીડે ઇન ગોવા’
તો કોઈક વાંકદેખો જરૂર કોમેન્ટ કરશે :
‘ગોવામાં દારૂ પીને ક્લબોમાં વિદેશી નૃત્યો કરવાને બદલે ગુજરાતનાં સાંસ્કૃતિક પર્યટન સ્થળોએ ફરો ને ?’
***
પછી તમે અંબાજી મંદિરે ગયા હો અને બહાર ઊભા રહીને એક સેલ્ફી લીધી હોય તો પણ કોઈ કોમેન્ટશૂરો ઓનલાઈન હાજર જ હશે :
‘માતાજીનાં મંદિરે જઈને પણ પોતાનાં જ દર્શનમાં રચ્યા-પચ્યા છો ? શરમ કરો !’
***
અરે, એ પછી તમે તમારા ઘર પાસે આવેલા મંદિરનો ફોટો ભક્તિભાવ સાથે શેર કરશો તોય એમને વાંકુ પડશે :
‘પથ્થરની મૂર્તિઓમાં પ્રભુને શોધવાને બદલે અંતરાત્માની ખોજ કરો. સાચો ઈશ્વર તો સૌના પોતાના જ હૃદયમાં વસે છે.’
(બોલો, હવે ક્યાં જશો ? હિમાલયમાં ? કે ઘરના મંદિરીયામાં !)
***
ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો તેનો ફોટો તમે મુક્યો નથી કે કોમેન્ટ આવશે :
‘બહારનું ખાઈ ખાઈને પેટ બગાડવાને બદલે ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન ખાઓ. કોરોનાએ શીખવેલા પદાર્થપાઠ કેમ આટલો જલ્દી ભૂલી ગયા ?’
***
પછી જ્યારે ઘરે કોઈ સરસ વાનગી બની હોય તેનો ફોટો અપલોડ કરો ત્યાં તો પેલા ડહાપણશૂરાનો મેસેજ આવી જ જશે :
‘દેશમાં જ્યાં રોજ ૧ લાખ ૧૯ હજારથી વધુ લોકો રોજ અન્નનો દાણો પણ મોંમાં નાખ્યા વિના ભૂખ્યા સૂઈ જાય છે ત્યાં આપણને આવા અન્નકૂટ શી રીતે ભાવે છે?’
***
છેવટે તમે ખાલી થાળી બતાડીને લખો કે ‘આજે મેં ઉપવાસ કર્યો છે.’
તો એની સામે પણ કોમેન્ટ આવી જ જશે :
‘એક ઉપવાસથી તમારું વજન નથી ઉતરવાનું ! સમજ્યા ?’
(બોલો, હવે આમને શું કહેવું ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment