બારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં દર વખત કરતાં અધધધ એક લાખ કરતાં વધારે સ્ટુડન્ટો ‘પાસ’ થઈ ગયા છે !
અગાઉ તો નાપાસ થનારાઓને એમના બાપાઓ શાકની લારી, પાનનો ગલ્લો કે વગર લોનનો છકડો પકડાવી દેતા હતા. પણ હવે ?
આર્ટસ-કોમર્સની ફી પણ ખાસ નથી હોતી એટલે બધા કોરોના-પ્રમોશનિયાઓને કોલેજમાં તો જવું જ છે ! તો પછી શું થશે ? આટલી વધારાની ભીડનો સમાવેશ ક્યાં થશે ?
જુઓ, કોલેજના સંચાલકો અને ટ્રસ્ટીઓની એક મિટિંગમાં શું ચાલી રહ્યું છે ?
***
‘શેઠજી, આ વખતે આપણી કોલેજમાં એડમિશનો માટે બહુ મોટો ધસારો છે…’
‘તો સારું જ છે ને ? તેજીનો લાભ લો, થાય એટલી રોકડી કરી લો !’
‘હા, પણ એ બધા સ્ટુડન્ટોને બેસાડવા ક્યાં ? નવા ક્લાસો જોઈશે. નવી બેન્ચો બનાવવી પડશે !’
‘એક કામ કરો, કોલેજની કેન્ટિનનું રંગરોગાન કરાવી નાંખો ! ત્યાં પ્લાસ્ટિકની એકસ્ટ્રા ખુરશીઓ અને વધારાના ટેબલો મુકાવી દો. જરૂર પડે તો પેલાં પ્લાસ્ટિકના સ્ટુલો આવે છે ને ? એ મુકાવી દો !’
‘પણ સાહેબ, કેન્ટિનમાં ?’
‘હાસ્તો ! આ બધા પ્રમોશનિયાઓ કંઈ ભણવા થોડા આવે છે ? એમને તો કોલેજમાં જલસા જ કરવા છે ને ? એક કામ કરો, કેન્ટિનનો કોન્ટ્રાક્ટ મારા ભાણિયાને આપી દો ! એ મોડી રાત સુધી કેન્ટિન ચાલુ રાખશે !’
‘પણ સાહેબ, ભણાવવા માટે વધુ લેકચરરો -’
‘લેકચર સાંભળીને બધા ઊંઘી જ જાય છે ને ? એના કરતાં એક કામ કરો. છોકરીઓને વહેલા તે પહેલાના ધોરણે એડમિશનો આપીને, ખાનગીમાં દસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપો !’
‘છોકરીઓને - ’
‘અરે ભઈ, એ જ તો કોલેજનું ગ્લેમર છે ! આવતા વરસે પણ એ છોકરીઓના કારણે એડમિશનોમાં ધસારો રહેશે.’
‘પણ સર, અભ્યાસ -’
‘એ તો ગયા વરસનાં ઓનલાઈન લેકચરો આપણી પાસે છે જ ને ? છોકરાંઓ એ સાંભળી લેશે !’
‘પણ પછી એકઝામ આવશે ત્યારે ? બધાને બેસાડીશું ક્યાં ?’
‘લો, મકાનોનાં ધાબાં ક્યારે કામ આવશે ? તાડપત્રીનો જ ખરચો છે ને ! બોલો, બીજું કંઈ ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment