આપણે ભાલા ક્યાં ફેંકવાના ?

નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લાવ્યો એ વાતે આપણે ઘેલા ઘેલા થઈ ગયા. વાજબી છે ભઈ ! ફટાકડા ફોડવાનું, ઢોલ વગાડવાનું અને પેંડા વહેંચવાનું… ‘બનતા હૈ’ ભાઈ ! 

પણ યાર, અમુક વડીલો અને ‘સલાહકારો’ આપણી પાછળ પડી જાય કે ‘જુઓ… જુઓ… કંઈ શીખો ! તમે દાળભાતિયાઓ સ્પોર્ટ્સમાં ક્યારે આગળ આવશો ?’ ત્યારે બોસ, ભયંકર કન્ફ્યુઝન ચાલુ થઈ જાય છે.


પહેલી વાત તો એ કે યાર, આ ભાલા ફેંકવાની પ્રેક્ટિસ ક્યાં કરવાની ? ઘરના ધાબે જઈને ? માંડ ઉત્તરાયણ વખતે આપણું લંગસિયું પણ ત્રીજા ધાબા લગી ના પહોંચતું હોય ત્યાં ભાલાઓ શું પહોંચવાના ? વળી જરીક અમથું, ઠીકરુવાળું લંગસિયું ફેંકીએ એમાં તો ચારે બાજુથી પડોશીઓ લોહી પી જાય એવી બૂમો પાડવા માંડે છે, ત્યાં ભાલા ફેંક્યા હોય તો શું થાય ?

ભૂલેચૂકે બાજુવાળાં આન્ટીએ તાર ઉપર કપડાં સૂકવવા નાંખ્યા હોય અને ભાલો આન્ટીની સાડીમાં કાણું પાડી દે તો ? (આન્ટીની જુવાન બેબીની તો અહીં વાત જ નથી કરી. અમારી સજ્જનતા જુઓ, સાહેબ.)

તો પછી શું સોસાયટીના કોમન પ્લોટમાં ભાલા ફેંકવાના ? તમે કહેશો કે બકા, એના માટે તો પ્રોપર ગ્રાઉન્ડમાં જવું પડે. સાચી વાત છે પણ આ શહેરમાં પ્રોપર ગ્રાઉન્ડ લાવવું ક્યાંથી ? કંઈ મલેક સબાન સ્ટેડિયમો અને મોટેરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો રસ્તામાં પડ્યા છે ?

છેવટે, જ્યાં લોકો ‘લર્નિંગ’ની પ્લેટ લગાડીને કાર ચલાવવાનું શીખતા હોય એવાં ગ્રાઉન્ડો શોધવાં પડે. આમાં જોખમ એ થાય કે આપણો ભાલો એની કારમાં ના ઘુસે પણ એનું ડ્રાઇવિંગ છટક્યું તો આપણે 87 મીટરવાળી ફેંકવાને બદલે 100 મીટર દોડની પરીક્ષામાં જોડાઈ જવું પડે.

વળી, આવાં મેદાનોમાં રવિવારે તો ક્રિકેટ મેચો રમાતી હોય. અહીં હાથમાં બેટને બદલે ભાલો લઈને જઈએ તો કેવા લાગીએ ? એમાં જો વળી બે ટીમો વચ્ચે મારામારી થઈ તો છેવટે પોલીસ આપણને જ પકડે ને ? ‘આ હથિયારનું લાયસન્સ ક્યાં છે ?’

એ તો ઠીક, પણ ગ્રાઉન્ડ સુધી ભાલો લઈ શી રીતે જવાનો ? સ્કુટર ઉપર ? તો એને પકડવાનો શી રીતે ? સીધો પકડ્યો હોય અને આગળ સ્કુલ-રીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ વિનાનાં બકરાંની જેમ બાળકો ભર્યાં હોય એમાં ક્યાંક અણી વાગી ગઈ તો ?

ભાલો પકડવાનો બીજો રસ્તો એ છે કે એક હાથમાં ઊભો પકડીને સ્કુટર પર બેસવું ! હવે તમે જ વિચાર કરો, એવી હાલતમાં ગિયર શી રીતે બદલવાના ? સાઈડ કેવી રીતે બતાડવાની ? જરા વિચારો, આવી હાલતમાં સાઈડમાંથી પસાર થતી બસમાંથી કોઈ હાથ બહાર કાઢીને ભાલો ખેંચી ના લે ? (એનો વળી કોઈક વિડીયો ઉતારીને વાયરલ કરી નાંખે : ‘દેખો, નીરજ ચોપરા બનને ચલા થા !’ ) સહેલું નથી, ભૈશાબ !

ચાલો, ભાલા ઉપર કોઈ રાજકીય પાર્ટીનો ઝંડો લગાવી દઈએ તો પોલીસ પણ હેરાન ના કરે, પરંતુ મારા સાહેબો, શું ભાલો ફેંકવાથી પ્રમોશન મળશે ? કોલેજમાં ગ્રેસિંગના માર્કસ મળવાના ખરા ? અરે ભઈ, હાથમાં ગિટાર કે ક્રિકેટનું બેટ પકડીને પડાવેલો ફોટો ફેસબુકમાં મુકીએ તો કદાચ છોકરીઓ પણ ઇમ્પ્રેસ થાય, પરંતુ હાથમાં ભાલો ?

એક તો ફોટો નજીકથી લીધો હોય તો કોઈ ચોકીદાર હાથમાં ડંડો ઝાલીને ઊભો હોય એવું જ લાગે અને જો ભાલો આખો દેખાય એ રીતે ફોટો લેવા જાવ તો બોસ, ફેસ કેટલો નાનો આવે ? બધું વિચારવું પડે ભઈ…

એના કરતાં આપણે દાળભાતિયા જ સારા ! હા, બે-ચાર ફિલ્ટર મારીને આપણી બોડી અક્ષયકુમાર જેવી દેખાતી હોય તો એ ટ્રાય કરવા જેવું ખરું ! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. એવું જ ગોળાફેંકમાં છે. બાકી રકાબી બેંકમાં હજી સ્કોપ કરો. ખાસ તો આ કોરોના પછી. 😀

    ReplyDelete
  2. Joi ho tamari sajjants😁aavu vicharva ma j gujrat sports ma pacchat rahi gayu😝

    ReplyDelete

Post a Comment