બે ચાર બહેરા મુંગા મિત્રોએ ભેગા થઈને એક દારૂની દુકાન ચાલુ કરી. (હવે તો સાંસદ પણ કબૂલ કરે છે કે બધે મળે છે.)
એક દિવસે ત્રણ ચાર ઘરાક ચૂપચાપ આવીને બેસી ગયા. એક જણાએ મોં આગળ ખોબો ધર્યો હોય એવો ઇશારો કર્યો.
તરત જ એક મુક-બધિર છોકરો ફટાફટ પાણી આપી ગયો. પેલા લોકો ખુશ થયા. એમાંના એક જણે હોઠ ગોળ કરીને તેની ઉપર બે આંગળી મુકીને શ્વાસ લેવાનો ઈશારો કર્યો.
તરત જ વેઇટર સિગારેટનું ખોખું આપી ગયો.
અરે વાહ ! પેલા લોકોએ એકબીજા સામે આંખો મિલાવીને સ્માઇલ કર્યું. પછી સિગારેટના ધૂમાડા કાઢતા એક જણે મોં આગળ અંગૂઠો ધરીને ઇશારો કર્યો.
વેઇટર તરત જ દારૂની બાટલી અને ગ્લાસ વગેરે મૂકી ગયો.
પેલા લોકોએ બાટલીને હથેળી અડાડીને અંગૂઠો વાંકોચૂકો કરીને મોં બગાડ્યું. તરત જ વેઇટર એક ટ્રેમાં બરફના ક્યુબ મુકી ગયો.
એમણે ગ્લાસ ભરવા માંડ્યા. એવામાં એક જણે જીભ ઉપર આંગળી મુકીને ચાવવાનો ઇશારો કર્યો.
વેઇટર ઇશારો સમજી ગયો. તે ફટાફટ શીંગ ભૂજિયાં, તળેલાં કાજુ વગેરે મન્ચિંગ મુકી ગયો.
પેલા લોકો ખુશ થઈ ગયા. વાહ ભઈ વાહ ! અહીં તો ઇશારાની ભાષા કોડ લેંગ્વેજની જેમ ચાલી રહી છે !
આખી બાટલી પુરી કર્યા પછી એ ત્રણ ચાર જણા ઊભા થઈને કાઉન્ટર પાસે ગયા. ત્યાં જઈને પેટ ઉપર હથેળી ફેરવીને આગળ હાથ ધર્યો.
કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈએ તરત બિલ ફાડીને હાથમાં આપ્યું. પેલા લોકોએ બિલ પાછું ધકેલીને નવો ઈશારો કર્યો. કાઉન્ટર પર હાથ વડે કંઈ કાપવાનો દેખાવ કર્યો.
વેઇટર ચપ્પુ લઇ આવ્યો. પેલા લોકોએ માથું ધૂણાવીને ના પાડી અને પછી કેલેન્ડર તરફ ઇશારો કર્યો. છતાં કંઈ સમજાયું નહીં.
છેવટે એક જણાએ ત્યાં પડેલા છાપાની પૂર્તિ ઉઠાવીને એક શબ્દ ઉપર આંગળી મુકી. એ શબ્દ હતો : ‘સાપ્તાહિક.’
અડ્ડાનો માલિક તરત સમજી ગયો… અચ્છા, હપ્તો ! આ તો પોલીસવાળા લાગે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment