રવિવારે ‘ફ્રેન્ડશીપ ડે’ ગયો ત્યારે સૌએ પોતાના સારા અને જિગરી દોસ્તોને યાદ કર્યા. જોકે સાથે સાથે અમુક ‘કમીના’ દોસ્તોને પણ યાદ કરવા જોઈએ… જુઓ નમૂના !
***
એ દોસ્ત તમને કહેશે ‘સ્ટેશન જવું છે? ચલ, મારી બાઈક ઉપર, તને મુકી જઉં !’
પછી જરાક આગળ જઈને પેટ્રોલપંપ આગળ બાઈક લઈ જઈને કહેશે. ‘યાર, પાકિટ ભૂલી ગયો છું પેટ્રોલના પૈસા આપી દે ને !’
***
રાત્રે અઢી વાગે તમે ઘસઘસાટ ઊંઘતા હો ત્યારે ફોન કરીને પૂછશે ‘ઊંઘતો હતો ? સોરી સોરી હોં ? ઊંઘી જા…’
પછી સાડા ત્રણ વાગે ફરી ફોન કરીને કહેશે ‘ટોપા ! હજી જાગે છે? ઊંઘી જા ને ? ઊંઘતો કેમ નથી !’
***
હોસ્ટેલમાં તમે ઊંઘતા હો ત્યારે ચાર પાંચ કમીના દોસ્તો તમારું બાઈક આખેઆખું ઉઠાવીને ક્યાંક દૂર સંતાડી આવશે !
એ તો ઠીક, સવારે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા પણ તમારી જોડે જ આવશે !
- અને બાઈક મળી જાય ત્યારે પાર્ટી માગશે !
… છેવટે પાર્ટી પતી ગયા પછી કહેશે કે ‘યાર, બાઈક તો અમે જ ઉઠાવી ગયા હતા. સોરી હોં !’
***
તમને દારૂ પીવડાવીને (શક્ય હોય તો તમારા જ પૈસે) તમે બરાબર ટલ્લી થઈ જાવ પછી ગાળાગાળી કરતો તમારો વિડીયો ઉતારશે !
- અને પછી તમારા જ પપ્પાને મોકલી આપશે !
***
ચાલુ ક્લાસે તમારો મોબાઈલ લઈને એમાંથી ક્લાસની સૌથી અકડુ, ઘમંડી અને ટણીબાજ છોકરીને ‘આઈ લવ યુ’ ‘આઇ વોન્ટ ટુ કીસ યુ…’ એવા મેસેજો મોકલી આપશે !
- પછી પેલી છોકરી પ્રિન્સિપાલને ફરિયાદ કરે ત્યારે આ જ કમીના દોસ્તો ‘સાક્ષી’ પુરશે કે ‘હા સર ! પરમ દિવસે તો એણે સીટી પણ મારેલી !’
***
એક્ઝામ પહેલાંની રાતે ‘ફૂટી ગયેલું પેપર મળ્યું છે’ એમ કહીને સાવ કોર્સ બહારના અઘરામાં અઘરા સવાલોનું રિવિઝન રાતના બે વાગ્યા સુધી કરાવશે !
છેવટે એ સવાલો તો પૂછાશે જ નહીં ! છતાં રિઝલ્ટ આવે ત્યારે કહેશે ‘કેમ અલ્યા, આટલા ઓછા માર્ક કેમ આવ્યા ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment