આ તો એવી વાત થઈ...

કાબુલ એરપોર્ટ ઉપર થયેલા બોમ્બધડાકા માટે તાલિબાનવાળા કહે છે કે આ તો ISISનું ‘આતંકવાદી’ કૃત્ય છે !

લો બોલો. જાણે પોતે મોટા માનવતાવાદી હોય ! આ તો એવી વાત થઈ કે…

***

આસારામ બાપુ કહેતા હોય કે પેલો રાજકુન્દ્રા કંઈ ‘સારો માણસ’ નથી !

જાણે પોતે તો જેલમાં સત્સંગ કરવા જ આવ્યા હોય !

***

આ તો એવી જ વાત થઈ ને, કે કરણ જોહર કહેતો હોય કે કપૂર ખાનદાન ફિલ્મ ઉદ્યોગમાં ‘નિપોટિઝમ’ ચલાવે છે !

જાણે પોતે તો દેશમાં મોટી મોટી ‘ટેલેન્ટ હન્ટ’ના શો ચલાવતો હોય !

***

આ તો એવી વાત થઈ કે સુનીલ શેટ્ટી કહે છે કે સલમાન ખાનની પર્સનાલીટીમાં મસલ્સવાળી બોડી સિવાય બીજું કંઈ છે જ નહીં !

- અને તુષાર કપૂર કહેતો હોય કે અર્જુન કપૂરને એક્ટિંગ શીખવાડવાની જરૂર છે !

***

અથવા તો એવી વાત થઈ કે એકતા કપૂર કહેતી હોય કે ટીવી ચેનલોને સિરિયલો લાંબી લાંબી ખેંચી રાખવાની કુટેવ છે !

***

જોકે આ કંઈ નવી વાત નથી. કવિ દલપતરામની એક કવિતામાં પેલું ઊંટ કહેતું હતું કે અહીં વાંકા અંગવાળાં પ્રાણીઓનો પાર નથી !

(એ ઊંટ જરૂર અફઘાનિસ્તાનનું હશે.)

***

તાલિબાનોએ સત્તામાં આવ્યા પછી જાહેરાત કરી હતીને, કે હવે અમે મહિલાઓને પણ સરકારમાં સામેલ કરવા માગીએ છીએ !

એ પણ એવી જ વાત છે ને કે ‘સૌ ચૂહે માર કે બિલ્લી…’

***

સરખામણી હજી અટકવાનું નામ જ ક્યાં લે છે ?

કાબુલ એરપોર્ટના બોમ્બ ધડાકા પછી બાઈડન સાહેબ કહે છે કે અમે હુમલાખોરોને છોડીશું નહીં !

આ તો એવી જ વાત થઈને કે પાણીની ટાંકી પોતે જ ખાલી કરી નાંખ્યા પછી શોધવા બેઠા છે કે નળ કોણ ચોરી ગયું છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments