એક અમેરિકન કંપનીએ અફઘાનિસ્તાનમાં પોતાની બ્રાન્ડનો વોશિંગ પાવડર મોટા પાયે લોન્ચ કરવાનું નક્કી કર્યું પરંતુ એડ એજન્સીમાં કોઈને અફઘાની ભાષા (પશ્તો, દારી) લખતાં કે વાંચતાં આવડતું નહોતું.
તો કરવું શું ? છેવટે નક્કી કર્યું કે કોઈ ભાષામાં લખાણ હશે જ નહીં ! ડાબી બાજુ એક મેલો, ધૂળમાં રગદોળાયેલો પઠાણી કૂર્તાનો ફોટો હશે, વચ્ચે વોશિંગ પાવડરના ખોખાનો મસ્ત ફોટો હશે અને જમણી બાજુ ધોવાઈને બિલકુલ નવો નક્કોર, ઝગમગારા મારતો કુરતાનો ફોટો હશે.
આ મુજબનાં 10,000 મોટાં મોટાં હોર્ડિંગ કાબુલ શહેરમાં ઠેર ઠેર લાગી ગયાં ! એ પછી અઠવાડિયું થયું, પંદર દિવસ થયા, મહિનો થયો… છતાં વોશિંગ પાવડરનું એકપણ ખોખું વેચાયું જ નહીં !
છેવટે તપાસ કરતાં ખબર પડી કે અફઘાની લોકો તો પોતાની ભાષા જમણેથી ડાબી તરફ વાંચે છે !
(એમને એમ કે સરસ મઝાનો નવો નક્કર કુર્તો આ પાવડર વડે ધોવાથી મેલો થઈ જાય છે !)
***
2001 પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ધાક જમાવી લીધા પછી ત્યાંના વેપાર-ધંધામાં પગપેસારો કરવાની શરૂઆત કરી હતી.
એ વખતે એક અમેરિકન બિઝનેસમેને ત્યાં મોટા પાયે સર્વે કરાવ્યો અને પુરા 20 લાખ ડોલરના રોકાણ સાથે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરીને ધંધો ચાલુ કર્યો.
બન્યું એવું કે 20 વરસ પછી એ અમેરિકનને 20 કરોડ ડોલરની ખોટ ગઈ !
એ જ રીતે એક ઇન્ડિયન બિઝનેસમેને ત્યાં સર્વે કરાવડાવવાને બદલે જાતે જઈને, જોઈ વિચારીને એક પ્રોડક્ટ લોન્ચ કરવાનું નક્કી કર્યું.
માત્ર 20,000 રૂપિયાના રોકાણથી એણે ધંધો શરૂ કર્યો હતો પણ 20 વરસ પછી એ ઇન્ડિયન બિઝનેસમેન પુરા 200 કરોડ રૂપિયાનો નફો કમાઇને ઇન્ડિયા પાછો આવતો રહ્યો.
આવું કેમ બન્યું ?
સિમ્પલ, અમેરિકન બિઝનેસમેને દાઢી કરવા માટેનું શેવર બજારમાં મુક્યું હતું અને ઇન્ડિયાવાળો દાઢીના વાળને સુંવાળા અને ચમકદાર બનાવવા માટેનું મસ્ત ખુશ્બુદાર તેલ વેચતો હતો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment