જુની ક્લાસિક જોક્સ !

આજકાલ કોઈ નવી જોક મોબાઈલમાં આવે કે તરત એટલી બધી વાયરલ થઈ જાય છે કે માંડ બે પાંચ દિવસમાં તો ‘વાસી’ થઈ જાય છે !

આવા સમયે અમુક ‘ઐતિહાસિક’ કહી શકાય એવી જુની જોક્સ યાદ આવી રહી છે, જેને ‘મુગલ-એ-આઝમ’ અને ‘શોલે’ની જેમ ‘ક્લાસિક’ કહી શકાય…

***

એક અમેરિકન, એક રશિયન અને એક દેશી ઇન્ડિયન મોટી મોટી ડીંગ હાંકતા બેઠા હતા.

અમેરિકન કહે : ‘અમે એવી સ્પેસ-શીપ બનાવી છે કે એ ઉડતી ઉડતી જઈને છેક બ્રહ્માંડને પેલા છેડેથી નીકળી જાય.’

બાકીના બે જણા કહેવા લાગ્યા. ‘જા જા ! બ્રહ્માંડની આરપાર તો ના જ જઈ શકે.’

એટલે અમેરિકને કહ્યું : ‘ઓકે. છેક પેલે પાર તો નહીં પણ લગભગ સો-બસ્સો પ્રકાશવર્ષ જેટલું ડિસ્ટન્સ રહી જાય.’

હવે રશિયનનો વારો આવ્યો. એ કહે ‘અમે એવી સબમરીન બનાવી છે કે દરિયાના ઊંડામાં ઊંડા તળિયા સુધી ટચ થઈ જાય.’

બાકીના બંને કહેવા લાગ્યા. ‘એ તો પોસિબલ જ નથી.’

તો રશિયને કહ્યું : ‘ઓકે. બસ્સો-ત્રણસો ફેધમ્સનું ડિસ્ટન્સ રહી જાય.’

હવે આપણા ઇન્ડિયનનો વારો આવ્યો. તેણે કહ્યું ‘અમારા ઇન્ડિયામાં તો બધા નાકથી જ ખાય અને નાકથી જ પાણી પીએ !’

આ સાંભળતાં જ પેલા બંને તૂટી પડ્યા. ‘નોટ પોસિબલ ! એ તો શક્ય જ નથી !’

છેવટે આપણો ઇન્ડિયન કહે ‘ઓકે, બસ બે આંગળી જેટલું ડિસ્ટન્સ રહી જાય !’

***

બહારગામથી આવેલા એક ગામડિયા કાકા પહેલી વાર અમદાવાદની સિટી બસમાં બેઠા. એમને ટિકીટ શી રીતે કઢાવવી તેની સમજ પડતી નહોતી.

એવામાં કન્ડક્ટર એક વડીલ પાસે ગયો. વડીલે કહ્યું. ‘વાડીલાલ’  એટલે કન્ડક્ટરે ટિકીટ આપી.

પછી એક રૂપાળી યુવતીએ પૈસા આપીને કહ્યું ‘રૂપાલી’ કન્ડક્ટરે એને પણ ટિકીટ આપી.

હવે કન્ડક્ટર કાકા પાસે આવ્યો. કાકાએ પૈસા કાઢીને કહ્યું. ‘તળશીભાઈ દલપતભાઈ પઢિયાર.’

***

- મન્નુ શેખચલ્લી

Comments