એ જમાનાના થિયેટરોમાં એક ખાસ અલગ વરાયટી હતી. એ હતાં ‘ખાડા થિયેટરો’ ! નાના ટાઉન્સમાં ખાસ કરીને ઉનાળાના વેકેશન દરમ્યાન અચાનક ક્યાંકથી રાતોરાત એકાદ છાપરા વિનાનું, છત વિનાનું થિયેટર ઉભું થઈ જતું ! મોટે ભાગે આવાં થિયેટરો ઉનાળામાં સૂકાઈ ગયેલાં તળાવમાં બની જતાં એટલે એનું નામ ‘ખાડા’ થિયેટર પડી ગયેલું. અમને યાદ છે, આવા જ એક થિયેટરમાં જોયેલું ‘હરિયાલી ઔર રાસ્તા’નું પેલું ગાયન… ‘લાખોં તારે આસમાન મેં…’ બિલકુલ ફીટ થતું હતું.
એ સમયે ફિલ્મોની એટલી બધી ઘેલછા હતી કે અમુક થિયેટરોમાં જ્યાં દરવાજા પોલા હોય તેની બહાર ફિલ્મઘેલાઓ કાન માંડીને ઊભા રહેતા ! અંદરથી સાઉન્ડ આવે, અને મનમાં દ્રશ્યોની હારમાળા ચાલતી હોય ! જેણે પિક્ચર જોયેલું હોય તેને માટે ‘રીપિટ શો’ ચાલી રહ્યો હોય અને જેણે ના જોયું હોય એના માટે આખી ફિલ્મ જ નવી !
અમદાવાદની એક પ્રકાશ ટોકિઝની ખામી કહો કે ખાસિયત એ હતી કે તેની પરદા તરફની દિવાલને અડોઅડ એક નિશાળ હતી ! જેથી આંખો દિવસ ફિલ્મનો સાઉન્ડ ટ્રેક કલાકોમાં સંભળાયા કરે ! એ સ્કુલનાં છોકરાંઓનું ટાઈમ ટેબલ ફિલ્મના સાઉન્ડ ટ્રેક મુજબ ચાલતું !
જેમકે વિષય ગણિતનો ચાલતો હોય અને ગાયન ભુગોળને લગતું હોય ‘આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી…’ તો વળી ભુગોળના પિરિયડમાં ‘ઝાંસી કી રાની’નો ઇતિહાસ સંભળાતો હોય ! એ તો ઠીક, છોકરાંઓ માટે બે રિસેસ રહેતી હતી. એક સ્કુલની રીસેસ અને બીજો ‘ઇન્ટરવલ’ !
દરેક થિયેટરની પોતાની આગવી વિશિષ્ટતાઓ હતી. કોઈનું એરકન્ડીશનીંગ એટલું જોરદાર કે સાલું, સ્ટોરીની વચમાં આવતું ગાયન બહુ ગમતું હોય છતાં ફરજિયાત ‘પીપી’ કરવા માટે જવું પડતું હતું ! તો વળી કોઈ થિયેટરનું ‘એર-કુલ્ડ’ એટલું વિચિત્ર રહેતું કે ભલભલા કાશ્મીરનાં સીન-સિનેરી વચ્ચે પણ આપણે પરસેવામાં નહાઈ જતા હતા.
અમુક થિયેટરોની બહાર એટલું મોટું મેદાન હોય કે અમથા અમથા ત્યાં બેસી રહેવાનું ગમતું ! જ્યારે અમુક થિયેટરોમાં સાઇકલ સ્ટેન્ડ સાલું, બાજુની પોળની કોઈ સાંકડી ગલીમાં હોય ! 25 પૈસાનું ભાડું એડવાન્સમાં લઈ લે અને સાઈકલને તાળું પણ ના મારવા દે ! કેમ ? તો વાત એમ હતી કે એટલી સાંકડી જગ્યામાં આગલા શોની સાઈકલો એકબીજાની બગલમાં ઘૂસાડીને પાર્ક કરી હોય, એ શો છૂટે પછી આપણી સાઇકલોને ત્યાં ચપોચપ ચોંટાડીને ઊભી રાખવાની હોય !
થિયેટરોની પણ પોતપોતાની ‘ઇમેજ’ હતી. જેમકે સ્વચ્છ સામાજિક ટાઈપની ફિલ્મો અમુક સારાં ચોખ્ખાં થિયેટરોમાં જ આવે અને દારાસિંગની કે સી ગ્રેડની ફિલ્મોમાં ઓડિયન્સ પણ એવું જ હોય અને કીચૂડ કીચૂડ કરતી સીટો પણ માંકડથી ભરપૂર હોય !
અરે, ઇંગ્લીશ ફિલ્મો માટે પણ અલગ ‘ઇમેજ’ હતી જેમકે અમદાવાદના ‘એડવાન્સ’માં એ ગ્રેડની ઇંગ્લીશ ફિલ્મો આવે અને ‘મધુરમ’ કે ‘સેન્ટ્રલ’માં જરા ગલગલિયા ટાઈપની ! (એમાં વળી સેન્ટ્રલ સિનેમામાં આવનારી ફિલ્મોની જે જાહેરખબરો છાપામાં આવતી તે ઓરિજિનલ ફિલ્મ કરતાં ય વધારે ‘ઉત્તેજક’ લાગતી !)
જોકે અમે થિયેટરનું સંપૂર્ણ રૂપાંતર થતું જોયું હતું... ‘જય સંતોષી મા’ વખતે ! શરૂઆતમાં તો તે ઠીક ઠીક જઈ રહી હતી પણ પછી જ્યારે એનો મહિમા ચારેબાજુ છવાઈ ગયો ત્યારે જોવા આવનારા લોકો રીતસર સિનેમાહોલની બહાર પોતાનાં બૂટ-ચંપલ ઉતારીને અંદર જતા હતા ! થિયેટરની બહાર સંતોષીમાના વ્રતની ચોપડીઓ અને ફોટા વેચાતા હતા અને હા, કોઈ મંદિરની બહાર હોય એવી ફૂલોની હાટડીઓ પણ લાગી ગઈ હતી ! (બસ, એટલું યાદ નથી કે સાયકલની જેમ બૂટ-ચંપલ સાચવવાનાં ભાડુતી સ્ટેન્ડ હતાં કે નહીં !)
અમુક થિયેટરના માલિકો પણ દિલદાર હતા. એક પત્રકાર મિત્રના કહેવા મુજબ રાજુલા ગામના થિયેટરમાં જો અડધો કલાકથી વધુ સમય સુધી વીજળી ના આવે તો માલિક આખી ફિલ્મના પૈસા પાછા આપી દેતા હતા ! રાજપીપળામાં એક થિયેટરનું રિનોવેશન થયું એના પહેલા જ દિવસે લોકોએ ફરિયાદ કરી કે પ્રેક્ષકોનાં માથાં નડે છે, તો બીજા જ દિવસથી શો કેન્સલ કરીને માલિક સીટો ઉખડાવીને નવેસરથી લેવલિંગ કરી ફરી ફીટ કરાવી હતી ! બોલો.
હજી જુનાં થિયેટરોની યાદોની સફર અટકી નથી. નેકસ્ટ શોમાં પાછા મળીએ છીએ….
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
મજા આવી ગઈ.thank you sir
ReplyDeleteઆપનો પણ આભાર કર્દમ ભાઈ !
ReplyDeleteવાહ, મન્નુ ભાઈ વિતી ગયેલા દિવસો ની યાદ આવી ગઈ - શશિકાન્ત મશરૂ
ReplyDeleteથેન્ક યુ શશીકાંતભાઈ !
ReplyDeleteWah lalitbhai talkies ni feelings aavi varso juni
ReplyDeleteThanks 😊🙏 🙏
ReplyDelete