અફઘાનિસ્તાનમાં ગુજ્જુ ભાઈ !?

આમ તો હાલના સંજોગોમાં ઇમ્પોસિબલ છે, છતાં ધારો કે કોઈ આપણો બુદ્ધિશાળી ગુજરાતી ત્યાં અફઘાનિસ્તાનમાં પહોંચી જાય તો ?...

***

સૌથી પહેલાં તો એ ત્યાં જઈને એ તપાસ કરશે કે પેલા અફઘાની પ્રેસિડેન્ટ અશરફ ગની જે લાખો ડોલર અહીં જ ક્યાંક મુકીને નાસી છૂટ્યા છે એ ડોલર ક્યાં પડ્યા છે ?

અને બીજી તપાસ એ કરશે કે બોસ, અહીં ગુજરાતી થાળી ક્યાં મળે છે !

***

કાબુલ એરપોર્ટ ઉપર જે ભીડ જમા થઈ છે એ જોઈને તે નવો બિઝનેસ ચાલુ કરશે. છ-સાત હેલિકોપ્ટરો ભાડે લઈને દરેકમાં ભરાય એટલા અફઘાનીઓને બબ્બે હજાર દિરહામના ભાવે ભરી ભરીને ઉપાડશે…

અને પછી રાતના અંધારામાં ‘ચલો… ચલો… પાકિસ્તાન આવી ગયું…’ એમ કહીને બધાને પેરેશૂટ પહેરાવીને ગમે ત્યાં પહાડોમાં ઉતારી મુકશે !

***

અહીંથી હેલિકોપ્ટરો લઈ જતાં પહેલાં એમાં ભરાય એટલા બુરખા અને હિજાબનો સ્ટોક ભરીને લઈ જશે…

… કેમકે ત્યાં હવે આ બે ચીજોની ડિમાન્ડ વધવાની જ છે !

***

અને ત્યાંથી પાછા આવતી વખતે બદામ, પિસ્તા, કાજુ, અખરોટ વગેરેનો સ્ટોક ભરાય એટલો ભરી લાવશે !
...કેમકે એના ભાવ ઓલરેડી અહીં વધી ગયા છે !

***

એ તો ઠીક, પણ પેલા મોટા મોટા મહેલોમાં જે તાલિબાનો ઘૂસીને ધમાલ મચાવી રહ્યા છે એમની જોડે અંદર જઈને ત્યાંના થાળી, વાટકા, પ્યાલા, તાસક વગેરે જે હાથ લાગ્યું તે લઈને તેની ઉપર ‘ધનજીભાઈ મુળજીભાઈ’ એવું નામ કોતરી નાંખશે…

- જેથી પાછા આવતી વખતે કહેવા થાય કે ‘આ તો બધો મારા બાપનો માલ છે !’

...પછી અહીં આવીને તે બધાં વાસણો ‘અફઘાનિસ્તાનનું એન્ટિક’ છે એમ કહીને ઊંચા ભાવે વેચી જ મારવાનું છે ને !

***

અને હા, અહીં જે અફઘાની સ્ટુડન્ટો ફસાયા છે એમના માટે ત્યાંથી ‘સંપેતરાં’ લાવવાનું નહીં ભૂલે !

(આ સર્વિસ ફ્રી હશે. ગુજરાતી છીએ, એટલું તો કરીએ જ ને !)

***

- મન્નુ શેખચલ્લી

Comments