બોલો, આ 10મી ઓગસ્ટે ‘વિશ્વ આળસુ દિવસ’ હતો !
એની અમને આજે ખબર પડી કેમકે એક આળસુ મિત્રએ અમને છેક આજે જ મેસેજ કર્યો !
બોલો, આળસુઓની પણ અલગ દુનિયા હોય છે ને ?
***
આ વિશ્વ આળસુ દિવસ રવિવારે કેમ નથી હોતો ?
- રવિવારે જ હોવો જોઈએ પણ આળસુઓ એકાદ રવિવાર બુક કરે એ પહેલાં તમામ રવિવાર બીજા બધા ‘ડેય્ઝ’ માટે બુક થઈ ગયા હતા !
***
આળસુઓ આ આળસુ દિવસ મનાવે છે શી રીતે ?
- સૂતાં સૂતાં !
***
આળસુ દિવસે કોઇ સ્પર્ધા હોય છે ખરી ?
- હોય છે ને, માખીઓ મારવાની !
***
શહેરમાં ક્યાંક આળસુઓની ક્લબ હોય તો તેની શી રીતે ખબર પડે ?
- ત્યાં કાગડા ઉડતા હશે !
***
શું આળસુઓ વર્લ્ડ આળસુ દિવસે કોઈ સંકલ્પ કરે છે ખરા ?
- હા ! કે આ વરસે તો ‘એકાદ વાર જરૂર નહાવું છે !'
***
આળસુ લોકોનું સપનું શું હોય છે ?
- એ જ કે પોતે સપનામાં પણ ઊંઘતા હોય !
***
આળસુ લોકો કયું કામ કદી મુલતવી નથી રાખી શકતા ?
- બગાસું ખાવાનું !
(કે યાર, ‘કંટાળો તો સખ્ખત આવે છે, પણ જવા દે ને… બગાસું પછી ખાઈ લઈશું !’ આવું નથી થઈ શકતું.)
***
આળસુ લોકોની પ્રિય વાનગી શું છે ?
- એ જ, બગાસું ખાવું !
***
આજે આ સતત ભાગદોડ કરી રહેલી દુનિયા સામે આળસુ લોકોની શી ફરિયાદો છે ?
- અમે બે ચાર આળસુઓને પૂછાવ્યું, પણ એમણે કહ્યું કે ‘તમારે જાણવાની કંઈ ઉતાવળ છે ?’
***
આ આળસુઓ કંઈ કરે છે ખરા ?
- કરે છે ને… આળસ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment