તમે માર્ક કરજો, અમુક લોકોનાં વોટ્સએપ સ્ટેટસ હજી એ જ હોય છે ‘હે ધેર ! આઈ એમ યુઝિંગ વોટ્સએપ !’ જાણે બહુ મોટા ન્યુઝ હોય !
મારા એક મિત્રએ સ્ટેટસમાં લખ્યું છે ‘Typing…’ બોલો. જોકે ખરી મઝા ત્યારે આવે છે જ્યારે સામેવાળો કંઈક લખી રહ્યો હોય અને આપણે રાહ જોતા હોઈએ…
***
કંઈ કેટલી મિનિટ સુધી આપણને ‘ટાઇપિંગ…’ ‘ટાઇપિંગ…’ એવું દેખાયા કરતું હોય અને પછી છેવટે મેસેજ આવે ત્યારે લખ્યું હોય :
‘Hi!!’
***
ઘણીવાર તમે મસ્ત મજાની જોક મોકલી હોય ત્યારે સામે ‘ટાઇપપિંગ… ટાઇપિંગ…’ થવા લાગે. આપણને એમ કે શું યે મઝાની કોમેન્ટ આવશે ! છેવટે આવે શું ?
‘Sure.’
(આમાં શું સમજવાનું ?)
***
આજકાલ વોટ્સએપમાં ગરમાગરમ રાજકીય મેસેજો બહુ ચાલ્યા છે. ‘ફલાણો આવો છે, ઢીકણાએ આમ કરી નાંખ્યું, દેશ બરબાદ થઈ જશે, ઇસ મેસેજ કો કોને કોને તક પહુંચા દો…’ વગેરે વગેરે.
આવો જ કોઈ મેસેજ તમે ફોરવર્ડ કર્યો હોય, સામેથી ‘ટાઇપિંગ… ટાઇપિંગ…’ થવા માંડે, આમાં ને આમાં ખાસ્સી દસ મિનિટ વીતી જાય, તમે ઊંચાનીચા થઈ રહ્યા હો, કે બેટમજી જે કોમેન્ટ આવે તેની સામે આજે તો મારે જડબાતોડ જવાબ આપી જ દેવો છે…
પણ અગિયાર મિનિટ પછી જ્યારે મેસેજ આવ્યાનું ‘ટુંગ’ સંભળાય અને તેમે ખોલીને જુઓ તો લખ્યું હોય :
‘ધીસ મેસેજ વોઝ ડિલીટેડ !’
(આમાં શું સમજવું ? પેલાએ ગાળાગાળી કરીને ડિલીટ કરી નાંખી કે પછી શરણાગતિ સ્વીકારી લીધી?)
***
ક્યારેક કોઈ છોકરાએ છોકરીને ઢગલો મેસેજો કર્યા હોય કે ‘આઇ લવ યુ’ ‘લવ યુ સો મચ’ ‘પ્લીઝ ટેલ મિ યુ ઓલ્સો લવ મિ’ ‘વરના મેં અપની જાન દે દુંગા..’
જવાબમાં ક્યાંય લગી ‘ટાઇપિંગ… ટાઇપિંગ..’ દેખાતું હોય, ભઈલુના દિલની ધડકનો વધી ગઈ હોય, હથેળીમાં પસીનો વળી ગયો હોય, શું જવાબ આવશે ? ના પાડશે તો ? હાર્ટ એટેક આવવાની તૈયારી હોય ત્યાં…
… છેવટે જવાબ આવે : ‘પ્લીઝ કોલ 108.’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment