ત્રીજી લહેરની રાહમાં...

આપણા ટુરિસ્ટો ગોવા, મહાબળેશ્વર, આબુ, દીવ બધે જઈને ત્રીજી લહેરને આમંત્રણ આપી આવ્યા… છતાં કોરોનાની ત્રીજી લહેર આવી રહી નથી !

જુઓ, કંઈ કેટલાય લોકો એની રાહ જોઈ રહ્યા છે…

***

ડૉક્ટરો અને હોસ્પિટલો

… ક્યારે ત્રીજી લહેર આવે અને ક્યારે ફરી તોતિંગ બિલો બનાવતી તેજી આવે !

***

પોલીસવાળા

… કે ક્યારે ત્રીજી લહેર આવે, અને રોજ માસ્ક વિનાની પ્રજાની હજાર હજારની રસીદો ફાડીએ !

***

કાળાબજારીયાઓ

… કે ક્યારે ફરી ઇન્જેક્શનોનાં, દવાઓનાં, ઓક્સિજનના બાટલાઓના અને હોસ્પિટલના બેડના કાળાબજાર શરૂ કરી દઈએ !

***

નેતાઓ

… કે ક્યારે ત્રીજી લહેર આવતાંની સાથે જ પેલા ઓક્સિજનના જે પ્લાન્ટો લાવી લાવીને ગોઠવી દીધા છે તેના ઉદ્‌ઘાટનો કરી નાંખીએ !

***

વિરોધપક્ષો

… કે ક્યારે 'સરકાર નિષ્ફળ ગઈ છે' એવાં માછલાં ધોવાનાં ચાલુ કરી દઈએ !

***

સોશિયલ મિડીયાના કીડા

… કે ક્યારે ત્રીજી લહેર શરૂ થાય અને પહેલી-બીજી લહેરના જુના જોક્સ, જુના વિડીયો, જુની સલાહો અને જુના જાતજાતના નુસખા વહેતા કરી દઈએ !

***

સ્ટુડન્ટો

… કે ક્યારે આપણા છીનવાઈ ગયેલા મોબાઈલો ફરી પાછા ખુંચવી લઈએ ! અને ક્યારે ફરી ભણવાને બહાને મોબાઈલમાં મોં ખોસીને ગેઈમો રમીએ…

***

શાળાના માલિકો

… કે ક્યારે ફટાફટ ફી ઉઘરાવી લીધા પછી સ્કુલો-કોલેજોના દરવાજા બંધ કરીને જુનાં લેકચરો ઓનલાઇન ચડાવવા માંડીએ !

***

નોકરિયાતો

… કે ક્યારે આ બફારામાં પેન્ટ, શર્ટ, ટાઈ વગેરે કાઢીને હલ્કા ફૂલ્કા ટી-શર્ટ અને બરમૂડામાં આવી જઈએ !

***

…અને પત્નીઓ

… કે ક્યારે પતિને ફરી ઘરનાં કામોમાં જોતરીને આપણે… સમજી ગયા ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments