ફિલ્મોનો પુરેપુરો 'કસ' કાઢતો એ જમાનો !

એ જમાનાનાં નાનાં ટાઉનનાં થિયેટરોમાં ત્રણ ઇન્ટરવલ પડતા હતા. સોળ કે અઢાર રીલનું પિક્ચર હોય પણ પ્રોજેક્ટર માત્ર એક જ હોય એટલે ચાર ચાર રીલની લંબાઈને સાંધા મારીને એક પ્રોજેક્ટરમાં ચડાવવું પડે. એ પતે પછી તેને ઉતારીને બીજું ચડાવવામાં વાર લાગે, ત્યાં સુધી ઇન્ટરવલ… ચલો… સોડા.. લેમન… ખાઆઆરી… શીંઈંઈંગ !


પાટણમાં તે સમયે અજબ રીવાજ ચાલતો. એ હતો ટિકિટોનાં ‘રિ-સેલ’નો ! બીજા ઇન્ટરવલ પછી અડધું પિકચર જોઈને નીકળેલો માણસ લગભગ અડધા ભાવે ટિકીટ વેચી મારે ! કેમકે તે ગામડેથી કોઈ કામસર શહેરમાં આવ્યો હોય અને એને એકાદ કલાક ટાઈમપાસ કરવાનો હોય.

પાટણમાં કંઈ કેટલાય લોકોને પિકચરનો પાછળનો ભાગ ‘પહેલાં’ જોઈ નાંખવાની ટેવ પડી ગઈ હતી (કેમકે ધનાધની, મારામારી અને મેઇન સ્ટોરી તો બીજા ભાગમાં જ હોય ને !) પછી પિક્ચરની સ્ટોરી ગમી જાય (અથવા બરોબર ‘સમજ’ ના પડી હોય) તો શરૂઆતના બે ભાગ જોઈ નાંખવાના ! તાળો મળી જાય !

અમુક લોકો વળી ચોક્કસ ગાયનના જ દિવાના હોય એટલે જે બે ઇન્ટરવલો વચ્ચે એમનું પ્રિય ગાયન આવતું હોય એટલું જ જોઈને, બહાર નીકળીને ટિકીટના જેટલા ઉપજે એટલી રોકડી કરીને હાલતા થાય !

પ્રોજેક્ટરોમાં પેલા ‘આર્ક-લેમ્પ’ રહેતા. કિશોરવયમાં અમને પ્રોજેક્શન રૂમમાં ઘૂસીને ચાલુ પિક્ચરે એ બધું જોવા મળેલું ત્યારે આ ભઈલુ ગદગદ થઈ ગયેલો ! આર્ક-લેમ્પમાં ફિલમની સતત સરકતી પટ્ટીની પાછળ બે સળિયા હોય. એ બંને એકબીજાને અડે ત્યારે આંખો આંજી દેતો પ્રકાશ ઝરે !

એમાં જો વળી વીજળીનો પાવર ‘ડીમ’ હોય, કે સળિયા જુના થઈ ગયા હોય, કે સરખા એડજસ્ટ ના થયા હોય તો પરદા ઉપર ભપ કરતું અંધારું થઈ જાય ! એ જ ક્ષણે નીચે સિનેમાહોલમાંથી સામટી બસ્સો ત્રણસો બૂમો પડે ! આવા સમયે ભલભલાં ઝોકાં ખાતા પ્રેક્ષકો ઝબકીને ડરી પણ જાય ! અમુક પ્રોજેક્શનીસ્ટો (‘ફિલમ પાડનારા’ કહેવાતા તે) જાણી જોઈને લોકોની સળી કરવા માટે આર્ક-લેમ્પના સળિયાને આઘાપાછા કરીને મજા લેતા હતા ! અમુક થિયેટરોમાં તો એમના નામ સાથે ગાળો પણ પડે ! ‘એ ચંદુઉઉ… ઊંઘી ગયો કે શું, જાગ લલવા જાગ !’

ફિલ્મના રીલની પટ્ટી મોટેભાગે પેલા સાંધામાંથી જ તૂટે ! એટલે ફરી ચિચિયારીઓ ‘ઓ બાબુડીયા ! કેમ ધ્યાન નથી રાખતો ? શેઠે પગાર નથી આપ્યો કે શું ?’

ફરી સાંધો મારવા માટે બંને છેડાની ચાર-પાંચ ફ્રેમો કાપવામાં કુરબાન થઈ જાય. આમાં ને આમાં વારંવાર સાંધા મારતાં મારતાં પ્રિન્ટ ટુંકી જ થતી જાય ! એમાં વળી જો કોઈ ગાયનમાં કંઈક 'કપાઈ જાય' તો પ્રેક્ષકો આખું થિયેટર હચમચાવી નાંખે એવો દેકારો કરી મુકે !

એ પ્રોજેક્ટરોમાં બીજી તકલીફ એ હતી કે રીલનો છેડો આવતાં એનું ફીડલું નાનું થવાને કારણે અતિશય ઝડપથી ફરે, જેના કારણે તેનો છેડો વારંવાર તૂટી જતો ! આવા ટુકડા પાંચ-સાત ફૂટથી લઈને વીસેક ફૂટના પણ હોય. એ બધા ક્યાં જાય ? કચરાટોપલીમાં ? ના સાહેબ ના ! એ ટુકડાના પણ ઘરાક હતા !

યાદ છે, પેલો ફેરિયો સરસ મજાની લારી લઈને આવતો તે ? નાનાં ટાબરિયાંને દસ દસ પૈસામાં ગોળ બારીમાં મોં ખોસીને જોવાય એવી ફિલ્મ હાથ વડે ચકરડું ફેરવીને બતાવતો હતો તે ? (પાછું જોડે ચાવી આપેલું ‘થાળીવાજું’ યાને કે રેકોર્ડ પ્લેયરમાં ગાયન પણ વાગતું  હોય… દિલ્લી કા કુતુબ મિનાર દેખો…)

સિનેમાહોલમાં તૂટી ગયેલા ટુકડાનું આ રીતે ‘રિ-સાયકલિંગ’ થતું હતું, મારા પર્યાવરણપ્રેમી સાહેબો !

અરે, છૂટીછવાઈ રંગીન ફિલ્મની માત્ર એક જ ફ્રેમ હોય તો પણ એની કિંમત થતી હતી ! અમુક મેળાઓમાં હાથ બનાવટનાં ‘સ્લાઈડ-વ્યુઅર’ મળતાં હતાં. એમાં એક છેડે જે કાણું હોય તેમાંથી જોવાનું અને બીજા છેડે પિકચરની પેલી ફ્રેમ, જેમાં કોઈ સુંદર ‘પોઝ’ હોય, તેને એક ખાસ પટ્ટીમાં ખોસીને, મીણિયા કાગળમાંથી આવતા પ્રકાશ સામે ધરીને જોવાની, તેના સૌંદર્યનું રસપાન કરવાની મજા લેવામાં આવતી હતી.

નાનાં ટાબરિયાંઓ તો એવી છૂટી છવાઈ ફ્રેમો વડે સામસામી શરત મારતા. ‘તારો ફોટો સારો કે મારો ?’ એમાં ન્યાયાધીશ તરીકે ત્યાંથી પસાર થતા કોઈ મોટા વડીલ અથવા રસિયા યુવાનને બે ફ્રેમો પકડાવીને પૂછવામાં આવે ‘આમાંથી એકને યસ કરો જોઉં !’ જેની ફ્રેમ ‘યસ’ થાય તે બંને ફ્રેમો જીતી જાય !

આજે મલ્ટિપ્લેક્સમાં 300 રૂપિયામાંથી માંડ 30 રૂપિયા પણ  વસૂલ નથી થતા જ્યારે એ વખતે અમે દોઢ રૂપિયાનો પુરેપુરો ‘કસ’ કાઢતા હતા ! સમજ્યા ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. આવી મજાઓ હવે ભૂતકાળ થઈને મગજનાં નોસ્ટાલજીક ખાનાંમાં સચવાયેલી છે. અમારે ભૂજમાં ચાલુ ફિલ્મે ડાયલોગનો કે ગીતનો અવાજ ગૂમ થઈ જાય કે પ્રેક્ષકો, બે હથેળીઓને મોં પર રાખીને માઈક્રોફોનનો આકાર આપીને 'રેડિયો..રેડિયો' એવા પોકારો પાડવા શરુ કરી દે ! અરે ! એક થિયેટરનો એક્ઝીટ જ બહાર જાહેર ચોક જેવી મોટી જગ્યામાં ખૂલતો ત્યાં ફિલ્મના શોખીન,પણ ટિકીટ લેવી ન પોસાય એવા રંક રસિયાઓ, પેટભર એક્ઝીટના દરવાજા નીચે સૂઈને ફિલમ સાંભળતા' હોય. સાતેક વાગ્યે અંધારું થાય એટલે દરવાજા પરનો કાળો પડદો સહેજ હટાવતાં એમને નીચેની તડમાંથી ફિલ્મ પણ દેખાય. છેલ્લો શો શરુ થાય એટલે ચોકની હવા થિયેટરમાં આવી શકે એટલે એક્ઝીટનો ઝાંપો લગભગ ખોલી નાખીને ચોકીદાર રવાનો થઇ જાય.

    ReplyDelete
    Replies
    1. વાહ ! મજેદાર યાદો !!
      સારું થયું કે આ તમે લખી મોકલ્યું.. લેખમાં આ વાતો ઉમેરવાની રહી ગઈ હતી. તમે સુદર પૂરવણી કરી આપી !
      ધન્યવાદ 😊🙏

      Delete
  2. 'અનારકલી'ના બધાજ શૉઝ જોયા પછી એક યુવકનાં મગજની કમાન છટકી ગયેલી. બસ, સતત, એની કાલ્પનિક અનારકલીને પોકારતો રસ્તામાં રખડ્યા કરે. 'મુગલે આઝમ' અને 'દેવદાસ' ના કિસ્સાઓમાં પણ આવું બનેલું.

    ReplyDelete
    Replies
    1. સાચી વાત.. એવી ઘેલછાવાળા પ્રેક્ષકો મેં પણ જોયા છે.

      Delete
  3. Replies
    1. થેન્ક યુ વિપુલ ભાઈ !

      Delete

Post a Comment