સોશિઅલ મિડિયા v/s છાપાં !

અમુક લોકો આજકાલ છાપાં વાંચતા જ નથી ! કહે છે કે સોશિયલ મિડીયામાંથી જ બધું જાણવા મળી જાય છે તો પછી છાપાંની જરૂર જ ક્યાં છે ?

ઉપરથી શીખામણ આપે છે કે છાપાંએ હવે બદલવાની જરૂર છે ! લો બોલો, ખરેખર એવું થાય તો… કેવું લાગે ?

***

રોજ પહેલા પાને આખું પાનું ભરીને ગુડ મોર્નિંગ, સુવાક્યો અને શીખામણોના ફોટા છાપી નાંખ્યા હોય… તો કેવું લાગે ?

***

રોજ એક આખું પાનું ભરીને ગુલઝાર-ગાલિબની શાયરીઓ, હરિવંશરાય બચ્ચનની કવિતાઓ, ચાણક્યની સલાહો અને રજનીશના ઉપદેશો છાપ્યા હોય… તો કેવું લાગે ?

***

રોજ આખું પાનું ભરીને પંચાવન વાર છપાઈ ગયેલી જોક્સ, સત્તાવીસ વાર ગવાઈ ગયેલી હાસ્યકવિતા અને સત્તરવાર સોલ્વ કરેલી ક્વીઝ પઝલો છપાઈને આવે… તો કેવું લાગે ?

***

હજી ઊભા રહો… બબ્બે પાનાં ભરીને કંગનાએ સ્વરા ભાસ્કરને શું ચોપડાવી, અનુષ્કાએ વિરાટને શું ગિફ્ટ આપી, સૈફ અલી કરીના ઉપર કેમ બગડ્યો, કાર્તિકે કરણથી કેમ છેડો ફાડ્યો, મંદિરા બેદીએ જીન્સ-ટી-શર્ટ કેમ પહેર્યું ? એવી ફાલતુ વાતોની પંચાતમાં ઝુકાવીને દેશના હજારો મામૂલી લોકોએ શું ટીકા ટિપ્પણી અને લવારા કર્યા એવું બધું બબ્બે પાનાં ભરીને છાપામાં આવે… તો કેવું લાગે ?

***

એ તો ઠીક, રોજ આખેઆખું પાનું ભરીને તમારા દિમાગમાં કોમવાદી ઝેર રેડતી વાતો અને ફેક-ન્યુઝ છપાતા રહે… તો કેવું લાગે ?

***

હજી ઊભા રહો… ‘આ વાંચીને તમે ચોંકી જશો’ ‘આ સાંભળીને તમારા રૂવાંડા થઈ જશે ઊભાં’ ‘આ ચૂકી જશો તો થશે લાખોનું નુકસાન’ ‘આ ગામમાં આવું વિચિત્ર થયું…’ છાપામાં આવી ને આવી ઓગણપચાસ હેડલાઇનો છપાતી હોય.. તો કેવું લાગે ?

***

કમ સે કમ એટલું તો વિચારો કે છાપું માત્ર સાડા પાંચ ઈંચ પાય સવા બે ઇંચની સાઈઝનું હોય..

- તો કેવું લાગે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments