સરકારે કરફ્યુ વગેરેમાં થોડી વધુ છૂટ આપી છે પરંતુ પબ્લિકની ડિમાન્ડ છે કે અમુક ચોક્કસ પ્રકારની છૂટો પણ મળવી જોઇએ. જેમકે…
***
હજી પણ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા પતિઓની માગણી છે કે હવે તો ઘરમાં કચરાં પોતાં કે શાક સમારવાનાં કામ માટે ‘ના’ પાડવાની છૂટ મળવી જોઈએ !
***
પત્નીઓની માગણી છે કે લોકડાઉનમાં બંધ પડેલી સિરીયલો ફરી ચાલુ કરવામાં આવે અને જેના શૂટિંગો ફરી શરૂ થયા છે તેના રોજ એક એક એપિસોડ એકસ્ટ્રા પ્રસારિત કરવામાં આવે…
- કેટલો બધો કોર્સ અધૂરો રહી ગયો છે !
***
ગુજરાતના ભાઈઓની માગણી છે કે દારૂ પીવાની છૂટ… સોરી, આ તો જુની ડિમાન્ડ થઈ ગઈ… પણ નવી ડિમાન્ડ એ છે કે હવે પોલીસના ‘હપ્તા’ તો થોડા ઘટાડવામાં આવે !
- મોંઘવારી કેટલી વધી ગઈ છે !
***
યુવાઓની સિમ્પલ માગણી છે : માસ્કને માત્ર બે જ ઇંચ નીચું પહેરવાની છૂટ મળવી જોઈએ !
***
વડીલોની પણ સિમ્પલ માગણી છે કે ગળે લટકાવેલું માસ્ક ‘પહેરેલું’ માસ્ક ગણાવું જોઈએ !
***
બહેનોની માગણી છે કે પાણીપુરીના ખૂમચા આગળ મિનિમમ બે ડઝન બહેનોને ગોળ કુંડાળામાં ઊભા રહીને પાણીપુરી ખાવાની છૂટ મળવી જોઈએ.
એટલું જ નહીં, લોકડાઉનનું સાટું વાળવા માટે ત્યાં ઊભા રહીને વધુ અડધો કલાક વાતો કરવાની છૂટ પણ મળવી જોઈએ.
***
1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓની માગણી છે કે હજી શાળાઓ શરૂ ના કરવી જોઈએ !
કેમકે પછી મોબાઈલો મચડ્યા કરવાની જે છૂટ મળી છે તે પાછી ખેંચાઈ જશે !
***
અને આમ જનતાની ખાસ માગણી છે કે રાજકીય ફંકશનોમાં જે છૂટ હોય છે એવી જ છૂટ અમને પણ…
સોરી સોરી ! પણ હવે વેક્સિનો તો છૂટથી આપો ? કે ત્યાં પણ કોઈ પ્રતિબંધ લગાવી રાખ્યો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment