મોદીજીએ 77 મંત્રીઓ સાથેનું પ્રધાનમંડળ તો બનાવી લીધું પરંતુ હજી અમુક નવાં ખાતાં ખોલવાની જરૂર છે…
***
સોશિયલ મિડીયા ખાતું
ટ્વિટર સાથેની ટકટકમાં તો રવિશંકર પ્રસાદનું પત્તું કપાઈ ગયું ! આ ખાતામાં કામ ઘણું છે…
સરકારનો સતત પ્રચાર કરવો, ટીકા કરનારાઓને ચૂપ કરવા, વાંધાજનક ટીપ્પણીઓ સામે પગલાં લેવાં, ધરપકડો કરવી, નોટિસો આપવી, કંપનીઓ ઉપર છાપા મારવા, ફેક ન્યુઝ… સાચા ન્યુઝ, સાચા જેવા ફેક ન્યુઝ… ફેક જેવા સાચા ન્યુઝ… અરે, ફૂલ-ટાઇમ જોબ છે સાહેબ !
***
ત્રીજી લહેર ખાતું
બીજી લહેરમાં ડૉ. હર્ષવર્ધન તણાયા ! હવે ત્રીજીમાં કોણ જશે ? અને ત્રીજી પછી ચોથી, પાંચમીની તૈયારી પણ કરવી જ પડશે ને ? ખુદ સરકાર ઓક્સિજન ઉપર ના આવી જાય એ માટે આખું ખાતું બનાવવું જરૂરી છે, સર !
***
સ્વીસ બેંક ખાતું
સ્વીસ બેંકમાં ખાતું નથી ખોલાવવાનું ! ત્યાંના ખાતાઓમાંથી આપણા સૌના ખાતામાં પંદર પંદર લાખ આવવાના છે એવી વાયકા હજી રહી રહીને ફેલાતી રહે છે. કાં તો વાયકા બંધ થવી જોઈશે અથવા સ્વીસ બેંકોનાં ખાતામાંથી આ ખાતામાં કંઇક લાવવું પડશે… અઘરું ખાતું છે, ભાઈ !
***
ભાગેડુ કૌભાંડી ખાતું
આપણી બેન્કોને ચૂનો લગાડીને ભાગી ગયેલાઓને પાછા લાવવા એક શું, અગિયાર ચાર્ટર પ્લેનનું બજેટ ફાળવો પણ એમનું સ્વદેશાગમન એ સરકારની ઇજ્જતનો સવાલ છે.
***
જુમલા ખાતું
કેટલા સમયથી સાહેબે નવો જુમલો બનાવ્યો નથી ! એમના જી હજુરીયાઓ પણ માત્ર ‘જી જી જી’ કરી રહ્યા છે. આ તો કેમ ચાલે ? એક આખું ખાતું નીમો, જે એબીસીડીના 26 અક્ષરોનાં કોમ્બિનેશનમાંથી દર પંદર દિવસે બે ચાર જુમલા બનાવતું રહે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment