અંગ્રેજીમાં જેને ‘હાઇટ ઓફ ફલાણા-ઢીકણાં’ કહે છે એવું અમે ગુજરાતીમાં ગોઠવી કાઢ્યું છે…
***
આળસની હદ
‘મોર્નિંગ વોક’ માટે મોબાઈલમાં સવારે 10 વાગ્યાનું એલાર્મ મુકવું… એ પણ ‘સાયલેન્ટ મોડ’માં !
***
કરકસરની હદ
કિચનમાં લાગેલી આગને હોલાવવા માટે ફાયર બ્રિગેડમાં ‘મિસ-કોલ’ મારવો !
***
નવરાશની હદ
વોટ્સએપમાં રોજ કેટલા મેસેજો આવ્યા, એમાંથી કેટલા વિડીયો હતા, કેટલા ઓડિયો હતા, કેટલા ફોટો હતા અને કેટલા ટેક્સ્ટ મેસેજ હતા તેનો હિસાબ ગણી લીધા પછી કેટલા મેસેજો ફોરવર્ડ કર્યા તેનો હિસાબ બાદ પણ કરવો !
***
ભોળપણની હદ
‘યોર કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ..’ એવું વીસ વખત સાંભળ્યા પછી પણ પોતાની જાતને ‘ઇમ્પોર્ટન્ટ’ સમજવી !
***
ટેકનોલોજી ઉપર ભરોસાની હદ
‘ગુગલ મેપ’માં સાંભળવા મળતી સૂચનાઓનું ચૂસ્ત પાલન કરીને કારને ગટરના ખાડામાં હંકારી દેવી !
***
ઓનલાઇન શોપિંગની હદ
‘શાદી ડોટ કોમ’માં જઈને યુવતીની પસંદગી કરતાં પહેલાં ‘યુઝર્સ રેટિંગ્સ’ તપાસી લેવાં !
***
કોન્ફીડન્સની હદ
પંચાણુ વરસની ઉંમરે પાંચ વરસનો ડેટા પ્લાન ખરીદીને રાખવો !
***
અમદાવાદીપણાની હદ – (1)
કેશ-ઓન-ડિલીવરીના છોકરા જોડે ભાવતાલની રકઝક કરવી… ‘ચલો, આ ખોખું તમને પાછું આપું તો કેટલા ઓછા કરો ?’
***
અમદાવાદીપણાની હદ – (2)
યુ-ટ્યુબમાં પાણીપુરી બનાવવાની રીત જોઈ લીધા પછી છેલ્લે કહેવું ‘આમાં છેલ્લે કોરી પુરી તો આઈ જ નંઈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment