'ભાઈલોગ' સાહિત્યમાં ઘૂસે તો ?!

આમ તો અંડરવર્લ્ડના ભાઈલોગને સાહિત્યમાં શું લાડવા મળવાના હતા ? અહીં સવા પચ્ચીસ ગ્રામનો ‘સુવર્ણચંદ્રક’ લેવો હોય તો પણ મિનિમમ સવા પચ્ચીસ ચોપડાં લખવા પડે ! એમાંય વળી ચંદ્રક મળે ત્યારે ખબર પડે કે આમાં તો માત્ર સવા બે ગ્રામ સોનાનો ‘ઢોળ’ જ ચડાવેલો છે ! (છતાંય સાહિત્યકારોની ‘ગ્રેસ’ તો જુઓ, કોઈએ હજી સુધી સુવર્ણચંદ્રક વિશે કરુણ કવિતા પણ લખી છે ખરી ?)

તોય, માની લઈએ કે અંડરવર્લ્ડના ભાઇલોગ સાહિત્યના ફિલ્ડમાં એન્ટ્રી મારે તો શું થાય ? શરૂઆત તો ગુજરાતી કવિઓથી જ થાય… વારાફરતી બધા કવિઓને ફોન જવા માંડે : ‘એ દેઢ શાણે ! સાલે, અપને આપ કો કવિ સમજતા હૈ ? અબે, તેરી કવિતા સુન સુન કે પબ્લિક કે કાન પક જાતે હૈં ! અબી અગર ગલતી સે ભી ઓનલાઇન કવિતા સુનાને આયેલા હૈ ના, તો સાલે, તેરે લિખનેવાલે હાથ કી ઉંગલીયાં નિકાલકર ધોનેવાલે હાથ મેં રખ દૂંગા ! ચલ અભી ફોન રખ !’

કવિઓ હજી કન્ફ્યુઝનમાં હોય કે આની વિરુદ્ધ ફેસબુકમાં બળવો પોકારું કે છાપામાં ‘વાચકના વિચારો’ વિભાગમાં ફરિયાદ કરું ? ત્યાં તો રસ્તે જતાં અચાનક એમની ઉપર હુમલા થવા માંડે !

હુમલાખોરો ‘શ્રોતા’ હોવાનો દેખાવ કરીને છ-છ ઇંચના ચાકુ બતાડીને ભપકી આપી જાય કે ‘અબે સાલે, અભી ભી કવિતા લિખના નહીં છોડા ના… તો યાદ રખ, અગલે કવિ સંમેલન મેં સ્ટેજ પે તેરી લાશ હોએંગી !’

ફફડતા કવિઓને દસેક દિવસ ફફડતા રાખ્યા પછી બીજા કોઈ ‘ભાઈ’નો ઠંડકભર્યો ફોન આવે : ‘ક્યા કવિરાજ ? કુછ પ્રોટેક્શન-વોટેક્શન મંગતા ક્યા ? હર મહિને સિર્ફ હજાર રૂપિયા કા હપ્તા લગેંગા ! બંદોબસ્ત કર લેના, વરનાઆઆ…’

આપણને સ્હેજે સવાલ થાય કે હજાર હજાર રૂપિયામાં ભાઈલોગને શું કમાવા મળે ? પણ તમે ફેસબુકમાં ફૂટી નીકળેલા કવિઓની સંખ્યા હજી ગણી જ નથી !

આપણા કવિઓની બીજી ખૂબી એ છે કે પોતે દસ એમએલ દારૂ પણ ના પીધો હોય છતાં ‘મદિરા’ ‘શરાબ’ ‘સાકી’ ‘નશા’ ‘મયખાના’ જેવા વિષયો ઉપર જાલિમ શાયરીઓ લખી શકે છે. વળી આ જ લોકોને જો મફતમાં દારૂ પીવા મળતો હોય તો યજમાનને ‘શ્રોતા’ બનાવ્યા ‘વિના’ પણ હોંશે હોંશે પીવા જઈ શકે છે. આ નબળાઈનો ફાયદો ઉઠાવીને એકાદ સાંજે કોઈ ભાઇ શહેરથી દૂરના કોઈ ફાર્મ હાઉસમાં ‘મહેફિલ’ ગોઠવીને સૌને આમંત્રણ આપી દેશે.

પછી જ્યારે બે ડઝન સર્જકો વચ્ચે માત્ર એક બાટલીના ધોરણે દારૂ પીરસાઈ રહ્યો હોય ત્યારે ત્યાં અચાનક ભાઈલોગનાં જ માણસો ‘નકલી પોલીસ’ બનીને રેડ મારશે ! જો ત્યાં પચાસેક જેટલા પિપાસુઓ ભેગા થયા હોય તો માત્ર દસ-દસ હજારની માંડવાળીમાં કેટલાની રોકડી થાય ? ગણી લેજો.

સ્વાભાવિક છે, આગળ જતાં ભાઈલોગની ગેંગ આયોજકો પાસેથી સાહિત્યના સમારંભોની ‘સોપારી’ પણ લેવા લાગશે. ‘બોલે તો, ઓડિયન્સ મેં અપુન કે પચાસ ટપોરીલોગ બૈઠેલે રહેંગે… હર શાયરી પે, હર મક્તે પે, ઐસી સિટીંયા ને તાલિયા બજાવેંગે કે પોગરામ સુપરહિટ હો જાયેગા ! ઔર હાં, અગર ગલતી સે કોઈ બોર હો કે બાહર જાને લગા તો સાલે કી વહીં ચ હડ્ડીયાં તોડ કર વાપસ બિઠા દેંગે !’

પછી તો જ્ઞાનસત્રોમાં પણ ભાઇના માણસો મંચની બાજુમાં જ ઊભા હશે. ‘અભી યે વિવેચક જો ભી અગડમ બગડમ બોલતા હૈ વો ચૂપચાપ સુનને કા ! બીચ મેં અગર બગાસા ભી ખાયા, યા નીંદ કી ઝપકી આ ગઈ, તો સાલા, મુંડી કાટ કે હાથ મેં દે દેંગા ! સમઝા ના ?’

નવા નવા સાહિત્ય-પ્રકારો પણ આવશે. ‘શૂટર કી શાયરી’ ‘ચીંદીચોર કી ચોપાઈયાં’ ‘સુપારીબાજનાં સોનેટ' ‘ખંડણીના ખંડકાવ્યો’ ‘લુખ્ખાની લઘુનવલ’ ‘ગેંગસ્ટરના ગ્રંથાલય’ વગેરે.

છેવટે એક દિવસ અમારી ઉપર ફોન આવશે. ‘અબે શેખચીલ્લી ? સુના હૈ તુ હવાઇ કિલ્લે જૈસી બોગસ બોગસ બાતેં બનાને મેં બડા ચેમ્પિયન હૈ ? ચલ, ફટાફટ ઈધર અડ્ડે પે આ જા... ભાઈ કુ અપની આત્મકથા લિખવાને કી હૈ !’

- મારી દયા ખાજો, એડવાન્સમાં !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Bhai ni aatmkatha lakhva jav cho k nahi🤣 jo jo kyak na padso to tamari sopari apai jase

    ReplyDelete
    Replies
    1. હા હા હા !!.. મારી સોપારી અપાઈ જાય પછી તો મારી આત્મકથા પણ કોણ લખશે ?! 😀😀

      Delete

Post a Comment