છત્રીમાં આટલું સુધારો.. ભૈશાબ !

માણસે છત્રીની શોધ ક્યારે કરી તે કદાચ ગૂગલમાં લખેલું હશે પણ ‘ઐતિહાસિક’ બની ચૂકેલી આ પથ્થરયુગની છત્રીમાં નવા સુધારા ક્યારે થશે તે આજનો કોઈ મહાનમાં મહાન વૈજ્ઞાનિક પણ કહી શકતો નથી. ભલભલાં અવકાશયાનોની શોધ કરનારાઓ પણ આવાં અઘરાં કામોમાં પડવાના નથી એટલે સીધા સાદા પ્રોડક્ટ ડિઝાઇનરોને અમારી આ ખાસ વિનંતી છે કે છત્રીમાં નીચે મુજબના ફેરફારો કરી આપે.

(1) છત્રીમાં બારી આપો

કાળા કલરની છત્રીને બદલે મહિલાઓની સાડી, બ્લાઉઝ કે સેન્ડલની ડિઝાઈન સાથે મેચ થાય એવા કલરની ઇન્ટરચેન્જેબલ સિસ્ટમ નહીં આપો તો ચાલશે પણ ભર વરસાદમાં સામેથી જ્યારે ફૂલ સ્પીડમાં કોઈ બાઇકવાળો કે કાર (વાળી) આવતાં હોય ત્યારે છેક છેલ્લી ઘડીએ જે સાઈડમાં જમ્પ મારવો પડે છે તેના બદલે છત્રીમાં એક પ્લાસ્ટીકની બારી મુકી હોય તો સારું પડે.

પ્લાસ્ટિકની બારીનો બીજો ફાયદો એ પણ છે કે સામેથી કોઈ સુંદરી (તે પણ પલળેલી) આવી રહી હોય તો નયનસુખ માણવામાં સરળતા રહેશે અને જો ઉઘરાણીવાળો વિલન નજરે ચડી જાય તો બારીને સાઇડમાં ઘુમાવીને મોં સંતાડવાનું પણ ઈઝી પડશે.

(2) સાઈડ બતાડતી લાઈટ આપો

એક તો રોડ ઉપર પડેલા ખાડા ખાબોચિયામાંથી આપણે ‘નેવીગેશન’ કરીને ચાલવાનું હોય, બીજી બાજુ સામેથી કે પાછળથી આવતા વાહનોએ ઉડાડેલી છાલકોથી બચવાનું હોય અને ત્રીજી બાજુ જે દિશામાંથી પવન આવી રહ્યો હોય તે દિશામાં છત્રી નમેલી પણ રાખવાની હોય એવા ટાઇમે સામેથી શાક લઈને આવી રહેલાં આન્ટીને સાઇડ આપવાની હોય અથવા પુરપાટ ઝડપે સ્કુટી લઈને ટ્યુશને જઈ રહેલા ટીન-એજરથી બચવાનું હોય તો આવી ‘સાઈડ-લાઈટો’ બહુ કામમાં આવશે !

એમાંય, જુવાનિયાઓ જો જુવાનડીઓને ખોટી સાઈડ બતાડીને જાણી જોઈને ભટકાઈ પડવા માગતા હોય તેમના માટે પણ આ લાઈટ ઉપયોગી છે.

(3) છત્રીના હેન્ડલમાં આટલું ઉમેરો

બહેનો તો અમારી માગણીને જરૂર ટેકો આપશે કે છત્રીના હેન્ડલમાં પર્સ લટકાડવાનું હૂક હોવું જ જોઈએ ! મોબાઇલ ભેરવવાનું સ્ટેન્ડ પણ હોવું જોઈએ ! જેથી છત્રી લઈને ચાલતાં ચાલતાં પણ બહેનપણીને વિડીયો કોલ કરી શકાય !

ઉપરાંત, એક બે શોપિંગની બેગ્સ અને એક બે શાકભાજી થેલીઓ લટકાવાય એવાં ખેંચીને બહાર કાઢી શકાય એવા સળિયા પણ હોવા જોઈએ. શું કહો છો !

(4) દદડતી છત્રીઓનું શું ?

ઓફિસોમાં હવે હેલ્મેટ તો ટેબલ ઉપર રાખી મુકીએ પણ દદડતી છત્રીઓનું શું કરવું ? હાલમાં તો બિચારી છત્રીઓને જાણે નાત બહાર કાઢી મુકી હોય તેમ છેક દરવાજાની બહાર દદડતી મુકવી પડે છે. એના રેલા ધીમે ધીમે અંદર ફેલાય છે જેમાંથી આવનારા લોકોનાં પગલાં આખી ઓફિસમાં ફ્લોરિંગની ટાઇલ્સની ડિઝાઈનમાં ઉમેરો કરતા જાય છે. જતે દહાડે એમાં જો બોસ લપસી પડવાના હોય તો સારું પણ એની રાહ ક્યાં સુધી જોવી ?

એના કરતાં છત્રીની અણિયાળી સાઈડે એક મોટા વાટકા જેવું સાધન હોવું જોઈએ, જેમાં પેલું દદડતું પાણી ભેગું થતું જ રહે ! બોલો, ખોટી વાત છે ?

(5) છત્રી ઉપર સ્લોગનો છાપો

ટી-શર્ટો ઉપર જાતજાતનાં સ્લોગનો હોય (ભલે પહેરનારને પોતાને ય એમાં કશી સમજ ના પડતી હોય) તો છત્રીઓ ઉપર સ્લોગનો શા માટે નહીં ?

‘આઇ લવ ધીસ રેઇન’ તો કોમન થયું પણ ‘મુઝે દુનિયા સે કોઈ ‘ગીલા’ નહીં’... ‘આઈ એમ ‘વેટ’, આઈ કાન્ટ ‘વેઇટ’’... ‘માય ફન્ડા ઇઝ માય છત્રી કા ફંડા’... ‘આઇ એમ યોર ‘અન્ડર કવર' એજન્ટ’’... ‘મૈં એક લડકી ભીગી ભાગી સી...’

કેમ લાગે છે આઇડીયા ?

(6) હેન્ડઝ ફ્રી છત્રી !

છત્રીને એક હાથ વડે પકડવી જ પડે, એવું શા માટે? ‘હેન્ડ્ઝ ફ્રી’ છત્રી બનાવો ને ? ખભા ઉપર ફીટ થઈ જાય એવી !

પણ ના... જતે દહાડે આખેઆખી હેન્ડ્ઝ-ફ્રી કારો બજારમાં આવી જશે પણ હેન્ડ્ઝ-ફ્રી છત્રી નહીં આવે ! લખી રાખજો.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Mannuji hands free umbrella popatlal matha par pahere 6😃 slogan walo idea saro che pan daddta pani mate vatko nahi bottle fit karavo ane last year china wala e chatri jode 5 feet nu plastic joint karelu j full body ne cover kare ema thoda hanger lagadi do lalitbhai aavu innovation tame j karo🤣

    ReplyDelete
    Replies
    1. પોપટલાલ પોતાની બ્રાન્ડ નેમ સાથે એવી છત્રીઓ બજારમાં મુકે તેવી શુભકામના ! બાકી વિડિયોમાં તો એટલી બધી 'ઇનોવેટિવ' પ્રોડક્ટો છેલ્લા દસ વર્ષથી જોઈ જોઈને હવે થાક લાગે છે કે આમાંથી એકાદ બે પણ બજારમાં ક્યારે વેચાતી મળતી થશે ? 🤔🤔🧐🧐🙄🙄

      Delete
  2. Sachi vaat point to be noted

    ReplyDelete

Post a Comment