આપણી ગુલામી માનસિકતાનો વધુ એક નમૂનો થોડા સમય પહેલાં જોવા મળ્યો. આપણી હિન્દી ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાયી’નું સુપરહિટ ક્લાસિક ગાયન ‘અજીબ દાસ્તાં હૈ યે’ કોઈ ફોરેનના ‘આઇલેન્ડ સોંગ’ નામના ગાયનની કોપી હોવાનો મેસેજ મોબાઇલમાં ફરતો હતો. અમને જરા નવાઈ લાગી એટલે ગુગલમાં ખોતરવાનું શરૂ કર્યું… ત્યારે ખબર પડી કે સાહેબ, અહીં તો ઉલટી ગંગા વહી રહી છે !
‘અજીબ દાસ્તાં…’ ગાયન આવ્યું હતું છેક 1960માં અને આ એનું કહેવાતું ‘ઓરિજીનલ’ ગાયન રિલીઝ થયું છે પહેલી એપ્રિલ 2010માં ! મતલબ કે આપણા શંકર જયકિશન ફક્ત આ ધૂનની ચોરી કરવા માટે પૂરા 50 વરસનું ‘ટાઇમ-ટ્રાવેલ’ કરીને ફ્યૂચરમાં ધસી આવ્યા હતા ? ભૈયા, કહતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના !
મઝાની વાત તો એ છે કે બિચારા ઓ.પી. નૈયર પણ આ ‘ટાઈમ-ટ્રાવેલ’માં સંડોવાયા હતા ! જી હા, એ જ ‘ધ કોલ ઓફ સ્પ્રીંગ’ નામના આલ્બમનું એ જ નામનું ગાયન બિલકુલ ‘પુકારતા ચલા હું મૈં…’ ને સેમ ટુ સેમ મળતું આવે છે ! જરા વિચારો, નૈયર સાહેબ 1965માં આ ગાયનની ચોરી કરવા માટે 2010માં દોડી આવ્યા હતા !
હજી ઊભા રહો, ભારતીય સંગીતને ભિખારી સમજનારાઓ ! એ જ આલ્બમનું ‘માય હેપ્પીનેસ’ નામનું ગાયન પણ ‘જવાનીયાં યે મસ્ત મસ્ત બિન પિયે’ માટે ચોરી થયું હતું ! આ ગાયનની ધૂન ચોરવા માટે એ જ ઓ.પી. નૈયર સાહેબ 1957માંથીદોડતા આવીને 2010નું વિદેશી ગાયન ઉઠાવી ગયા હતા, રાઈટ? (ફિલ્મ : તુમ સા નહીં દેખા) સાલું, શું ગજબનું આલ્બમ હશે નહીં ? ત્રણ ત્રણ હિન્દી ગાયનોની ચોરી જેમાંથી શરૂ થઈ એનાં સંગીતકાર બહેન, નામે અલીશા રોમ તો રોમરોમમાંથી ચોરી કરવા લાયક ધૂનો બનાવતાં હશે નહીં ?
આખી વાત અવળા હાથે કાન પકડતા હોઈએ એ રીતે કરવાનું કારણ માત્ર એટલું જ કે આપણી ઇન્ડિયન પબ્લિક કશું પૂછ્યા ગાછ્યા કે તપાસ્યા વિના માની જ લે છે કે આપણાવાળા એટલે ચોર જ હોય !
અમે અગાઉ પણ લખી ચૂક્યા છીએ અને ફરીથી લખીએ છીએ કે હિન્દી ફિલ્મોમાં સંગીતકાર બનવું એ કંઈ ખાવાના ખેલ નથી. એમનો માઈકલ જેકસન ભલે આખી દુનિયામાં કરોડો રેકોર્ડ વેચવાનો રેકોર્ડ ધરાવતો હોય પરંતુ એમના એલ્વીસ પિસ્લીઓ, બિટલ્સો કે મેડોનાઓ જો જીંદગીભર એક જ પ્રકારનું (એક જ શૈલીનું) મ્યુઝિક પીરસ્યા કરે તો એમનું કામ ચાલી જાય છે. પણ ભારતમાં જો સફળ થવું હોય તો સ્લો કરૂણ ગાયનો, ફાસ્ટ ડાન્સના ગાયનો, ચટાકેદાર લોકગીત જેવાં ગીતો, મેલોડીયસ રોમેન્ટિક ગાયનો અને યસ, ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ધૂનો પણ બનાવવી પડે. ટુંકમાં, અહીં ઇન્ડિયામાં સૂંઠને ગાંગડે સંગીતની દુકાન ચલાવી શકાય નહીં. અહીં તો સંગીતનો આખો ‘મૉલ’ ચલાવવો પડે, ભાઈ !
ઉલટી ગંગાની વાત માંડી છે તો વધુ બેચાર નમૂના જોઈ લઈએ. એમાં સૌથી ચકચાર જગાવી ગયેલો કિસ્સો આપણા ભપ્પી લાહિરીનો છે ! (જી હા, ‘ચોર કે ઘર ચોરી’ જેવો ઘાટ છે.) 1990માં આવેલી સની દેઉલની ફિલ્મ ‘ઘાયલ’નું એક ગાયન ‘સોચના ક્યા જો ભી હોગા દેખા જાયેગા’ શી ખબર કઈ રીતે વિદેશોમાં પહોંચ્યું પણ મેઈડ ઈન ચાઈનાનાં જે કારનાં રિવર્સ હૉર્ન આવતાં હતાં એમાંય આ ટ્યૂન વાગતી હતી ! (સંગીતરસિયાઓને જરૂર યાદ હશે.) એટલું જ નહીં, નવા નવા નોકિયા ટાઇપના મોબાઈલ ફોનો આવ્યા ત્યારે પણ આ ટ્યૂન રીંગટોન તરીકે ફરતી હતી !
હવે મઝા એ થઈ કે અમેરિકાની મહાફેમસ સિંગર જેનિફર લોપેઝે એ ટ્યૂન પોતાના ગાયન ‘ઓન ધ ફ્લોર’માં સીધે સીધી ઉઠાવી લીધી ! આ બાજુ આપણા લાહિરી બાબાએ કેસ ઠોકી દીધો ! છેવટે સેટલમેન્ટમાં શું થયું તે ખબર નથી !
બીજો કિસ્સો પણ સોનાનાં દોઢ કિલો ઘરેણાંધારી લાહિરીનો જ છે. છેક 1981માં આવેલી ફિલ્મ ‘જ્યોતિ’ તો સાવ ફ્લોપ હતી પણ એનું એક ગાયન ‘કલિયોં કા ચમન તબ બનતા હૈ’ મારું બેટું હિટ થઈ ગયું. આગળ જતાં એનાં રિ-મિક્સ વિડીયો આલ્બમો પણ ચાલતાં હતાં. હવે મઝા જુઓ, 2002માં ડોક્ટર ડ્રે નામના ગાયકે ‘એડિક્ટીવ’ નામના ગાયનમાં ‘ભૂલથી’ ઉઠાંતરી કરી ! પરિણામ એ આવ્યું કે ભારતની રેકોર્ડિંગ કંપની પોલિડોરે અમેરિકામાં કેસ ઠોક્યો અને વટ કે સાથ લાખો ડૉલરની રોયલ્ટી અને દંડ વસૂલ કરી લીધો !
હવે છેલ્લે શંકર જયકિશન ઉપર પાછા આવીએ. ‘ગુમનામ’ ફિલ્મનું ધનાધન ડાન્સ સોંગ ‘જાન પહેચાન હો..’ને બા-કાયદે પરમિશન લઇને ‘ઘોસ્ટ વર્લ્ડ’ ફિલ્મમાં એક ડાન્સ પાર્ટીના સીનમાં વપરાયું છે ! એટલું જ નહીં, ‘હાઇનેકિન' નામના બિયરની એડમાં પણ એ ગીત વપરાયું છે. જરા યુ-ટ્યુબમાં સર્ચ કરી જોજો, અમુક વિદેશી જાઝ-બેન્ડ આ ગાયનને હજી મ્યુઝિક ફેસ્ટિવલોમાં રજુ કરે છે ! એટલું જ નહીં, એ ધોળિયા ગાયકો ગાયનના હિંદી શબ્દો પણ વ્યવસ્થિત રીતે ગોખીને ગડબડિયા ઉચ્ચારો વડે ગાય છે ! બોલો.
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
" घर की मूर्गी दाल बराबर " એ કહેવત મુજબ આપણા હિન્દી ફિલ્મ સંગીત કારો ની મૌલિક અસલી ધૂન ની નકલ વિદેશોમાં થતી હોવા છતાં આપણા લોકો ની માનસિકતા જ એવી છેકે આપણા સંગીતકારો ને ઉતારી પાડવા !!- શશિકાન્ત મશરૂ( જામનગર)
ReplyDeleteસાચી વાત છે. ભારતીય ફિલ્મ સંગીતની દુનિયામાં જે કદર થવી જોઈએ તે કદી થઈ જ નથી. ઉપરથી આપણા જ લોકો તેને ઉતરતી કક્ષાનું માનીને તૂચ્છકારભાવથી જુએ છે.
DeleteKhsrekhar aapne aapna desh ni talent ni kadar karvama sav pachat chiye
ReplyDeleteવાત તો સાચી છે પણ હજી મોડું થયું નથી. શરૂઆત હવે પણ કરી શકાય.
DeleteSachi vaat... 👍
ReplyDelete