જુનાં નાટકો, નવા કલાકારો !

હાલ તો 50 ટકા હાજરી સાથે ગુજરાતી નાટકોના શો શરૂ થયા છે પરંતુ દેશમાં 135 કરોડ પ્રેક્ષકો સમક્ષ અમુક જુનાં નાટકો નવા કલાકારો સાથે ભજવાઈ રહ્યાં છે ! જુઓ…

***

‘છાનું તે છપનું કંઈ થાય નહીં’

કલાકારો : પિગાસસ સ્પાયવેર, 155 નેતાઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ

આ સસ્પેન્સ નાટકનાં રિહર્સલો ચૂપચાપ ચાલી રહ્યાં હતાં ! ગુપ્ત રીતે સ્ક્રીપ્ટો પણ વંચાઈ રહી હતી ! પરંતુ હાલમાં આ નાટક બહાર પડી ગયું છે ! સરકાર કહે છે કે આવું કોઈ નાટક છે જ નહીં પણ વિરોધ પક્ષો કહે છે કે અમારા ડાયલોગ બીજા કોઈ સાંભળી જાય એવું નાટક અમે નહીં ચલાવી લઈએ.

સસ્પેન્સ સાથે કોમેડી એ છે કે 135 કરોડ પ્રેક્ષકોને તો કોઈ ‘ડાયલોગ’ સાંભળવા જ નથી મળ્યા !

***

‘જલ્દી કર, કોઈ જોઈ જશે’

કલાકારો : રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી તથા અન્ય અજાણી સુંદરીઓ

આ પણ એક જાતનું સસ્પેન્સ નાટક જ છે ! જેણે જોયું નથી એના માટે સસ્પેન્સ છે અને જેમણે જોયું છે એમના માટે ‘કામશાસ્ત્ર’ નામના ગ્રંથનાં માત્ર નાનાં નાનાં પ્રકરણો છે !

કોમેડી આમાં પણ એ જ છે કે પ્રેક્ષકોની જોરદાર ડિમાન્ડ હોવા છતાં તેના ‘શો’ થઈ શકતા નથી !

***

‘રમત શૂન-ચોકડી’

કલાકારો : મમતા બેનરજી અને મોદીજી

આમ જોવા જાવ તો માત્ર બે જ પાત્રોનું નાટક છે પરંતુ બંગાળમાં સુપરહિટ છે ! એક પાત્ર બીજા પાત્રની તમામ ચાલ ઉપર ચોકડી મારતું રહે છે અને બીજું પાત્ર પહેલા પાત્રને હંમેશા શૂન્ય જ ગણે છે !

***

‘એકબીજાને ગમતા રહીએ’

કલાકારો : અઢાર વિરોધપક્ષના આડત્રીસ નેતાઓ

આ એક કરૂણ લવ-સ્ટોરી છે. આમાં દરેક કલાકાર ઇચ્છે છે કે આપણે એકબીજામાં મળી જઈએ અને ખાઈ-પીને ‘રાજ’ કરીએ ! પરંતુ દરેક વખતે પ્રેમમાં મોહભંગ થાય છે અને વારંવાર ‘બ્રેક-અપ’ થતાં રહે છે.

***

‘ગુજ્જુભાઈ બન્યા દબંગ’

કલાકારો : નરેન્દ્ર મોદી અને અમિત શાહ

2014થી આખા ઇન્ડિયામાં સુપરહિટ બનેલા આ નાટકને બંગાળમાં થોડો ઓછો રિસ્પોન્સ મળ્યો છતાં આ જોડીની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. અમુક વિવેચકો આના પ્રેક્ષકોને ‘ભક્તો’ કહે છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments