બધું સરખું જ છે !

ક્યારેક લાગે છે કે છોડો ને યાર… બધું સરખું જ છે ! જુઓ ને…

***

નોટબંધી વખતે ભારતની બેન્કોમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાની કેશ જમા થઈ ગઈ હતી…

...હવે ખબર આવ્યા છે કે ભારતના ખેડૂતો જ 17 લાખ કરોડનું દેવું કરીને બેઠા છે !

- બધું સરખું જ છે !

***  

લોકડાઉન વખતે પતિઓ નાછૂટકે કચરાં અને પોતું કરતાં શીખી ગયા હતા…

… હવે જ્યાં માંડ માંડ ઓફિસો શરૂ થઈ છે તો ખબર પડે છે કે પટાવાળાઓને કાઢી મુક્યા છે !

- બધું સરખું જ છે !

***

‘સ્કીલ ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા પ્રોગ્રામો જોરશોરથી ચલાવ્યા છતાં કારીગરોની અછત એવી ને એવી જ છે…

… એમાં ખબર પડે છે કે અમુક ‘કારીગરો’ ઓનલાઇન ફ્રોડ કરીને વરસે 5600 કરોડ રૂપિયાની રોજગારી રળી લે છે !

- બધું સરખું જ છે !

***

ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ તમને ભોળવીને ટુકડે ટુકડે કરીને તમારી પાસેથી લાખો રૂપિયા કઢાવી લે છે…

… જ્યારે સરકાર ટુકડે ટુકડે પેટ્રોલ ડિઝલના ભાવો વધારીને તમારી પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લે છે !

- બધું સરખું જ છે !

***

ફેસબુક અને ગુગલ જેવાં એપ તમારી ઝીણી ઝીણી માહિતીઓ ભેગી કરીને મોટી મોટી કંપનીઓને વેચી દે છે…

… બીજી બાજુ પેગાસસ જેવા સ્પાયવેર વડે મોટી મોટી હસ્તિઓની ઝીણી ઝીણી જાસૂસી થયા કરે છે !

- બધું સરખું જ છે !

***

એક બાજુ કહે છે કે બેરોજગારી છે, લોકો પાસે કામધંધા નથી…

… તો બીજી બાજુ આંકડા કહે છે કે ભારતના 65 કરોડ જેટલા લોકો મોબાઈલમાં રોજના સરેરાશ 4-5 કલાક લગી શી ખબર શું ‘કામધંધો’ કરે છે !

- બધું સરખું જ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments