ખાતાં વિશેના સવાલો !

રાજકીય પંડિતો, વિચારી રહ્યા છે કે મોદીજી આ વખતે કયુ ખાતું કોને આપશે અને કોની પાસેથી કયુ ખાતું જતું રહેશે ?

જોકે અમે તો રાજકીય ડોબા છીએ એટલે અમને હજી ખાતા વિશેના પાયાના જ સવાલો થયા કરે છે. જેમકે…

***

પહેલો સવાલ તો એ થાય છે કે ‘બાંધકામ ખાતાં’ની ઓફિસોનાં મકાનો કેમ હંમેશા ખખડી ગયેલાં હોય છે ?

***

નાણાં ખાતાના કર્મચારીઓ જ્યારે લંચ પડે ત્યારે શું ‘ખાતા’ હશે ?

***

અને ગૃહખાતાનું નામ ‘ગૃહ’ ખાતું શા માટે છે ?

બોમ્બધડાકા, રમખાણો, પથ્થરમારો, આગજની, ગોળીબારો, ટિયરગેસ, લાઠીચાર્જ… આ બધું તો ‘ઘર’ની બહાર થાય છે !

***

અને યસ, ગૃહખાતાને અંગ્રેજીમાં ‘હોમ’ ડિપાર્ટમેન્ટ કહે છે. તો યાર, સવાલ એ છે કે ખાતામાં બેસીને જે કામ થાય છે તેને ‘ઓફિસવર્ક’ કહેવાય કે ‘હોમવર્ક ’ ?

***

એન્ટી કરપ્શન ખાતું, યાને કે, લાંચ રૂશ્વત વિરોધી ખાતાના કર્મચારીઓ લાંચ ક્યારે લેતા હશે ? ડ્યૂટી પુરી થાય પછી ?

***

એન્ડ યસ, વિદેશખાતામાં વિદેશીઓને કેમ નોકરી નથી આપતા ?

(આ ડિમાન્ડ બાંગ્લાદેશીઓએ કરી છે !)

***

હવામાન ખાતું જ્યારે ભારે વરસાદની આગાહી કરે છે ત્યારે તેમની પોતાની ઓફિસોમાં રજા કેમ નથી રાખતા ?

***

અચ્છા, પેટ્રોલ ડિઝલના ભાવ તો સતત વધતા જ રહે છે, તો પેટ્રોલિયમ ખાતાના કર્મચારીઓનું પ્રવાસ ભથ્થું શા માટે જોડે જોડે નથી વધતું ?

***

અને સંરક્ષણ ખાતાવાળાએ શું કરવાનું ? રોજ બુલેટપ્રુફ જાકીટ પહેરીને ઓફિસે આવવાનું ?

***

બોસ, હવે એમ ના કહેતા કે નાગરિક ઉડ્ડયન ખાતાના કર્મચારીઓ કેમ ઊડીને ઓફિસે આવતા નથી ?

***

- મન્નુ શેખચલ્લી

Comments