અમે પેલા વિડીયોમાં જોયું કે એક ભજીયું ઓક્સિજન અને હાર્ટ-બિટ્સ માપવાના પેલા કપડાં સૂકવવાની ક્લિપ જેવા યંત્રમાં ‘શ્વાસ’ લઈ રહ્યું છે ! એ જ ઘડીએ અમારા જિનિયસ દિમાગે ઇન્વેસ્ટિગેટિવ સાયન્સને ફોરેન્સિક લેબોરેટરીમાંથી બહાર કાઢીને ભજીયામાં વાપરવાનું શરૂ કરી દીધું હતું !
ફોરેન્સિક લેબોરેટરીમાં તો એ શોધવામાં આવે છે કે મર્ડર શી રીતે થયું ? પણ અહીં તો આ ભજીયું ‘જીવતું’ હતું ! ભલે ચાઈનિઝ તો ચાઈનિઝ, પણ એ ઓક્સિમીટરમાં ભજીયું ‘શ્વાસ’ લેતું હતું ! એનો મતલબ શું થયો ?
જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે તો માત્ર એટલું જ સાબિત કરેલું કે વનસ્પતિમાં જીવ હોય છે પણ અહીં તો એ સાબિત થયું કે ભજીયામાં પણ ‘જીવ’ હોય છે ! અમે શોધી કાઢ્યું કે ભજીયું હવામાંથી ‘ભેજ’ ગ્રહણ કરવાની ટેકનિક વડે ‘ઓક્સિજન’ મેળવે છે !
આખરે ભેજ શું છે ? પાણી જ ને ? H૨O ! ભજીયું ભેજમાંથી (ભેજામાંથી નહીં, યાર) ઓક્સિજન છૂટો પાડીને શ્વાસમાં લઈ લે છે અને હાઈડ્રોજન ઉર્ફે પાણી પચાવીને પોતે પોચું પડી જાય છે. તમે આ ચોમાસાની સિઝનમાં ખાસ માર્ક કરજો કે ભજીયું તળાયા પછી તો કકરું હોય છે પણ ધીમે ધીમે પોચું કેમ પડી જાય છે ? કેમ કે એ શ્વાસ લે છે !
ઉત્તર ભારતમાં પકોડાના નામે ઓળખાતો આ જીવ દક્ષિણ ભારતમાં ‘અયૈયો પકોડા’ના નામે ઓળખાય છે. ગુજરાતમાં તે ભજીયાં, ગોટા, વડાં કે દાળવડાનાં નામે ઓળખાય છે. આ ભજીયામાં જીવ છે એવી શંકા અમારા પહેલાં ગીતકાર હસરત જયપુરીને પણ પડી ગઈ હતી !
એમણે ‘જીયા’ એટલે કે ‘જીવ’ને પૂછ્યું હતું ‘જીયા હો જીયા કુછ બોલ દો…’ (હકીકતમાં તો જયપુરી સાહેબ ગાયનના ‘બોલ’ માગી રહ્યા હતા) તે વખતે શંકર જયકિશનના મ્યુઝિક રૂમમાં ગુજરાતી જયકીશનજીએ જે ભજીયાં મંગાવીને રાખ્યાં હતાં. તેમાંનું એક ભજીયું જીવમાં જીવ આવતાં બોલી ઊઠ્યું હતું : ‘ભ-જીયા… ભ-જીયા… તોલ દો !’
જોકે ગાયનની સિચ્યુએશનમાં ભજીયાં સેટ નહોતાં થતાં. કેમ કે દેવઆનંદ ટ્રેનના છાપરા ઉપર બેઠો બેઠો ગાયન ગાય છે. ત્યાંથી ભજીયું તો હવામાં જ ઊડી જાય, એટલે હસરત જયપુરીએ શબ્દો બદલી નાંખ્યા.
મોહેં-જો-દારોમાં જે ખોદકામ થયું ત્યાં તો કોઈએ સરખી તપાસ જ નથી કરી. પરંતુ આપણા ગુજરાતના ધોળાવીરામાં થયેલા ખોદકામમાં ભજીયાંના અવશેષો મળી આવ્યા છે ! હકીકતમાં શરૂઆતમાં એ લોકો એમ માનતા હતા કે આ કંઈ વિચિત્ર આકારના કાંકરા જ છે પરંતુ અમે જાતે ત્યાં જઈને જે કાંકરા ઉઠાવી લાવ્યા હતા.
તેનું ‘બાયોસ્કોપિક’ એનાલિસિસ કરતાં ખબર પડી કે બોસ, આ તો એ જ વસ્તુ છે જેને આજે આપણે ‘સિંગ-ભૂજિયા’ કહીએ છીએ ! (જોયું ? આકાર પણ સેઈમ છે ને ?) આથી સાબિત થાય છે કે તે વખતે પણ ગુજરાતમાં દારૂબંધી હશે અને પોલીસની રેડ પડે ત્યારે લોકો દારૂ ગટરમાં રેડી દેતા હશે અને સિંગ-ભૂજિયાં ગલીમાં ફેંકી દેતા હશે.
એ સિંગ-ભૂજિયાનું ચણાના લોટનું પડ સમય જતાં પથ્થરનું સ્વરૂપ ધારણ કરી બેઠું ! પણ બોસ, જરા વિચાર કરો, અંદર ફસાયેલી શીંગનો જીવ આજે કેટલી સદીઓ પછી અમારી આ થિયરીને સાચી સાબિત કરવા માટે ઝઝૂમતો હતો !
આવું બધું ગાંધીનગરની ફોરેન્સિકવાળાને ના સમજાય. અમે તો ‘સીઆઈડી’વાળી લેબમાં જ એનાલિસિસ કરાવીએ છીએ. એ માણસે તો અમને ત્યાં સુધી કીધું કે આ શીંગના ફોતરાનું ડીએનએ બતાડે છે કે ભૂજિયું ઉતાવળમાં દારૂના ગ્લાસમાં પડી ગયું હશે !
ભાષાના એંગલથી જુઓ તો પણ અમારી થિયરી તમને મજબૂત લાગશે કેમકે ભજીયાં ખાધા પછી સૌને ‘જીવમાં જીવ’ આવ્યો એવી ફિલીંગ થાય છે. તમે નહીં માનો, પણ મુકેશભાઈએ એમના મોબાઈલ નેટવર્કનું નામ ‘જિયો’ ત્યારે જ પાડ્યું હતું જ્યારે ભીની વરસાદી મોસમમાં નીતાભાભીએ ગરમાગરમ ભજીયાંની ડીશ એમના હાથમાં પકડાવતાં આશીર્વાદ આપ્યા હતા કે ‘લો… અબ જી ભર કે જીયો !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Wah wah shu lakhyu che bapu monan jo dado ma bhajiya na avshesho salam mannuji
ReplyDeleteThank you so much !
Deleteઆ ભજીયા વિષે તમારા ખાસ હિતેચ્છુ એવા રણઝણસિંહ બાપુ શું કહેછે? - શશિકાન્ત મશરૂ
ReplyDelete