અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે યાર, જાણે આપણા ઘા ઉપર કોઈ મીઠું ભભરાવી રહ્યું છે… જુઓ.
***
એક તો…
રાજ કુન્દ્રાની વેબસાઈટની સરખી લિંક નથી મળતી, એનું પેલું એપ પણ જડતું નથી…
એમાં ઉપરથી…
શિલ્પા શેટ્ટી કહે છે કે એમાં પોર્ન-બોર્ન જેવું કશું જ નથી. બધી માત્ર સોફ્ટ ઇરોટિક ફિલ્મો જ છે ! બોલો.
***
એક તો…
પેટ્રોલ-ડિઝલના ભાવ આટલા બધા શા માટે વધારી રાખ્યા છે, તે સમજાતું નથી…
એમાં ઉપરથી…
દેશભક્તો આપણને સમજાવે છે કે ભઈ, મોંઘા ભાવના પેટ્રોલ-ડિઝલ ખરીદવાથી કોરોના સામે લડવામાં તમે મદદ કરી રહ્યા છો ! બોલો.
***
એક તો…
આટલા વખતથી આપણે ગૂંચવાયા કરતા હતા કે સરકારે પેલાં જે મસ્ત ચાઇનિઝ એપ્સ બાન કરી દીધાં તે વળી શું આપણી જાસૂસી કરી જતાં હશે…
એમાં ઉપરથી…
એવી ખબરો આવે છે કે ખુદ સરકાર જ પેગાસસ નામના એપથી જાસૂસી કરાવે છે ! બોલો.
***
એક તો…
માળિયેથી નીચે ઉતારેલી છત્રીમાં કાણાં નીકળ્યાં હોય અને કબાટમાંથી કાઢેલો રેઇનકોટ ઠેકઠેકાણેથી સડેલો નીકળ્યો હોય…
એમાં વળી…
હવામાન ખાતાની આગાહી જે દહાડાની હોય એ દહાડે તો વરસાદ જ નથી પડતો ! બોલો.
***
એક તો…
પત્ની પોતાનું વજન ઉતારવા માટે ઉપવાસ કરવાને બદલે મોબાઇલમાં દોઢ કલાક લગી ‘લો કેલેરી ડાયેટ’વાળી વાનગી બનાવ્યા કરતી હોય…
એમાં વળી…
રાત્રે જમવામાં એજ ફીક્કી વાનગી ‘આપણી’ થાળીમાં મુકી હોય ! બોલો.
***
એક તો…
યુવાનો સોશિયલ મિડીયાથી કંટાળીને ફ્રેન્ડોને અને ગર્લ ફ્રેન્ડોને મળવા માટે કોલેજમાં ગયા હોય…
એમાં વળી…
કહેવામાં આવે કે ભઈ, ‘સોશિયલ ડિસ્ટન્સ’ રાખો ! બાપલ્યા, જવું ક્યાં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment