દુનિયાની બિન-ઓલિમ્પિક ગેઇમ્સ !

ઓલિમ્પિક્સની રમતો સિવાય પણ અમુક ઇન્ટરનેશનલ રમતો એવી છે જે મેદાનમાં નહીં પણ બીજે ઠેકાણે સતત રમાતી આવી છે…

***

ખોટા નક્શાની રમત

આ એક બાલિશ રમત છે જે ચીન, પાકિસ્તાન અને અમુક વિદેશી એપ્સ ભારત સાથે વરસોથી રમ્યા કરે છે. ભારતની સરહદો ખોટી રીતે ચીતરવાથી વાસ્તવિક્તામાં કશો ફરક પડતો નથી પણ ટીખળી બાળકની માફક એમને સળી કરવાની મઝા પડે છે.

***

બાય-લેટરલ રિલેશનની રમત

આ નવરા અને પતી ગયેલા મોટી ઉંમરના રાજદ્વારી નેતાઓની બાળ-રમત છે ! આમાં હકીકતમાં એકબીજાના દેશમાં ટુરિસ્ટની જેમ ફરવાનું બહાનું હોય છે બાકી સંબંધો મજબૂત બનાવવાને નામે ફાલતુ ફાઈલોમાં સહી કરીને માત્ર ફોટા પડાવે છે !

***

સુખના સરવે કરવાની રમત

હજારો માઈલ દૂર બેઠાં બેઠાં માંડ હજાર બે હજાર લોકોના ઓનલાઇન સરવે કરીને એ લોકો દુનિયાના અબજ લોકોના હેપ્પીનેસ ઇન્ડેક્સ તથા ભ્રષ્ટાચારના ઇન્ડેક્સો બહાર પાડવાની રમત રમ્યા કરે છે. આમાં સુખી દેશોને કોઈ ફેર પડતો નથી અને દુઃખી દેશના સુખી લોકો અમથા અમથા દુઃખી થયા કરે છે.

***

કાશ્મીર સંગીત સ્પર્ધા

દર છ મહિને એક દેશ ઊંચા અવાજે કાશ્મીર નામનો રાગ આલાપવાનું શરૂ કરે છે ! તરત જ બીજા દેશો એમાં સૂર પુરાવવાનું ચાલુ કરે છે ! ભારત તબલાંની થાપ વડે તેને તોડી પાડવાના પ્રયાસ કરે છે અને યુનોમાં તેના પડઘા પડતા રહે છે…

***

ગોળા-ગરમીની રમત

અંગ્રેજીમાં એને ગ્લોબલ વોર્મિંગ કહે છે. આ રમત દર વરસે એકાદ ઠંડા દેશમાં જરૂર રમાય છે. અહીં દુનિયાના મોટા મોટા નેતાઓ પધારે છે અને બડી ઠંડકથી પૃથ્વી ગરમ થઈ રહી છે તેની ચિંતા કરવાની રમત રમીને છૂટા પડે છે.

***

ફેવર્ડ નેશનની રમત

મોટા દેશો નાના દેશોને પહેલાં ખોળામાં બેસાડીને રમાડે છે અને પછી એ જ દેશોના ઉત્પાદનોની આયાત ઉપર બાન મુકીને આંગળી વડે ગોદા મારવાની મઝાઓ લે છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments