વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલમાં બહુ ઠંડકથી હારી ગયા પછી હવે ધીમે ધીમે ચર્ચાઓમાં ગરમી આવી રહી છે ભઈ, આપણે કેમ હાર્યા ? ટીમમાં શું લોચા હતા ? સ્ટ્રેટેજીમાં ક્યાં માર ખાધો ? વગેરે…
અમે કહીએ છીએ કે આવી ચર્ચાનો કશો અર્થ જ નથી કેમકે ભારતીય ક્રિકેટના નિયમો મુજબ જ આ બધું ચાલી રહ્યું છે ! જુઓ…
***
નિયમ : (1)
ટીમ હારે ત્યારે કેપ્ટને હાર માટે બે જ કારણો આપવાના હોય છે. (1) બેટ્સમેનો નિષ્ફળ ગયા. (2) બોલરો નિષ્ફળ ગયા.
(તાજું ઉદાહરણ : વિરાટ કોહલી)
***
નિયમ : (2)
ટોપ લેવલના બેટ્સમેનો હંમેશાં ‘ટીકાકારોને ચૂપ કરવા’ માટે જ સેન્ચુરી કે હાફ સેન્ચુરી ફટકારશે. વચ્ચેના સમયમાં સોશિયલ મિડીયામાં ટાઇમપાસ કરશે.
(તાજું ઉદાહરણ : વિરાટ કોહલી)
***
નિયમ : (3)
હાર હોય કે જીત હોય, ઇન્ડિયન ટીમ હંમેશાં રેકોર્ડ રચવા માટે જ રમતી હોય છે.
(તાજું ઉદાહરણ : આપણે ‘પહેલો ટેસ્ટ વર્લ્ડ-કપ’ રમીને હારી ગયા.)
***
નિયમ : (4)
આપણો એક ગોલ્ડન રૂલ છે, જીતવા માટે ગમે એટલી મહેનત કરવી પડે તો કરવાની ! પણ હારતી વખતે જરાય મહેનત નહીં કરવાની !
(તાજું ઉદાહરણ : ઓસ્ટ્રેલિયાની સિરીઝ અને WTCમાં ધબડકો.)
***
નિયમ : (5)
ઇન્ડિયન ટીમ આશ્ચર્યો આપવામાં જ માને છે. આપણે હંમેશા એ રીતે હારીએ છીએ કે સામેની ટીમ (અને સટ્ટો રમનારા પંટરો) આશ્ચર્યમાં જ રહી જાય !
(તાજું ઉદાહરણ : WTCનો છેલ્લો દિવસ)
***
નિયમ : (6)
આપણી ટીમ તાજા ઉદાહરણોમાંથી કશું શીખતી જ નથી.
(તાજું ઉદાહરણ : જવા દો ને…!)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment