એ જમાનાનાં થિયેટરોનો મીઠો ત્રાસ !

આજના વડીલો જુના જમાનાનાં થિયેટરોમાં ફિલ્મો જોવાના જે લ્હાવા હતા તેને યાદ કરીને ‘ઓહો… આહા…’ કરતાં થાકતા નથી. પણ ભાઈ, અમને તો એ થિયેટરોનો ભારે ત્રાસ હતો !

એક તો નવું નવું પિક્ચર પડ્યું હોય તો એડવાન્સ બુકીંગની બારી 'મહુરત' કરવા પૂરતી જરીક ખુલે અને માંડ પંદર ટિકીટો વેચાય ત્યાં તો બંધ થઈ જાય ! પછી ‘બ્લેક’માં ટિકીટો લેવાની ! અને ટિકીટો પણ કેવી ? એનાં ત્રણ ફાડિયાં હોય ! ગુલાબી, લીલા કે ભૂરા કલરનો કાગળ પણ એવો સસ્તો હોય કે ભૂલથી જો ભાઈબંધો વચ્ચે ખેંચમતાણી થાય તો એના અવશેષો શોધ્યા ના જડે !

ત્રણ ફાડિયામાંનું પહેલું ફાડિયું બુકીંગ કરનારો બાબુ રાખે. બીજા બે ફાડિયામાં હાથ વડે જે સીટ નંબર લખ્યો હોય તેમાં એવા ગડબડિયા અક્ષર હોય કે અંદર ગયા પછી ઝખ મારીને પેલા બેટરીવાળા ડોરકીપરને બતાડવી પડે.

ડોરકીપર પણ બેટમજી રંગીન કાગળિયામાં નંબર જોતાં પહેલાં આપણા ડાચાં ઉપર લાઈટ મારે ! જાણે કે આપણી ‘ઔકાત’ માપતો હોય, કે ભઈ, આ નમૂનો અપર-સ્ટોલમાં બેસાડવાને લાયક છે ખરો ? (બાલ્કનીમાં પબ્લિક ઓછી હોય ત્યારે એ ખાસ બૈરાંઓનાં મોં જોવા જ બેટરી લઈને ઊભો હોય ! અને ભીડ સાવ ઓછી હોય ત્યારે કપલિયાં ઉપર ઉપકાર કરતો હોય એમ બાલ્કનીના છેક દૂરના છેડે ‘મુકવા’ પણ આવે ! જાણે કે ‘કન્યાવિદાય’ કરતો હોય ! )

અમુક થિયેટરોની સીટો પણ ફિલ્મી વિલનો કરતાં વધારે જુલમ કરતી હતી. કોઈમાં માંકડ હોય, કોઈની સ્પ્રીંગ છટકેલી હોય (એ પણ નીચેની!) કોઈ સીટ ડાબી બાજુ નમી જતી હોય તો કોઈ હંમેશાં જમણેરી હોવાની ! અરે, અમુક સિનેમા રસિયાઓને તો સીટ નંબર સાથે યાદ રહેતું કે કઈ સીટનું પુશ-બેક ધકેલવા જતાં તે ‘લસરપટ્ટી’ જેવી બની જાય છે !

એમાંય વળી બે સીટો વચ્ચે હાથ ટેકવવાનો ડંડો એક જ ! (વિમાનમાં પણ એક જ હોય છે, ભઈ !) પણ, ભૂલતા નહીં, એ ડંડા ઉપર હજારો પ્રેક્ષકોના પરસેવો રેડાયેલો રહેતો, જેથી થિયેટરોની ધૂળ અને પ્રેક્ષકોના પરસેવાના મિશ્રણ વડે ડંડા ઉપર કાળા રંગનો એક પરમેનેન્ટ થર બાઝેલો રહેતો.

જેમ સ્વર્ગમાં જવા માટે વૈતરણી પાર કરવી પડે છે એમ ટિકીટ લીધા પછી કંઈ સીધા અંદર બેસવા મળતું નહોતું. અહીં તો ત્રણ ત્રણ વૈતરણી હોય ! સૌથી પહેલાંતો બહાર તડકામાં તપાવીને ખાસ્સો સમય સુધી દાડી મજદૂરોની જેમ તડપાવ્યા કરે. પછી મેઇન ગેટની લોખંડની જાળીઓ ખુલે.

અંદર ગયા પછી તમારે અહીં તહીં ફરીને લાગેલી ફિલ્મના ફોટા જોવાના અથવા 25-50 પૈસામાં મળતું કોલ્ડ-ડ્રીંક ખરેખર પીવાના હોવ એ રીતે તે કાઉન્ટર પાસે રોફથી ઊભા રહેવાનું ! (અમદાવાદના એક ભવ્ય થિયેટરમાં એવા એક કાઉન્ટરના સુંદર કાચ નીચે અમે દર વખતે બે સેન્ડવિચ મુકાયેલી જોતા. તે વખતે અમે એવું માનતા કે આ તો ફક્ત ‘શો’ માટે મુકી છે, જો આપણે એની તરફ આંગળી ચીંધીને ‘ઓર્ડર’ આપીએ તો અંદરથી કોઈ ‘નવી’ બનાવી આપશે !)

એ પછી જ્યારે આગલો શો છૂટે ત્યારે થિયેટરમાં દાખલ થવા માટે ભલે મોટા દરવાજા હોય પણ ખુલે માત્ર એક નાનકડી દરવાજી ! ત્યાં ડોરકીપર ઊભો હોય એ માણસ આપણું ડાચું બેટરી મારીને ‘પાસ’ કરે પછી જ અંદર જવાય !

અંદર જો પંખા ફરતા હોય તો એના કિચૂડ કિચૂડ, ફર્રર્રર્ર, ખર્રર્રર્ર અને અન્ય વાવાઝોડા પ્રકારનાં ઘોંઘાટોને દબાવી દેવા માટે થિયેટરોનાં સ્પીકરોનું વોલ્યુમ હંમેશાં કાનના પડદા ધ્રુજાવી દે તેવું જ રાખવું પડતું ! હા, જો એર-કન્ડીશન્ડ થિયેટર હોય, ફિલ્મ જુની થઈ ગઈ હોય, અને ચાલુ દિવસનો બપોરનો શો હોય તો એમાં માત્ર ‘ઊંઘવા’ માટે આવતા પ્રેક્ષકોનાં નસકોરાં ‘સરાઉન્ડ સાઉન્ડ’માં સાંભળવા મળતાં !

અમુક થિયેટરો ‘એર-કુલ્ડ’ રહેતાં. એમાં શી ખબર શું ટેક્નોલોજી વાપરતા હશે, તે આખા થિયેટરમાં ચોમાસાનું ઝાપટું પડી ગયા પછી અચાનક તડકો નીકળ્યો હોય, તેવી ભેજવાળી છતાં બાફથી ભરેલી ‘હૂંફાળી ઠંડક’ માણવા મળતી હતી !

અને હા, ઇન્ટરવલમાં જો ખરેખર ગરમાગરમ ખારીશીંગ ખાવી હોય તો વધુ એક ભીડની વૈતરણી પાર કરીને, દોડીને બહાર ધસી જવું પડતું હતું, કેમકે, પેલા શીંગવાળાની કોલસા ભરેલી કાળી મટકી નીચેની ‘ગરમ’ શીંગ તો માત્ર શરૂ શરૂના ત્રણ જ ઘરાકને મળતી ! એ પછી તો ‘પ્રસાદ’ના ત્રણ-ચાર દાણા જ ગરમ નીકળતા… જય સિને-માં !

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. E filmo jova ni maza to padi jati hati... 2-3 divas sudhi eni j vato chalti... GHATAK joi ne bahar aave e badha j Sunny Deol jevu feel kare evo nasho hato... 👍

    ReplyDelete
  2. તમે બે ત્રણ દિવસ સુધી નશામાં રહેતા હશો પણ એની આગળની પેઢી (અમે લોકો) છ છ મહિના સુધી નશામાં રહેતા. પહેલા તો ગાયનોનો નશો પછી ફિલ્મ જોયાનો નશો, પછી એની વાતો સંવાદો વગેરે મલાવી મલાવીને ચર્ચા કરવાનો નશો. અને છેલ્લે સિલ્વર જયુબિલી થવાની હોય ત્યારે હરખભેર બીજી ત્રીજી વાર જોઈ નાખવાનો નશો. 😀👌

    ReplyDelete

Post a Comment