ગુજરાતીઓની 'એક્સ્ટ્રા ફ્રી' આદતો !

આપણા ગુજરાતીઓની ખરીદી કરવાની અમુક ટેવો એવી છે કે તે બીજી બીજી ચીજોમાં પણ પહોંચી જાય છે ! જુઓ…

***

આપણે ડોક્ટર પાસે કોરોનાની દવા લીધા પછી આપણું બી.પી. એ રીતે મપાવી લઈએ છીએ…

જે રીતે શાકભાજી લીધા પછી ધાણા માગી લઈએ છીએ !

***

આપણે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરતી વખતે ફ્રી બ્રેક-ફાસ્ટ એ રીતે માગી લઈએ છીએ…

જે રીતે દસ પાણીપુરી ખાધા પછી એક કોરી પુરી માગી લઈએ છીએ !

***

આપણે કાર ખરીદતી વખતે ફોટોફ્રેમ સાથેની સેલ્ફી-પિક એ રીતે માગી લઈએ છીએ…

જે રીતે મોલમાં શોપિંગ કર્યા પછી ફ્રીમાં પ્લાસ્ટિકની થેલી માગી લઈએ છીએ !

***

આપણે મોંઘી હોસ્પિટલમાં ઘુંટણની સર્જરી માટે એડમિટ થતી વખતે કેન્ટિનનું મેનુ એ રીતે પૂછી લઈએ છીએ…

જે રીતે ફ્લાઈટ બુક કરતી વખતે ‘ઇન-ફ્લાઈટ પીણાં’ કેવાં કેવાં મળશે તેની ઇન્ક્વાયરી કરી લઈએ છીએ !

***

અરે, આપણે સાડીના એરકન્ડીશન શો-રૂમમાં ખરીદી કરતી વખતે બધા માટે કોલ્ડ-ડ્રીંક એ રીતે મંગાવી લઈએ છીએ…

જે રીતે ફાફડા સાથે એકસ્ટ્રા ચટણી મંગાવી લેતા હોઈએ છીએ !

***

એ તો ઠીક, આપણે ટ્રેનમાં ગાયન ગાઈને ભીખ માગતા ભિખારી પાસે બે ગાયન વધારે એ રીતે ગવડાવી લઈએ છીએ…

જે રીતે કવિ સંમેલનમાં ફરમાઈશ કરીને કવિ પાસે બે શાયરીઓ વધારે બોલાવડાવી લઈએ છીએ ! બોલો.

(છેલ્લી સરખામણીને ઉલ્ટા ક્રમમાં વાંચવાની મનાઈ છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments