દુકાન અને સ્ટાર્ટ-અપ !

તમે કોઈ દુકાન ભાડે લો એને ‘સ્ટાર્ટ-અપ’ ના કહેવાય…

પણ તમે કોઈ ઓફિસ ભાડે લો, એમાં ઇન્ટિરીયર ડેકોરેશન કરાવો, ટાઈ પહેરનારો સ્ટાફ બેસાડો…

- એને ‘સ્ટાર્ટ-અપ’ કહેવાય !

***

તમે દુકાનમાં વેચી શકાય એવો માલ ભરો, બહાર બોર્ડ મારો, દુકાનમાં ગુમાસ્તો રાખો એને ‘સ્ટાર્ટ-અપ’ ના કહેવાય…

પણ તમે તમારી વેબ-સાઈટ બનાવો, ઇન્સ્ટા-પેજ બનાવો, ફેસબુક-પેજ બનાવો અને કોઈ મિલિયન ડોલર ‘આઇડિયા’ વેચવા નીકળો…

એને ‘સ્ટાર્ટ-અપ’ કહેવાય !

***

તમે ભાડાની દુકાનમાંથી કમાઈને પછી પોતાની દુકાન કરવા માટે બેન્કમાંથી લોન લો એને ‘સ્ટાર્ટ-અપ’ ના કહેવાય..

પણ તમે ઓનલાઇન પ્રેઝન્ટેશનો કરો, ‘ઇન્વેસ્ટર’ પાસે જઈને પ્રેઝન્ટેશન વડે ‘પિચિંગ’ કરો અને તમારો ‘આઇડિયા’ કેટલો જોરદાર છે તે બતાડીને રોકાણ મેળવવા માટે માથાકુટ કરો…

- એને ‘સ્ટાર્ટ-અપ’ કહેવાય !

***

તમે તમારો માલ વધુ વેચાય એ માટે પેમ્ફલેટો છપાવો, ડિસ્કાઉન્ટો ઓફર કરો, ઘરાકો સાથે હસીને વાત કરો, એમના સંપર્કમાં રહેવા માટે ફોન નંબરો સાચવી રાખો, જરૂર પડ્યે છાપામાં સોશિયલ મિડીયામાં જાહેરાતો આપો એને ‘સ્ટાર્ટ-અપ’ ના કહેવાય…

પણ તમે તમારા બિઝનેસના ‘એક્સ્પાન્શન’ માટે ‘માર્કેટ રિસર્ચ’ કરાવડાવો. ગુગલ-ફોર્મ વડે ‘કન્ઝ્યુમર બિહેવિયર પેટર્ન’ કઢાવો, જાતજાતના ચાર્ટ બનાવીને ‘ફયુચર પ્રોજેક્શન’ બનાવો…

- એને ‘સ્ટાર્ટ-અપ’ કહેવાય !

***

ફરક એટલો જ છે કે નાની ભાડેની દુકાનથી ધંધો શરૂ કરનારાઓમાંથી માંડ 5 ટકા નિષ્ફળ જાય છે… તેની કદી ક્યાંય ચર્ચા થતી નથી. પરંતુ….

‘સ્ટાર્ટ-અપ’ વડે 100માંથી માંડ 5 જણા સફળ થાય છે છતાં એની જ્યાં જુઓ ત્યાં ‘હાઈપ’ હોય છે !

ના ના, જમાનો તો ‘સ્ટાર્ટ-અપ’નો જ છે… સ્ટાર્ટ-અપ કરો સ્ટાર્ટ-અપ !

***

- મન્નુ શેખચલ્લી

Comments