દિલીપ કુમાર અને બીજા : 'ખોટ પડી' એમ ક્યારે કહેવાય ?

દિલીપકુમારનું મૃત્યુ થયું ત્યારે અનેક લોકોએ લખી નાંખ્યું કે ‘ફિલ્મજગતને ના પુરાય તેવી ખોટ પડી ગઈ.’ ઓ મારા સાહેબો, શું દિલીપકુમારે આવી બિમાર હાલતમાં હજી બીજાં બે વરસ કાઢ્યાં હોત તો ‘ખોટ’ પુરાયેલી રહી હોત ? હકીકતમાં દિલીપકુમારની ખોટ તો ત્યારે જ પડી ચૂકી હતી જ્યારે 1991માં આવેલી ‘સૌદાગર’ ફિલ્મ પછી એમણે ફિલ્મોમાં અભિનય કરવાનું જ માંડી વાળ્યું હતું. (છેક 1998માં ‘કિલા’ રીલિઝ તો થઈ પણ એમાં કિલ્લામાં પડી ગયેલાં મોટાં ગાબડાં જેવા લોચા હતા.)

કોઈની ‘ખોટ પડી’ એમ ક્યારે કહેવાય ? મોટા ભાગના લોકો કોઈ હસ્તિની મરવાની રાહ જોઈને બેઠા હોય છે કે ‘બૉસ, ક્યારે ખોટ પાડી દઉં ?’

અમારા હિસાબે સલીમ-જાવેદની ખોટ ત્યારે જ પડી ગઈ હતી જ્યારે એમણે એકબીજાથી ‘છૂટાછેડા’ લઈ લીધા હતા ! બન્નેએ પોતપોતાની રીતે બે-ચાર ફિલ્મો લખી જોઈ પણ કંઈ ખાસ જામ્યું નહીં. એ બન્ને સાથે હતા એમાં જ કંઇક મેજિક હતું ! જો એ જોડી વધુ દસેક વરસ ટકી હોત તો હિન્દી ફિલ્મોને ચોક્કસ થોડી વધુ ‘નફાકારક’ ફિલ્મો મળી હોત ને ? વાત માત્ર રૂપિયા-પૈસાના નફાની નથી, ફિલ્મોમાં પટકથા-સંવાદનું ધોરણ ચોક્કસ ઊંચું આવ્યું હોત.

એ જ રીતે જ્યારે જયા ભાદુરીએ આપણા મહાનાયક બચ્ચનજી સાથે પરણીને અભિનય કરવાનું છોડી દીધું ત્યારે જ મોટી ખોટ પડી ગઈ હતી. એ સમયે ફિલ્મોમાં ભોલીભાલી, માસૂમ, સુશીલ અને છતાં નટખટ એવી ‘ગર્લ નેકસ્ટ ડોર’ (આપણા જ પાડોશમાં રહેતી સામાન્ય છોકરી)ના રોલ જ લખાતા બંધ થઈ ગયા ! કેમકે જયા ભાદુરીના માપમાં ફીટ થાય એવી કોઈ હિરોઈનો જ નહોતી. એમાં ને એમાં ઝિનત અમાન અને પરવીન બાબી જેવી ‘બોલ્ડ’ હિરોઈનોનું ચલણ વધી ગયું.

જો જયા ભાદુરીએ ફિલ્મો છોડી ના હોત તો એ પેઢીની કમ સે કમ પચાસ ટકા યુવતીઓ પોતે સીધી સાદી રહેવામાં ‘ગૌરવ’ અનુભવતી હોત. જી હા, હિન્દી ફિલ્મોના હિરો અને હિરોઇનો હંમેશાં યુવા પેઢીનાં ‘રોલ મોડેલ’ બની જાય છે. એ હિસાબે ગણો તો જયા ભાદુરીની એક્ઝિટ વડે ફિલ્મી ચોપડાની ઉધાર સાઈડમાં કેટલી મોટી ખોટ પડી ગણાય ?

આપણી કમનસીબી એ છે કે જ્યારે જે લોકો હયાત હોય ત્યારે એમનું મહત્વ આપણે સમજી શકતા નથી. સુશાંત સિંહ રાજપૂત અને ઇરફાન ખાન મૃત્યુ પામ્યા એને સાચા અર્થમાં ‘ખોટ પડી કહેવાય’ પરંતુ દિવ્યા ભારતી નામની પેલી જાડી સરખી હિરોઈન મરી ગઈ ત્યારે આપણને ‘આઘાત’ જરૂર લાગે પણ ‘ખોટ’ પડી એમ ના કહેવાય કેમકે એના ચોકઠામાં બેસે તેવી સત્તર એકટ્રેસો તે વખતે ઇન્ડસ્ટ્રીમાં હાજર હતી.

બીજી બાજુ, અમુક લોકોની ખોટ પડે એ પહેલાં જ એ ‘પતી ગયા’ હોય છે. દાખલા તરીકે સુભાષ ઘાઈ ! ઇશ્વર એમને સો વરસના કરે, પણ જ્યારથી હિન્દી ફિલ્મોમાં નવા ટ્રેન્ડ શરૂ થયા ત્યારથી સુભાષ ઘાઈ જેવા સુપરહિટ ડિરેક્ટર પણ જુના લાગવા માંડ્યા. ‘તાલ’ પછી સુભાષજીની તાલી બોદી થઈ ગઈ. એ પોતે આ વાત સમજી ગયા એટલે ડિરેક્શન જ છોડી દીધું. જુના ચોપડામાં જમા સાઈડે ‘જમા’ જ રહ્યું, પણ ઉધાર સાઈડે મોટી ‘ખોટ’ નોંધાઈ જ નહીં.

ગુરુદત્ત ગયા તો ખોટ પડી, શૈલેન્દ્ર અચાનક ગયા તો ખોટ પડી, લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીમાંથી લક્ષ્મીકાંત ગયા તો પ્યારેલાલજીએ સંગીત આપવાનું જ બંધ કરી દીધું. કેમ કે એ જાણતા હતા કે આ કદી ના પુરાય એવી ખોટ છે. જ્યારે બીજી તરફ પ્રકાશ મહેરા ‘થાકી ગયા’, રમેશ સિપ્પી ‘થાકી ગયા.’

ભલભલા થાકે છે, ઘસાઈ જાય છે, જુની ચમક નથી રહેતી. સત્યજીત રે જેવા દિગ્ગજ ફિલ્મકારની છેલ્લી બે ફિલ્મો જુઓ તો સમજાય કે હવે એ થાક્યા છે, ખોટની એન્ટ્રીઓ પડવાની શરૂ થઈ ગઈ છે. પછી ભલેને બિચારા હોસ્પિટલના આઈસીયુમાં સૂતાં સૂતાં ઓસ્કાર એવોર્ડ સ્વીકારે તો એમનું મોડે મોડે (ટ્યુબલાઇટ પધ્ધતિથી) 'સન્માન' થયું કહેવાય પણ ‘ખોટ’ તો ક્યારની પડી ચૂકી હતી.

આમાં સૌથી કન્ફ્યુઝ કરનારો કિસ્સો રામગોપાલ વર્માનો છે. અમુક લોકો હજી એમ માને છે કે એ ‘જિનિયસ’ છે અને ગમે ત્યારે જોરદાર કમ-બેક કરશે. ખુદ રામગોપાલ પણ એ ભ્રમમાં જીવતા લાગે છે એટલે જેટલી વાર જોરદાર કમ-બેક કરીને એકાદ ફિલ્મ બનાવી નાંખે છે ત્યારે તે પોતાની ખોટમાં જ ઉમેરો કરતા હોય તેમ લાગે છે.

અને બીજી એક વાત. ફિલ્મી દુનિયાના લોકો જાય ત્યારે મહેરબાની કરીને એવું ના લખશો કે ‘આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા.’ ભઈ, શેની ફાની દુનિયા ? રંગીન સપનાં બનાવવાની ફેકટરી પોતે રંગીન સપનાં જોતાં, બતાડતાં અને સપનાં જેવી રંગીન જીંદગી જીવીને ગયા છે !

જુઓને, એમના ગયા પછી પણ એમનાં યુવાનીનાં લફરાંની વાતો નીકળે છે ! એટલું જ નહીં, આપણે એ બધા કિસ્સાઓ મલાવી મલાવીને વાંચીએ છીએ ત્યારે શું આપણને દુનિયા 'ફાની' લાગે છે ? સાચું કહેજો.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Replies
    1. Thank you so much Rajani bhai !🙏🙏🙏

      Delete
  2. આ બહુ સાચી હકીકત છે, જે, કેટલાંક લોકોને, એમની મર્યાદિત સમજ ને કારણે અકારી લાગશે. ખોટી વિભાવના કે ઘેલછા કે વ્યક્તિ પૂજાને લીધે ઘણીવાર આપણાં મૂલ્યાંકન સાપેક્ષ રહી જાય છે. સાચી અને નિરપેક્ષ સમજ કેવી હોય એ સમજાવતો સરસ લેખ, લલિતભાઈ !

    ReplyDelete
  3. Thanks Rasesh bhai ! ઘણીવાર વરસોથી ચાલી આવતી પરંપરાને કારણે પત્રકાર જગતમાં પણ આવી ભૂલ થતી રહે છે. જોકે શબ્દોની સાચી સમજ હોવી જરૂરી છે. જે ચાહકો છે તે તો લાગણીના પ્રવાહમાં બધું સ્વીકારી લે છે. હા, જ્યારે અદ્ભુત કલાકારો સુંદર કામ કરી રહ્યા હોય ત્યારે હિરો હિરોઈનો સિવાય ભાગ્યે જ કોઈની મહત્તા સમજાતી હોય છે. 🙏🙏🙏

    ReplyDelete
  4. Bahu nagn n satya hakikat kahi lalitbhai. Juna legends kharekhar great hata pan e kai lifetime available to nota j revana ne. Sanjiv kumar jeva actors nani ummare jay tyare khot padi kevay. Tame lakhyu em sushant n Irfan jeva ni kami mahesoos jarur thay. Mast lekh badal aabhar🙏

    ReplyDelete
  5. ખુબ ખુબ આભાર ! સંજીવ કુમારનું ઉદાહરણ પરફેક્ટ છે. એમના જેટલા વર્સેટાઈલ એક્ટરો તો હજારે એક જ પ્રાપ્ત થતા હોય છે. ખુબ જ સાચી વાત. 🙏🙏

    ReplyDelete

Post a Comment