સમાચાર
હવેથી SBIના ખાતામાંથી મહિનામાં ચારથી વધુ વખત પૈસા ઉપાડશો તો ‘ચાર્જ’ લાગશે.
ભજીયું
ચાલો, એમ રાખો. પણ મહિનામાં ચારથી વધુ વખત પૈસા જમા કરાવીએ તો કંઈ ‘કમિશન’ આપવાનું રાખો ને !
***
સમાચાર
લખનૌમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદના સ્વાગતમાં સુંદર નૃત્યોનો કાર્યક્રમ યોજાયો.
ભજીયું
… અને શ્રી કોવિંદજી વિચારી રહ્યા હશે કે ‘આની ઉપર કોઈ ‘મનોરંજન ટેક્સ’ તો નહીં લાગે ને ?’
***
સમાચાર
ધોરણ 10ના માસ પ્રમોશનમાં લગભગ તમામ છોકરાં પાસ થઈ જતાં ખુશીનો માહૌલ….
ભજીયું
બીજી તરફ સ્કુલના સંચાલકો ટેન્શનમાં છે કે હવે જો કોરોના જતો રહેશે તો છોકરાંઓને બેસાડવા માટે નવી બેન્ચો બનાવવી પડશે !
***
સમાચાર
અમેરિકામાં સ્પેલિંગ સ્પર્ધાની ફાઈનલમાં ભારતીય મૂળના 9 સ્ટુડન્ટો !
ભજીયું
છતાં ભાષાશાસ્ત્રીઓ હજી એ વાતનો જવાબ નથી આપી શક્યા કે ‘સોલ્જર’ના સ્પેલિંગમાં ક્યાંય ‘J’ કે ‘G’ કેમ નથી આવતો ?
***
સમાચાર
પાકિસ્તાને કાશ્મીરમાં ડ્રોન વડે બોમ્બ ફેંક્યા.
ભજીયું
પોતપોતાની હેસિયતનો મામલો છે. ઇન્ડિયાએ મોંઘા ‘રાફેલ’ ખરીદ્યાં તેની સામે પાકિસ્તાન બિચારું ‘ડ્રોન’થી કામ ચલાવવા માગે છે !
***
સમાચાર
સરકારે ત્રીજી લહેર માટે તૈયારી કરી રાખી છે.
ભજીયું
- અને લોકોએ ‘લીલા લહેર’ માટે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment