આભ તૂટ્યું... આભ !

એક મરઘીનું બચ્ચું હતું. તે ચારો ચરતું હતું. એવામાં આકાશમાં વીજળીનો કડાકો થયો અને વરસાદનું એક મોટું ટીપું બચ્ચાના માથાં ઉપર પડ્યું !

બચ્ચું ડરી ગયું !

એણે જઈને એની માને કહ્યું ‘મા ! મા ! આભ તૂટી પડવાનું છે ! હમણાં જ મોટો કડાકો થયો અને આભનો એક ટુકડો તો મારા માથા ઉપર પડ્યો !’

મરઘી ડરી ગઈ ! તે ભાગમભાગ કરવા લાગી. આ જોઈને બીજી મરઘીઓએ પૂછ્યું ‘શું થયું ? શું થયું ?’

‘આભ તૂટી પડવાનું છે ! એક મોટો ટુકડો તો અમે પડતો જોયો !’

બધી મરઘીઓ આ સાંભળીને ભાગવા લાગી. સામે મરઘાઓ મળ્યા. મરઘીઓએ કહ્યું ‘ભાગો ! ભાગો ! આભ તૂટી પડવાનું છે !’

મરઘાઓ પણ ગભરાઇને એમની સાથે ભાગવા લાગ્યા. આગળ જતાં થોડી બતકો મળી. એમણે પૂછ્યું ‘શું થયું ? કેમ ભાગો છો ?’

મરઘીઓ અને મરઘાઓ કહેવા લાગ્યા ‘ભાગો ! ભાગો ! આભ તૂટી પડવાનું છે. અમારી ઉપર તો મોટા મોટા ટુકડા પડ્યા પણ ખરા !’

બતકો પણ ગભરાઇને ભાગવા માડી. આખું ટોળું ગભરાટમાં ભાગી રહ્યું હતં ત્યાં એક શિયાળ સામું મળ્યું. શિયાળે પૂછ્યું ‘શું થયું ?’

‘અરે આભ તૂટી પડવાનું છે ! તમે કડાકો સાંભળ્યો કે નહીં ?’

શિયાળ સમજી ગયું. તેણે કહ્યું ‘ચિંતા ના કરો. આગળ જતા એક મોટી ગુફા છે. એમાં સંતાઈ જાવ. બધા બચી જશો.’

મરઘાં-બતકાંની આખી ટોળી દોડતી દોડતી એ ગુફામાં જતી રહી. ગુફામાં પંદર વીસ શિયાળો ટાંપીને જ બેઠાં હતાં. જેવાં મરઘાં-બતકાં અંદર આવ્યાં કે તરત એમને ફાડી ખાધાં !

***

ખાસ નોંધ :

રોનાલ્ડો નામના ફૂટબોલના ખેલાડીએ કોકા-કોલાની માત્ર બે બાટલીઓ ફક્ત ત્રણ ફૂટ દૂર ખસેડી એમાં તો કંપનીના ભાવમાં ૨૯૩ અબજ રૂપિયાનો કડાકો બોલી ગયો… એ વાતને આ વાર્તા સાથે કોઈ જ સંબંધ નથી.

આભ તૂટી જ પડવાનું છે. ખાતરી રાખજો !

***

- મન્નુ શેખચલ્લી

Comments