ઝિરો રાહુલ રોય, વન ટુ કા ફોર અનિલ કપૂર

પોતે સ્થિર રહીને લોકોનાં દિમાગ અસ્થિર કરી નાંખે એવા ખતરનાક હીરોનો નમૂનો જોવો હોય તો ‘આશિકી’ જોઈ લો !

બિચારા નદીમ-શ્રવણે છેક પાકિસ્તાનથી શોધી શોધીને ગાયનોની ધૂનો તફડાવી, ભારતની અજાણ પ્રજા એ ગાયનો ઉપર ફિદા થઈ ગઈ, ફિલ્મ રીલિઝ થતાં પહેલાં તેની લાખો કેસેટો વેચાઈ ગઈ ! અમને તો હતું કે ચલો, પરદા ઉપર ધમ્માલ મજ્જા જોવા મળશે, પણ રોય સરનેમવાળા એ હિરોના નામમાં જ ડખો હશે એની કોને ખબર હતી ? (રાહુલ ત્યારે ય ના હલ્યો, આજે ય નથી હલતો !)

ચાલો, હિન્દી ફિલ્મોના હિરો તો આમેય ઊભા ઊભા ગાયનો પતાવતા હતા પણ આમાં તો હિરોઇન પણ લાઇટનો થાંભલો નીકળી ! (ઉપરથી ફિલ્મમાં કોઈ કૂતરાનો ય રોલ નહોતો.) હશે, ચાલો ? નહીં નાચતા હિરોને બદલે જેણે ખરેખર મસ્તીથી નાચી જાણ્યું છે એવા ડાન્સિંગ હીરોની વાત કરીએ ?

આમાં અનિલ કપૂર આજે પણ એવરગ્રીન છે. CREDની પેલી એડમાં જેમ ગોવિંદા પોતાની મસ્તીભરી અદાઓથી આપણું દિલ ખુશ કરી જાય છે એ જ રીતે અનિલ કપૂરનો ટપોરી ડાન્સ જોઈને આજે પણ જરા હસવું આવી જાય કે, ‘અનિલકાકા, તમે હવે સાંઇઠના થયા, છતાં ટપોરીવેડા કેમ છૂટતા નથી ?’

ક્યારેક ચમકતું પીળું શર્ટ હોય તો ક્યારેક ચટાપટાવાળું સતરંગી શર્ટ હોય, પણ કોલર તો અધ્ધર જ હોય ! શર્ટની બાંયોને વાળથી ભરપૂર કાંડા ઉપર લટકતાં કડાં, ફૂમતાં અને માળાઓ બતાડવા માટે થોડી વાળેલી હોય, માથાના વાળની લટો બોડી સાથે તાલ મિલાવતી કપાળ ઉપર ઝૂમતી હોય અને આખેઆખો અનિલ કપૂર બે હાથની મુઠ્ઠીઓ ઉગામીને કોઈ અદૃશ્ય કાચની દિવાલો તોડી નાંખવાનો હોય એવાં ઝનૂની સ્ટેપ્સ કરતો હોય !... આ અનિલ કપૂરની ફીક્સ અદાઓ બની ગઈ હતી. આ તો સારું હતું કે ડાન્સ ડિરેક્ટરો અનિલ કપૂરનું શર્ટ નહોતા ઉતરાવતા, નહિતર આખા શરીરે વાળની ફળદ્રુપ ખેતી ધરાવતો અનિલ કપૂર ‘માય નેમ ઇઝ લખન’ને બદલે ‘માય નેમ ઇઝ ચિમ્પાન્ઝિ’ ગાતો દેખાતો હોત !

જે જમાનામાં અમિતાભ મોટા વડલાના વૃક્ષની માફક આખી ઇન્ડસ્ટ્રી પર છવાઇ બેઠો હતો એ સમયે એની છાયામાં અનિલ કપૂર અને જેકી શ્રોફ આ બે જ કલાકારો ઊગી શક્યા. એમાંય બિચારા જેકીને ભાગે હંમેશા ‘મોટાભાઇ’નો રોલ આવતો એટલે અડધો અડધ ફિલ્મોમાં તો ડાન્સનું ગાયન જ બાદ થઈ જતું. બીજી બાજુ અનિલભાઈ એવા કંઈ સુપર ટેલેન્ટેડ ડાન્સર નહોતા કે પહેલી ફિલ્મથી ઠેકડા મારવા માંડે. ‘વો સાત દિન’માં તો એને લટકતા નાડાવાળો પાયજામો પહેરાવીને ગળામાં મોટું હાર્મોનિયમ લટકાવી દીધેલું !

અરે, સુભાષ ઘાઈ જેવા અચ્છા ટેલેન્ટ પારખુને પણ અનિલ કપૂરના ડાન્સ બાબતે શંકા હશે એટલે ‘મેરી જંગ’માં જાવેદ જાફરીને ‘ડાન્સિંગ વિલન’ બનાવી દીધો હતો ! (હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આ પહેલો અને છેલ્લો ડાન્સિંગ વિલન હતો. યે પોઇન્ટ નોટ કિયા જાય, મિ. લોર્ડ.) જાવેદ જાફરીએ તો જતે દહાડે પોતાનો જ ડાન્સ-શો ટીવી ઉપર ચલાવીને પોતાનો ડાન્સિંગ આત્મા અવગતે ના જાય તેની ગોઠવણ કરી લીધી પણ અનિલ કપૂરના નસીબમાં મુઠ્ઠીઓ ઉગામીને નાચવાની તકો આવતી જ રહી. છેક ત્યાં સુધી કે ‘દિલ ધડકને દો’માં અનિલકાકા ‘પૈસા આપવા છતાં બિયરના મગ હજી કેમ નથી આવ્યા ?’ એવા ગુસ્સામાં ક્રુઝ-શીપના બારનું ટેબલ તોડી નાંખવાના હોય એવા ઝનૂનથી મુઠ્ઠીઓ પછાડવાનાં ડાન્સ-સ્ટેપ કરે છે !

જે હોય તે, સાલું, માનવું પડે કે ભલે અનિલકાકા બહુ સારા ડાન્સર ના હોય પરંતુ મહેનત કરવામાં હજીયે થાકે એવા નથી. (આનો લેટેસ્ટ પરચો જોવો હોય તો અનુરાગ કશ્યપની ‘AK વર્સિસ AK’ જોઈ લેવી.)

રહી વાત ‘આશિકી’થી શરૂ થયેલા રોમેન્ટિક ફિલ્મોના આખા દશકની, તો એમાંથી સુપરસ્ટાર તરીકે આવેલા ચારેય હિરો સલમાન, શાહરૂખ, આમિર અને અજય દેવગણ હજી બોડી જ બતાડ બતાડ કરે છે.

હા, આ બન્ને દશકાની વચ્ચે ક્યાંકથી ફૂટી નીકળેલો અક્ષય કુમાર બહુ જ ચપળ ડાન્સર હતો પણ એનાં નસીબ જુઓ, હિરોઇનોની આગળ પાછળ નાચવાનું છોડ્યું પછી જ એનું તકદીર ચમક્યું !

બાકી, સાચા અર્થમાં ડાન્સિંગ હિરો તો છેક 2000માં આવ્યો, હૃતિક રોશન ! કહો ના… ‘અસલી ડાન્સ’ હૈ ! (એની વાત આવતા સોમવારે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. લાજવાબ ! બસ, રિપીટેડ્લી વાંચ્યા જ કરવાનું મન થયા કરે છે, લલિતભાઈ !

    ReplyDelete
  2. Thanks 😊🙏 🙏😊 😊

    ReplyDelete
  3. No,no,no,no,no...wrong addressing...Anilkaka.
    Say correctly. ANILDADA.

    ReplyDelete
  4. વાત તો સાચી બોની કપુરનો.દીકરો . એટલે ..અજુઁન કપુર નો કાકો” અનિલ કાકા” ભત્રિજા કરતાં આજે પણ..બોલે.. તો.. ઝકાસ.. રાહુલ કે રોય .. કોણ ચાલતો નથી ?? 🤫🤣 રિતિક રોશન ..
    જરૂરથી ડાન્સ માટે “મન્નુ” ની એક ‘બાત’ ના આખા લેખ માટે બરોબર ..

    ReplyDelete

Post a Comment