જરા ચેક કરી લો, તમે કઈ ટાઈપના ગુજરાતી છો ?...
***
સાદા ગુજરાતી
જો તમે શાકભાજીથી લઈને સોનું સુધીની કોઈપણ ચીજ ખરીદવામાં રકઝક કરતા હો… તો તમે ‘સાદા ગુજરાતી’ છો.
પાકા ગુજરાતી
જો તમે શાકભાજીથી લઈને સોનું સુધીની તમામ ચીજો ખરીદતાં પહેલાં સાત ઠેકાણે ફરીને, ભાવતાલ કરીને, પછી જ ખરીદી કરતા હો… તો તમે ‘પાકા ગુજરાતી' છો.
પુરેપુરા ગુજરાતી
પણ જો તમે સાત ઠેકાણે ભાવતાલ કર્યા પછી ખરીદેલી કોઈપણ ચીજને દોઢા ભાવે વેચી નાખવામાં ચેમ્પિયન હો… તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો !
***
સાદા ગુજરાતી
જો તમે અંગ્રેજીમાં કાચા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.
પાકા ગુજરાતી
જો તમે અંગ્રેજીમાં કાચા હો છતાં દે-ઠોક ઇંગ્લીશ ફાડીને ગાડું ગબડાવી શકતા હો તો તમે ‘પાકા’ ગુજરાતી છો !
પુરેપુરા ગુજરાતી
પણ જો તમે તમારા દે-ઠોક ઇંગ્લીશ વડે અમેરિકા, ઇંગ્લેન્ડ કે કેનેડામાં પણ ધોળિયાઓને બાટલામાં ઉતારીને તમારો ધંધો ચલાવી શકતા હો… તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો !
***
સાદા ગુજરાતી
જો તમે તમારી પોતાની કમાણી ઉપર સતત ધ્યાન રાખતા હો… તો તમે ‘સાદા’ ગુજરાતી છો.
પાકા ગુજરાતી
જો તમે તમારા પાડોશી કે ઓફિસમાં સાથે કામ કરનારા કર્મચારી અથવા સગા-વ્હાલાંની કમાણી ઉપર સતત ધ્યાન આપતા હો… તો તમે ‘પાકા’ ગુજરાતી છો.
પુરેપુરા ગુજરાતી
પણ જો તમે અંબાણી, અદાણી, ટાટા, બિલ ગેટ્સ, બફેટ કે બોઝેસની કમાણી ઉપર સતત ધ્યાન રાખતા હો…
(એ પણ પાનના ગલ્લે ઊભા ઊભા)
તો તમે બોસ, ‘પુરેપુરા’ ગુજરાતી છો !
- અભિનંદન.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment