વર્લ્ડ થિન્કીંગ ડે ?!

બોલો, વચમાં એક ‘વર્લ્ડ થિન્કીંગ ડે’ આવીને જતો રહ્યો !

(આના ઉપરથી સાબિત થાય છે કે આ બધા ચિત્ર વિચિત્ર ડે નક્કી કરનારાઓ કદાચ વરસમાં એક દિવસ વિચારતા પણ હશે !)

છતાં વિચારો, કે આવા ‘વિચારવાના દિવસે’ ઓર્ડિનરી માણસ શું વિચારે ? અને બુદ્ધિજીવી માણસ શું વિચારે ?

***

ઓર્ડિનરી માણસ

‘અચ્છા ? આજે વર્લ્ડ થિન્કીંગ ડે છે ? સાલું, આવો વિચાર કોને આવ્યો હશે ?’

બુધ્ધિજીવી માણસ

‘થિન્કીંગ એટલે શું ? વિચારનો જે આખો વિચાર છે. તેની ઉપર જ ગહન વિચાર થવો જરૂરી છે. માણસ શા માટે વિચારે છે ? વિચાર ક્યાંથી જન્મે છે ? વિચારને વિચારવાની આખી પ્રક્રિયાની સમજ જ્યાં સુધી વૈચારિક સ્તરે સમજી ન શકાય ત્યાં સુધી વિચારના મૂળ સુધી પહોંચવાનો વિચાર વ્યર્થ છે.’

(કંઈ સમજ પડી?)

***

ઓર્ડિનરી માણસ

‘ઓકે. પણ આ દિવસે કોણે, કોને, શું ગિફ્ટ આપવાની ?’

બુધ્ધિજીવી માણસ

‘વિશ્વ વિચાર દિવસે માનવીએ એકબીજાને વિચારોની ભેટ ભેટ આપવાની છે. જગતના મહાનુભાવો પોતાના મહાન વિચારોની ભેટ આપણને આપી ગયા છે. પરંતુ વિચારોને કાગળમાં છાપીને, પરબિડીયામાં ખોસીને બીજા કોઈને પધરાવી દેવાથી શું એ વિચાર વિચાર રહેશે ખરો ? આ બાબત ઉપર સમગ્ર માનવજાતે વિચાર કરવાની જરૂર છે.’

(બોલો, હજી કંઈ ટપ્પી પડે છે ?)

***

ઓર્ડિનરી માણસ

‘જો બે-પાંચ મિનિટ વિચાર કરવાથી કંઈ ડિસ્કાઉન્ટ-બિસ્કાઉન્ટ મળતું હોય તો વિચારી જોઈએ.’

બુધ્ધિજીવી માણસ

‘આજે દેશમાં બુધ્ધિજીવીઓ વૈચારિક ડિસ્કાઉન્ટના રવાડે ચડી ગયા છે. 100 ટકા સાચા છતાં કડવા વિચારને બદલે 75 ટકા ગળપણમાં ડૂબાડેલા ગળચટ્ટા વિચારોની હાટડીઓ ચાલી રહી છે. આવી હાટડીઓમાં કદી જશો નહીં.’

(હા બાપા, નહીં જઈએ, પણ તમારી રેંકડી બંધ કરો ને ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments