ક્યાં ક્યાં હશે ગુજરાતી !?

કહેવાય છે કે પેલો કોલંબસ જરૂર ગુજરાતી હશે કેમકે વિઝા વિના જ એણે અમેરિકામાં ઘૂસ મારી હતી !

એ હિસાબે જોવા જઇએ તો આપણને ક્યાં ક્યાંથી ગુજરાતીઓનાં પ્રુફ મળી આવશે ! જુઓ…

***

આજે ‘કાર સાથે ટીવી ફ્રી’ અને ‘ટીવી સાથે મોબાઇલ ફ્રી’ ટાઈપની જે સ્કીમો ચાલે છે એ બધી ક્યાંથી આવી ?

- અરે ‘ફાફડા સાથે ચટણી ફ્રી’ની ઓરીજીનલ ગુજરાતી સ્કીમમાંથી !

***

આજે કાર ખરીદવી હોય તો ‘ફ્રી ટેસ્ટ ડ્રાઈવ’, ફ્લેટ ખરીદવો હોય તો ‘સેમ્પલ ફ્લેટ રેડી’ એવી જે સ્કીમો ચાલે છે એ ક્યાંથી આવી ?

- રતનપોળની દુકાનોમાંથી… ‘જોઈ તો જુઓ ! જોવાના ક્યાં પૈસા છે ?’

***

અચ્છા, આખા ઇન્ડિયામાં આજે જે પ્રાયવેટ ટ્યૂશનોની પ્રથા ચાલી રહે છે તે શરૂ ક્યાંથી થઈ ?

- છેક મહાભારતના ટાઈમથી ! એ વખતે દ્રોણાચાર્ય નામના એક સર ગુજરાતી હતા !

***

દુનિયાભરનાં શેરબજારોમાં ‘ફોરવર્ડ ટ્રેડિંગ’ યાને કે વાયદાના વેપાર જે ચાલે છે એનું મૂળ ક્યાં છે ?

- અગત્સ્ય નામના એક ગુજરાતી ઋષિ પાસે ! એમણે જ વિંધ્યાચળ પર્વતને વાયદો કરેલો ને !

***

અરે એ બધું છોડો…

સૌ સાથે સારું રાખવું, કોઈ જોડે સંબંધ બગાડવા નહીં, મરતાને ‘મર’ ના કહેવું, ચોરને કહેવું કે ચોરી કર અને ચોકીદારને કહેવું કે જાગતો રહેજે… એવી શાણી બુદ્ધિ વડે ત્રણે લોકમાં વગર વિઝાએ ઘુમી શકનારા મહાન મુત્સદ્દી કોણ હતા ?

- નારદ મુનિ ! બોલો, હતા ને પાક્કા ગુજરાતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments