એ જમાનાના તમામ હિરોને ‘આર્થ્રેલ્જિયા’ નામનો એક રોગ હતો. (મતલબ કે શરીરના સાંધા જકડાઈ જવા) આના કારણે ડાન્સનાં ગાયનો વખતે કાં તો કેમેરાને હલાવવો પડતો હતો અથવા હિરોઇનોને.
અમિતાભ જેવા અચ્છા એક્ટરો પોતાના ડાન્સમાં જે તે પાત્રના હાવભાવને બખૂબી ઢાળી દેતા હતા એટલે લોકોનું ધ્યાન એમના કઢંગા શરીર તરફ જતું નહોતું. જેમકે ‘ખઇ કે પાન બનારસવાલા’માં અમિતાભના લટકા ઝટકા સાવ કડછા-છાપ ભૈયાજી જેવા જ હોય, તો બીજી તરફ ‘સારા જમાના, હસીનોં કા દિવાના’માં આખા શરીરે ઝીણી ઝીણી ચાઇનિઝ લાઇટોની સિરિઝ લગાડીને તે કોઈ સુપર-સ્ટાર સિંગરની જેમ શાનદાર પોઝ અને સ્ટેપ્સ આપી શકતા હતા.
બીજી તરફ, જેના હાવભાવમાં માત્ર અઢી તોલાનો સ્ટોક હતો તેવા મનોજકુમારે પોતે ડિરેક્ટર બન્યા પછી નાચવાનું કામ તો કેમેરામેનને જ સોંપી દીધેલું ! છો બિચારો ક્રેઇન ઉપર હિંચકા ખાધા કરે !
આ બન્ને છેડાની વચ્ચે ફસાયા હતા ધર્મેન્દ્ર જેવા એક્ટરો જેમણે ચાવી આપેલા રોબોટ માફક થોડું ચાલવાનું, થોડું ઊભા રહેવાનું અને થોડું ડાબે-જમણે વળીને સ્માઇલો આપવાનું જ કામ કરવાનું હતું. પણ એ પછી ધરમ પા’જી ‘મૈં જટ યમલા પગલા દિવાના’ ગાયનમાં જે દારૂ પીને વીફર્યા, કે એ વખતની હાથ-પગની લાત-ઝાપટો એમની ‘ટ્રેડ-માર્ક’ ડાન્સ-અદાઓ બની ગઈ !
જોકે હાથ-પગની ઝાપટો મારવામાં બિચારા શશીકપૂર સૌથી વધુ કમનસીબ રહ્યા. છેક 1961 ‘ધરમપૂત્ર’થી 1982ના ‘નમકહલાલ’ સુધી શશીજીએ પોતાના શરીરને કેરોસીનના ડબ્બાથી માંડીને વાસણોથી ભરેલા પીપડાને ખખડાવતા હોય તેમ હચમચાવી જોયું, પણ કોઈ કરતાં કોઈ અદા એમની ‘બ્રાન્ડ’ બની શકી નહીં !
આમાં કપૂર ખાનદાનના રિશીકપૂરને ખરેખર ક્રેડિટ આપવી પડે. એક તો હાઇટ ઓછી, ઉપરથી ચોકલેટી ફેસ. છતાં શરીરની ચપળતા ગજબની હતી. ‘કર્ઝ’ના પહેલા જ ગાયનમાં (ઓમ શાંતિ ઓમ) સતત ગોળગોળ ફરતી રેકોર્ડ જેવા સેટ ઉપર જરાય ગડથોલું ખાધા વિના જે ડાન્સ કરી બતાડ્યો ત્યારે સૌએ માનવું પડ્યું કે ‘બોબીવાળા બાબલામાં દમ છે’. પણ સમય જતાં રિશીભાઈ આઇસ્ક્રીમની કોઠી જેવા ગોળમટોળ બનતા ગયા. હાઇટ છુપાવવા વાળના ફુગ્ગા રાખ્યા, પેટ છુપાવવા ચટ્ટાપટ્ટાવાળાં ટી-શર્ટો અને સ્વેટરો પહેર્યાં, અરે, શરીરની ચપળતા પહેલાં કરતાંય વધારી છતાં ચિન્ટુબાબા ચિન્ટુઅંકલ જેવા જ લાગતા હતા.
આ બધાની વચ્ચે જ્યારે મિથુન ચક્રવર્તીની ‘ડિસ્કો ડાન્સર’ તરીકે એન્ટ્રી પડી ત્યારે સૌને લાગ્યું કે હા, હવે ખરેખર કોઈ ડાન્સીંગ હીરો આવ્યો ખરો !
એ જમાનામાં ડાન્સ ડિરેક્ટરો હંમેશાં દૂંદાળા-ફાંદાળા જ રહેતા જેથી કરીને એમણે શીખવાડેલાં સ્ટેપ જ્યારે હિરો-હિરોઈનો કરે ત્યારે સારાં જ લાગે ! પણ મિથુનની એન્ટ્રી પછી આખો ખેલ ઉલ્ટો થઈ ગયો. ડાન્સ ડિરેક્ટરોને ફાંફા પડી ગયાં કે આ છોકરાને હવે શીખવાડવું શું ? બિચારા મિથુનને પેલા ‘પેલ્વિક થર્સ્ટ’ સ્ટેપની દરેક ડાન્સ ડિરેક્ટરો વારંવાર ઝેરોક્સ કોપીઓ કરાવતા હતા. (આ પેલ્વિક થર્સ્ટ, એટલે કે કમરની આસપાસના ભાગ વડે ધક્કા મારવાની મુદ્રાની, ખુદ મિથુને જ અમુક ટીવી શોમાં રમૂજભરી ‘પેરોડી’ કરી બતાડી હતી.)
ડાન્સમાં મિથુનની ટક્કર લઇ શકે તેવો એકમાત્ર અન્ય હીરો તે વખતે ગોવિંદા હતો. શરૂઆતમાં જ ‘લવ 86’ અને ‘ઇલ્ઝામ’થી તેણે પોતાના ડાન્સ વડે છાકો પાડી દીધો હતો પણ આગળ જતાં ભળતી સળતી સામાજિક ફિલ્મોમાં ગોવિંદાની ડાન્સિંગ ટેલેન્ટનો ખાસ ઉપયોગ થયો નહીં. છેવટે છેક ‘આંખે’ પછી ડિરેક્ટર ડેવિડ ધવન સાથે તેની જે જોડી જામી એ પછી ગોવિંદાના ડાન્સમાં એની પોતાની એક કોમિક ટચવાળી મસ્ત અદાઓ ઉમેરાઈ. સમજોને, કે અત્યાર સુધીના ડાન્સરો સાવ ગળ્યા મુરબ્બા જેવા ઢીલા પોચા હતા પણ ગોવિંદા એમાં ખટ-મીઠ્ઠા ચૂરણના ચટકારા જેવો સ્વાદ લઈ આવ્યો !
ગોવિંદાના ખાસ પ્રકારના ઓરીજીનલ સ્ટેપ હતાં. આ સ્ટેપની નકલ કરીને વિડીયો બનાવનારા પેલા શર્મા અંકલ તો છેક ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના શો સુધી પહોંચી ગયા હતા ! કહેવાય છે કે ગોવિંદાના ગાયનો પિક્ચરાઈઝ કરતી વખતે બિચારો ડાન્સ ડિરેક્ટર ગોવિંદાને પૂછતો હતો : ‘સર ઇસ લાઇન પે આપ કૌન સા સ્ટેપ કરેંગે ? ઉસ હિસાબ સે મૈં એકસ્ટ્રા ડાન્સર્સ કો સિખાતા હું !’
એક જમાનામાં ભગવાન દાદા પોતાનું ગોળમટોળ શરીર હોવા છતાં ડાન્સમાં મસ્તીભરી નજાકત લાવી શકતા હતા એનું જ ‘ન્યુ ઇમ્પ્રુવ્ડ’ અને મસ્તીભર્યું વર્ઝન ગોવિંદામાં હતું. આજે પણ તમે CREDની એડમાં એની ઓરીજીનલ અદાઓ જોઈને ફીદા થઈ જાવ છો ને ? બસ ત્યારે ! (ભલેને પેલાં ઓડિશન લેનારાં ઇંગ્લીશ મિડિયમ ભૂલકાં મોં ચઢાવીને બેઠાં હોય!)
***
- મન્નુ શેખચલ્લી
મોટા ભાગના કલાકારો એ ભગવાન દાદા ના ડાન્સ ની નકલો કરી છે.- શશિકાન્ત મશરૂ ( જામનગર)
ReplyDeleteBolliwood dance નો ઈતિહાસ સરસ રજૂ કર્યો છે.
ReplyDeleteઈતિહાસ તો નહીં પણ એક હળવી ઝલક છે, કર્દમભાઈ !
Deleteવાંચી વાંચીને ચકાચૌંધ...અને હસી હસીને બેવડ !!!
ReplyDeleteખુબ ખુબ આભાર રસેશભાઈ !
Deleteસાવ સાચી વાત , ભગવાન દાદા પછી ની
ReplyDeleteપેઢી માં મિથુન દા, રિષિ કપૂર ..સૌ થી આગળ ગોવિંદા ના નખરા ડાન્સ ..મઝા કરાવતા… 👌🤫🤔🕺
Thanks 😊🙏 🙏
Delete