ખુશ્બુ ગુજરાત કે ભજિયાં કી !

સોહની - મહિવાલની મૂળ દંતકથા એવી છે કે ચોમાસાની મસ્ત સિઝનમાં જ્યારે સોહની ગરમાગરમ મસાલેદાર ભજીયાં તળતી હતી ત્યારે તેની સુગંધ છેક હિમાચલ પ્રદેશમાં ગઢવાલ ગામે લોટ દળવાની ઘંટી ચલાવતા મહિવાલના નાકે પહોંચી હતી !

‘ઓહ ! આ ભજીયાંની સુગંધ આટલી મનમોહક છે તો એ તળવાવાળી કેવી મોહિની હશે !’ એવું વિચારીને બિચારો મહિવાલ વિના ટિન્ડર, વિના ફેસબુક, વિના સ્નેપ-ચેટ પ્રેમમાં પડી ગયો હતો. પોતાનું સળવળતું નાક તેના માટે એન્ટેના બની ગયું ! એ મહિવાલ છેક ગઢવાલથી ભાવનગર સુધી ‘ભજીયાંની તળનારી’નાં દર્શન કરવા ખેંચાઈ આવ્યો હતો.

હા, એ વાત અલગ છે કે સોહનીના બાપે તેને ચણાના લોટમાંથી એક લાખ દાંડિયા બનાવવાની શરત મૂકી હતી જેના કારણે ભાવનગરમાં લાંબા વણેલા ગાંઠીયાની શોધ થઈ હતી.

આપણે હમણાં ગાંઠીયાને બાજુમાં મુકો કારણ કે આ વરસાદની મોસમમાં ગરમાગરમ ભજીયાં ખાવાની જે લિજ્જત આવે છે તેનાથી વધારે લિજ્જત જો આવતી હોય તો તે ભજીયાં તળાતાં હોય તેની સુગંધ માણવામાં આવે છે. કવિ કાલિદાસે જે ‘અષાઢસ્ય પ્રથમ દિવસે…’ નામનું પ્રણય-કાવ્ય લખ્યું છે તે હકીકતમાં તો તળાઈ રહેલાં ભજીયાંની સુગંધથી જ પ્રેરાઇને લખ્યું હતું. આના પુરાવાની શોધ ભારતભરનાં પુરાતત્વ વિભાગોમાં ચાલી રહી છે.

અમદાવાદના ફેમસ રાયપુર ભજીયા હાઉસ પાછળની અસલી દંતકથા એવી છે કે ભજીયાં ખાવાનો શોખીન પેલો સસલો તાજાં તળાઈ રહેલાં ભજીયાંની સુગંધ તરફ લાળ ટપકાવતો દોડી રહ્યો હતો ! એની અડફેટમાં એકાદ કૂતરું આવી ગયું હતું. તે જોઈને અહેમદશાહને ભ્રમ થઈ ગયો કે સાબરમતીનાં પાણીમાં કેટલી તાકાત છે ! આમાં ને આમાં એણે અમદાવાદ શહેર વસાવી નાંખ્યું !

જોકે જતે દહાડે એનો આ ભ્રમ તૂટી જ ગયો કારણ કે આજે અહેમદશાહ નથી રહ્યો. એનું રાજ પણ નથી રહ્યું છતાં આખા અમદાવાદમાં આજની તારીખે ભજીયાંનું જ રાજ છે !

કહેવાય છે કે અહેમદશાહના રાજમાં જે જે લોકોએ ઉધારમાં ભજીયા ખાઈને પૈસા ચૂકવ્યા નહોતા તેમને સૌને સાત જનમ પછી જેલની સજા થઈ અને એમણે સાબરમતી જેલમાંથી રાયપુર દરવાજે આવીને ભજીયાં તળવાં જ પડ્યાં ! (હાલમાં આ સ્કીમ કોરોનાને કારણે બંધ છે કેમકે આજકાલ ઘેરઘેર બહેનો ભજીયાં તળે છે અને જો કેદીઓ ભજીયાંની સુગંધથી ઘરમાં ઘૂસી આવે તો નવી ઉપાધિઓ થાય.)

મહાન શાયર ગાલિબ ભજીયાંના જબરા શોખીન હતા. જો તેમને ભજીયાં ન ખાવ મળે તો તે બિમાર પડી જતા હતા ! એટલે જ તે લખી ગયા કે ‘ઉન કે ‘ખાને’ સે જો આતી હૈ મુંહ પર રૌનક, વો સમજતે હૈં કિ બિમાર કા અચ્છા હાલ હૈ !’

ભજીયાંના વિવિધ સ્વરૂપો છે. સાદા ભજીયાં, કાંદા ભજીયાં, મરચાંનાં ભજીયાં, ગોટા ભજીયાં, બટેટાની કાતરીના ભજીયાં, વેજિટેબલ ભજીયાં, બેબી-કોર્ન ભજીયાં (લેટેસ્ટ) છે, ટામેટાં ભજીયાં, આઇસ્ક્રીમ ભજીયાં (જી હા, રાજકોટમાં બને છે) એટલે જ આપણા ગુજરાતી આદિ કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ‘હોય ભલે રંગરૂપ જુજવાં, અંતે તો ચણાનો લોટ હોયે !’

મશહૂર ફિલ્મકાર મનોજકુમાર ચણાની લોટની તાકાત પારખી ગયા હતા એટલે જ તેમણે ‘ક્રાંતિ’ ફિલ્મમાં ગાયન લખાવડાવ્યું કે ‘મેરા ચના હૈ અપની મરજી કા, મરજી કા ખુદગર્જી કા !’ ગુલઝાર જેવા ગુલઝાર જ્યારે ભજીયાં વિશે કવિતા ના લખી શક્યા ત્યારે એમણે આખી ફિલ્મ  બનાવી જેનું નામ હતું…. ‘ખુશ્બુ’ ! અરે, એ ભજીયાંની જ ખુશ્બુ હતી ને ?

ભજીયાં તળવામાં બે ચીજ મહત્વની છે એક માચિસ અને બીજો ઝારો. ગુલઝારે ‘માચિસ’ નામની ફિલ્મ બનાવી અને બાકી હતું તે યશ ચોપરાએ પુરું કર્યું… ‘વીર-ઝારા’ નામની ફિલ્મ બનાવીને.

ભજીયાં વિશેની અન્ય દંતકથાઓની શોધ ચાલુ જ છે પણ હમણાં ઈન્ટરવલ પડી ગયો છે કેમકે શ્રીમતીજી અમને કિચનમાં કાંદા સમારવા બોલાવી રહ્યાં છે.

***

-મન્નુ શેખચલ્લી

Comments

  1. ભજીયાંનાં પ્રાગૈતિહાસિક અવતાર અને ઉત્ક્રાંતિ વિશેની સૌથી ઑથૅન્ટિક વાતો આ જ હોઈ શકે ! નાક, મગજ અને જીભનાં પડળો તમે, લલિતભાઈ, ખોલાવી દીધાં.

    ReplyDelete
  2. Ek ek vaat ma shu upma aapi che kahevu pade ho besan na dandiya etle bhavnagri gathiya🤣🤣 khushbu machis n virzara shu combination lavya bapu👌

    ReplyDelete
  3. An American was surprised to see Bhajiyu, and asked how potato enterd inside bhajiyu.

    ReplyDelete

Post a Comment