જુની ફિલ્મોમાં જ્યારે મારામારી થતી ત્યારે ફેંટ મારતી વખતે રીતસર કોઈ ‘ઢીશૂમ’ બોલતું હોય એવું સંભળાતું હતું ! ફાઇટિંગ કરતાં કરતાં આવું કોણ બોલતું હશે ? એવા સવાલો અમને બાળપણમાં થતા હતા !
આજે જરા જુદા સવાલો થાય છે…
***
બાઇક ઉપરથી ઉતરતી વખતે હીરો પોતાના બે પગ હવામાં ઘૂમાવે છે ત્યારે ‘વ્હુશ…’ ‘વ્હુશ..’ એવા અવાજો ક્યાંથી આવે છે ?
- એના પેન્ટમાંથી ?
***
એ જ રીતે હીરો એના ગોગલ્સ કાઢીને શર્ટના કોલર પાછળ ભરાવે છે ત્યારે વળી શેના અવાજો આવે છે ?
- પીઠ ખંજવાળવાના ?
***
હીરો જ્યારે વિલનના ગુન્ડાને જોરથી ભોંય ઉપર પછાડે છે ત્યારે એ ગુન્ડો ફરી હવામાં શી રીતે ઉછળે છે ?
- શું ગુન્ડાની પીઠમાં સ્પ્રીંગો ફીટ કરેલી હોય છે ?
***
એ જ રીતે જ્યારે વિલનની કારોમાં બોમ્બ ફૂટે છે ત્યારે બધી કારો હવામાં શી રીતે ઉછળે છે ?
- શું હીરો બોમ્બમાં પણ સ્પ્રીંગો ફીટ કરી આવે છે ?
***
જ્યારે વિલનના ગુન્ડાઓ હવામાં ફંગોળાય છે ‘ડબલ સ્પીડમાં’ ગુલાંટો ખાય છે પણ જ્યારે નીચે કીચ્ચડમાં પડવાના હોય ત્યારે અચાનક એમની સ્પીડ ‘સ્લો’ કેમ થઈ જાય છે ?
- શું ગુન્ડાઓની બોડીમાં એક્સિલરેટર અને બ્રેક પણ ફીટ કરેલી હોય છે ?
***
હીરોની એક જ રિવોલ્વરમાથી ચાર ચાર ડઝન ગોળીઓ શી રીતે છૂટ્યા કરે છે ?
- શું ભગવાન શ્રીકૃષ્ણની જેમ કોઈ દૈવી શક્તિ આકાશમાંથી હીરોની રિવોલ્વરમાં ગોળીઓ પૂર્યા કરે છે ?
***
અને આટ-આટલી લાશો ઢાળી દેવા છતાં કોઈ દહાડો હીરો ઉપર કેમ કોઈ પોલીસ-કેસ થતા નથી ?
- બધા એન્કાઉન્ટરના ખુલાસા બિચારા પોલીસોએ જ આપ્યા કરવાના ? બહુત ના-ઇન્સાફી હૈ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment