રાષ્ટ્રીય પીણું... ચા ?!

થોડા દિવસો પહેલાં ‘આંતરરાષ્ટ્રિય ચા દિવસ’ હતો. તે વખતે એવી અફવા ચાલી હતી કે હવે ‘ચા’ને ભારતનું ‘રાષ્ટ્રિય પીણું’ જાહેર કરવામાં આવશે !

જો ખરેખર એમ થાય તો ? ….

***

સૌથી પહેલાં તો બધા ‘પીનારા’ એનો વિરોધ કરવા માટે રાત્રે 8 PM વાગે રેલી કાઢશે !

***

જતે દહાડે સોશિયલ મિડીયામાં ‘વિદેશી’ દારૂ પીનારા અને ‘સ્વદેશી’ ચા પીનારાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે ! એ તો ઠીક, પણ દેશમાં લાખો ‘ચા-ભક્તો’ ફૂટી નીકળશે !

***

આ ‘ચા-ભક્તો’ની વિવિધ માગણીઓ હશે. જેમ કે…

ચા માટે ‘અડધી’ ‘કટિંગ’ એવા અપમાનજનક શબ્દો વાપરી શકાશે નહીં.

‘કડક’ ‘મીઠી’ અને ‘મોળી’ જેવા દ્વિઅર્થી શબ્દો પણ ચા માટે બોલવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.

***

‘ચા કરતાં કીટલી ગરમ’ એ કહેવતને તો હંમેશ માટે દૂર કરવી પડશે કેમકે રાષ્ટ્રિય પીણા કરતાં પેલી ગોબાવાળી હલકી ધાતુની બનેલી ચીજને વધારે માન શી રીતે આપી શકાય ?

***

ફૂટપાથ ઉપર, છાપરાં નીચે, ખુલ્લી લારીમાં કે હાઇવે ઉપર ગમે ત્યાં આવેલી ફાલતુ જગાઓ ઉપર ચા વેચવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.

***

કેન્ટિન, રેસ્ટોરન્ટ, હોટલ વગેરે સન્માનનીય સ્થળે ચા પીરસી શકાશે પરંતુ રાષ્ટ્રિય પીણાને ‘સન્માન’ આપવા માટે ચા ઊભા ઊભા જ પીવાની ફરજ પાડવામાં આવે.

***

સબડકા બોલાવીને રકાબીમાં રેડીને ચા પીનાર ઉપર ‘માનહાનિ’નો કેસ કરવામાં આવે.

***

અને એંઠા કપ-રકાબીને પાણીમાં ઝબોળીને ધોઈ રહેલા છોકરાને તો ‘ચા-પ્રેમી’ ભક્તો જાહેરમાં ‘ધોઈ’ જ નાંખશે !

***

અને હા, પેલા ગુજરાતના એક રેલ્વે સ્ટેશને ‘ચાયવાલા દેવ’નું ભવ્ય મંદિર બનાવાશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments